વિશ્વાસ અને અવિશ્વાસ આમ તો દરેક વ્યક્તિના જીવનનો મહત્વનો હિસ્સો છે. માણસ તેના આધારે કેટલાં બધાં કામો કરે છે અને જ્યારે કોઈ વિશ્વાસનો ભંગ કરે ત્યારે ભારે આઘાત પણ લાગે છે. ફિલ્મી કવિઓ તો દગો, બેવફાઈ, જેવા શબ્દો પણ વાપરશે. હવે જો આ વાત લોકસભામાં રજૂ કરાયેલા અવિશ્વાસની દરખાસ્તને (no confidence motion) લાગુ પાડીએ તો?
આમ તો જવાબ સાવ સહેલો છે. તેનું પરિણામ પણ નક્કી છે. વિરોધ પક્ષોને લોકસભામાં બોલવાનો મોકો મળશે, આરોપો લગાવવામાં આવશે, હાલનો માહોલ જોતાં શેરીમાં કે શાક માર્કેટમાં સાંભળવા મળતો કોલાહલ પણ થશે, ભાષાની મર્યાદા પ્રશ્નાર્થ બની જશે. વિપક્ષોને દરખાસ્ત તેમની તરફેણમાં આવે એટલી સભ્ય સંખ્યા ના હોવાથી નિષ્ફળ જશે.
પછી?
પછી સત્તા પક્ષ અને વિપક્ષો પોતાના કામમાં લાગી જશે. સંસદને બદલે સડક, અખબારો, ટીવી ચેનલો અને કાર્યાલયોનો ઉપયોગ કરીને 2024ની ચૂંટણીની તૈયારી કરવા માંડશે. શું કોંગ્રેસને અવિશ્વાસનો પ્રસ્તાવ ઊડી જવાથી કોઈ અસર થશે? ના રે ના. સંસદમાં વિશ્વાસ-અવિશ્વાસની દરખાસ્તો મોટે ભાગે જાહેર ચર્ચાથી વધુ કામ આવી નથી.
હા, કેટલીકવાર સત્તા પક્ષની પારાવારની ભૂલોને ખુલ્લી કરવામાં આવે છે અને સત્તા પર બેઠેલા પક્ષ અને તેના નેતાઓની નાદારીનો પ્રજાને ખ્યાલ આવે. 23 ઓગસ્ટ 1963ના લોકસભામાં પહેલીવાર અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને તે પણ “નેહરૂ એટ્લે દેશ, દેશ એટ્લે કોંગ્રેસ”નો માહોલ ઊભો કરાયો હતો તેવા સમયે.
આ પણ વાંચો: બદનસીબ મુખ્યમંત્રીઓ: મણિપુરના સિંહ એકલા નથી, બીજા ઘણા છે…
લગભગ 22 કલાક ચર્ચા ચાલી. પ્રસ્તાવ પેશ કરનારા આચાર્ય કૃપાલાણી! આશ્ચર્યચિહ્ન એટલા માટે કે એક સમયે કૃપાલાણી નેહરુજીના વિશ્વાસપાત્ર નેતા હતા અને પુરુષોત્તમદાસ ટંડનની સામે અધ્યક્ષ તરીકે મૂકવામાં આવ્યા હતા.
તેમની સાથે હતા હિરેન મુખર્જી, અટલબિહારી વાજપેયી, બલરાજ મઢોક, બેરિસ્ટર નાથપાઈ, રામમનોહર લોહીયા. વિપક્ષ બિચારો મુઠ્ઠીમાં સમાઈ જાય એટલો પણ તેના નેતાઓ ધરખમ હતા. નેહરૂ પર આજ સુધીમાં ટીકાઓ, આલોચનાઓ ક્યારેય થઈ નહોતી. તેમણે ચીન પર ભરોસો રાખ્યો અને ચીને વિશ્વાસ ભંગ કરીને આક્રમણ કર્યું, તે ઘટના દેશના દિલોદિમાગ પર હતી.
વી. કે. કૃષ્ણ મેનન નેહરુજીના વફાદાર મંત્રી અને સેનાપતિ કૌલ પણ પિંજરામા હતા. ચીને કેટલો મોટો જમીનનો ભાગ પોતાનો બનાવીને, દાવો કર્યો હતો કે ચીન-ભારત પંચશીલ કરારોના શાંતિના કબૂતરો ઘાયલ થઈને તરફડતા હતા. નેહરૂના ઘણાબધાં ભ્રમો તૂટ્યા. ખુદ કોંગ્રેસમાં મહાવીર ત્યાગી પણ પેલું યાદગાર વાક્ય બોલ્યા હતા નેહરૂને સંબોધીને, “ તમે કહો છો કે ચીને દાવો કર્યો ત્યાં ઘાંસ પણ ઉગતું નથી. મારા માથા પર ટાલ છે, ત્યાં વાળ ઊગતા નથી. તો શું મારે માથું કાપીને ફેંકી દેવું? “
સંસદમાં ભારે ક્ષોભ અને ગુસ્સો હતો. 22 ઓગસ્ટે મતદાન થયું. સત્તા પક્ષને 347 મત મળ્યા વિપક્ષને 62. નેહરૂ સરકારને વિશ્વાસ મળ્યો, સંસદીય પ્રણાલિકાની રીતે તો ઠીક હતો પણ ઇતિહાસ કહે છે કે ત્યારથી કોંગ્રેસની લોકોમાં સ્થિરતા ઘટતી ગઈ. તેનો સીધો પ્રભાવ ચૂંટણીમાં થયો.
ત્રીસ વર્ષોમાં તો એવી દશા આવી કે કેન્દ્રમાં તેની સત્તા જ ના રહી, બીજા રાજ્યોમાં પણ એવું બન્યું. દેખીતી રીતે તે અવિશ્વાસ પૂરા દેશનો હતો. આઝાદી મેળવવાના મુખ્ય પક્ષ તરીકે આઝાદી પછી સત્તા ભોગવી તેનું પુણ્ય ધીરે ધીરે અસ્ત થવા માંડ્યુ હતું.
અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય એવું એકવાર જનતા પક્ષના સમયે થયું. તેમાં પક્ષની આંતરિક ખેંચતાણ જવાબદાર હતી. જેમને વડાપ્રધાન બનવું હતું (અને કેટલાક થોડા સમય માટે બન્યા પણ ખરા, જેમ કે ચૌધરી ચરણસિંહ, ચંદ્રશેખર) તેમના જુથ બની ગયા અને પ્રસ્તાવ આવે તે પહેલા મોરારજી ભાઈએ રાજીનામું આપી દીધું. કટોકટીની સામેના અભૂતપૂર્વ સંઘર્ષમાં સામેલ પક્ષો એકત્રિત થઈને જનતા પક્ષ બન્યો હતો, પણ સત્તા સાચવી શક્યા નહિ તે ભારતીય રાજકારણની કરૂણ ઘટના હતી.
હા, એટલું જરૂર બન્યું કે કટોકટી વિરોધી સંઘર્ષમાં સૌથી વધુ સક્રિય ભારતીય જનસંઘ નવા સ્વરૂપે ભારતીય જનતા પક્ષ તરીકે ઉદય પામ્યો અને કેન્દ્રમાં તેના બે વડાપ્રધાનો થયા, એક અટલબિહારી વાજપેયી અને બીજા નરેન્દ્ર મોદી. હા, વાજપેયીજીને પણ વિશ્વાસ-અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હતો. 19 ઓગસ્ટ 2003માં સોનિયા ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો પણ 135 મત મળ્યા, 330 વાજપેયી સરકારને મળ્યા. એ પહેલા એક નિર્ણાયક મુકામે માત્ર એક મતથી વાજપેયી હાર્યા ત્યારે ચૂંટણીમાં મુખ્ય મુદ્દો જ એ બન્યો કે માત્ર એક મત! ને મતદારે ભાજપને બહુમતી આપી.
27 અવિશ્વાસ પ્રસ્તાવ, સૌથી વધુ શ્રીમતી ઈન્દિરા ગાંધી સામે! નવેમ્બર 1966થી 1975 સુધીમાં બાર અવિશ્વાસ પ્રસ્તાવો. તેમાં 10 મે 1974, 9 મે 1975, તો નેગેટિવ વોઇસ વોટ થી ઊડ્યાં. એક એવો પ્રસ્તાવ 11 મે 1978ના મોરારજી દેસાઈ સામેનો પણ નેગેટિવ વોઈસ વોટ થી રકાસ થયો.
ઈન્દિરાજીની સામે બાર પ્રસ્તાવ પછી 1981થી 1982 સુધીમાં બીજા ત્રણ પ્રસ્તાવ આવ્યા હતા. એક તેમના પુત્ર રાજીવ ગાંધીની સામે 1987માં. નરસિંહરાવે એવા ત્રણ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કર્યો. વાજપેયીજીની સામે સોનિયા ગાંધીએ પ્રસ્તાવ મૂક્યો હતો, આ વખતે રાહુલ તે સમયે સંસદમાં ગેરલાયક હતા એટ્લે ગૌરવ ગોગોઈને આ માન (?) મળ્યું છે.
નરેન્દ્ર મોદી માટે આ બીજી વારનો પ્રસ્તાવ છે. એ પહેલા 2018માં શ્રીનિવાસ કેસીનેનીએ મૂક્યો અને 135 મત મળ્યા, સામે એન.ડી.એ ને 330 મત. હવે વિરોધ પક્ષો એક થવા મથામણ અને કસરત કરી રહ્યા છે, ત્યારે તેનું પરિણામ નક્કી હોવા છતાં એક મુદ્દો છે કે ચર્ચાનું સ્તર માનનીય પ્રતિનિધિઑ કેવું જાળવશે?
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)