ગુજરાતમાં પ્રજા-સત્તાક દિવસે આ ભાષણ તમે સાંભળ્યુ હતું?
26 જાન્યુઆરી 2023નો આ પ્રસંગ મહત્વનો એટલા માટે બની ગયો કે આપણા રાજયપાલે સૌને ઉદ્દબોધન કર્યું અને પછી સ્વયં ત્રણે કતારમાં બેઠેલા સૌને મળ્યા. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હતા.
કદાચ ચૂકી જવાયું હશે. કારણ કે બંધારણીય નીતિનિયમ પ્રમાણે તે ગાંધીનગરના રાજભવનમાં યોજાયું હતું. પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિવસે તે “at હોમ” (ઘર આંગણે) નિમિત્તે મહાનુભાવોને બોલાવવામાં આવે છે. તેમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સચિવો, સેનાની ત્રણે પાંખના ગુજરાત-સ્થિત અફસરો, સ્વાતંત્ર્ય સૈનિકો, કુલપતિઓ, પદ્મ સન્માન પ્રાપ્ત મહાનુભાવો વગેરેને આમંત્રિત કરવામાં આવે છે.
26 જાન્યુઆરી 2023નો આ પ્રસંગ મહત્વનો એટલા માટે બની ગયો કે આપણા રાજયપાલે સૌને ઉદ્દબોધન કર્યું અને પછી સ્વયં ત્રણે કતારમાં બેઠેલા સૌને મળ્યા. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હતા. અમારી કતાર તરફ આવ્યા ત્યારે મે કહ્યું કે આજનું આપનું ઉદ્દબોધન અત્યંત શાનદાર હતું. તેમણે મને કહ્યું કે પંડયાજી, આપ કી લેખિની અવિરત ચલની ચાહીએ, યે ભી એક રાષ્ટ્ર-કર્મ હૈ.
અર્થાત આ રાજ્યપાલ રાજભવનની ચાર દીવાલો વચ્ચે જ કાર્યરત નથી, ગુજરાતની સાથે અલગ અલગ રીતે સંપર્ક અને સંબંધ રાખે છે. પ્રાકૃતિક ખેતી, ગૌવંશ સંવર્ધન, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં પણ સક્રિય માર્ગદર્શન આપે છે. જ્ઞાન અને વિજ્ઞાન પ્રત્યે તેમની વિશેષ રુચિ છે. ગુજરાત સાહિત્ય અકાદમીનો ગયા વર્ષે હું અધ્યક્ષ હતો ત્યારે ટંકારામાં એક નજીવો અભ્યાસ કરીને પારંગત બનેલા મુનિ દયાળે કરેલા વેદ ગ્રંથોના અનુવાદ માટે ગૌરવ સન્માન આપવાનું નક્કી કર્યું, ત્યારે સ્વયં અધ્યક્ષ તરીકે તેમનું સ્વાગત કર્યું, ઉપરાંત સાહિત્ય અકાદમીના એક લાખ રૂપિયાના સન્માનમાં બીજા બે લાખ રાજભવન તરફથી ઉમેર્યા! શ્રી અને સરસ્વતીનો સંગમ અભિવ્યક્ત કર્યો.
at home સમારંભમાં તેમનું પ્રવચન થોડું અલગ રહ્યું. તેમણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારોને યાદ કર્યા. એટલું જ નહીં ક્રાંતિવીર રામ પ્રસાદ બિસ્મિલ્લની ફાંસીની ફાંસી પહેલાના થોડા કલાકોનું વર્ણન કર્યું. કેવી રીતે તેણે પોતાની આત્મકથા આ કાળ કોટડીમાં લખી તે ઘટના તો દુનિયાની પ્રેરક આત્મકથાના સ્થાને બેસે તેવી છે. ઊભા થાય તો છાપરું વાગે, લાંબા પીજી કરીને સૂઈ ના શકાય તેવી આ કોટડી હતી. તેમાં આ મસ્તમૌલા ક્રાંતિકારે ગીતો લખ્યા, ગઝલો લખી, શાયરી અજમાવી, આત્મકથા લખી.. બધુ ભારત માતા પ્રત્યે સમર્પિત.
હે ઇશ , ભારત વર્ષમે શતબાર મેરા જ્ન્મ હો, કારણ સદા હી મૃત્યુ કા દેશોપકારક કર્મ હો!
જાતે, હસતાં ચહેરે, વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે ફાંસીના તખતે ચડી જનારા અને તોપના ગોળે કે આંદામાન કોટડીમાં મરનારા સેંકડો હતા (ગણતરી કરીએ તો 6 લાખ) આ વાત કરીને રાજયપાલ વર્તમાન પર આવ્યા અને વડાપ્રધાને આપેલી પન્ચ સુત્રી સંકલ્પોની વાત સમજાવી. સ્વનિર્ભર અને સ્વદેશી પ્રેમનો ઉલ્લેખ કર્યો. તેના ક્રિયાન્વયન વિષે આગ્રહ કર્યો. છેલ્લા કેટલાક વર્ષની પરંપરા મુજબ પ્રકૃતિક ખેતી કરતાં ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનના નમૂના સાથે આવ્યા હતા.
ભાષણો તો આપણે ત્યાં ઘણા થાય છે પણ તેમાં દિલ અને દિમાગ સુધી પ્રભાવ પાડે તેવા કેટલા? વડાપ્રધાન તેવા પ્રભાવમાં મોખરે છે. ગુજરાતમાં રાજયપાલ પણ આત્મીયતાથી બોલ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર તરીકે આવ્યા તેની સામે કેટલાક કથિત ગાંધીજનો અને “લિબરલ્સ”ના આંખના ભવાં ઊંચે ચડી ગયા અને જાણે કે પોતે જ ગાંધીના વારસદાર હોય તેમ વિદ્યાપીઠ હવે અ-ગાંધી સંસ્થા બની ગઈ છે એવી બુમરાણ કરી મૂકી હતી.
થોડાક જ દિવસોમાં રાજ્યપાલ જાતે વિદ્યાપીઠ જઈને છાત્રાલયોમાં કચરાનો નિકાલ કરવા જાતે સાવરણો ઉપડયો હતો. રાજ્યપાલની નિયુક્તિ સામે વિરોધ કરનારા કોઈએ, ક્યારેય આવું કર્યું હતું ખરું? આચાર્ય તો ગુરુકુળ શિક્ષણ પદ્ધતિમાં વર્ષોથી સક્રિય છે, તેમની સામે અકારણ વિરોધ કરનારા સૂર્ય પ્રકાશથી વંચિત ઘુવડો જેવી માનસિકતા ધરાવે છે તેનો સૌને અંદાજ આવી ગયો છે.
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)