વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બપોરે 12 વાગ્યાથી લોકસભામાં ચર્ચા શરૂ થશે. સરકાર વતી બીજેપી સાંસદ નિશિકાંત દુબે અને વિપક્ષ વતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચર્ચા શરૂ કરી શકે છે. ગઈકાલે જ રાહુલ ગાંધીનું સંસદીય સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા સવારે 9.30 કલાકે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં બીજેપી સંસદીય દળની બેઠક મળશે, જેની રણનીતિ નક્કી કરવામાં આવશે.
ભારતના બંધારણમાં અવિશ્વાસ પ્રસ્તાવનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ કલમ-75 મુજબ વડાપ્રધાન અને તેમની મંત્રી પરિષદ લોકસભાને જવાબદાર છે. લોકપ્રતિનિધિઓ લોકસભામાં બેસતા હોવાથી સરકાર માટે ગૃહનો વિશ્વાસ મેળવવો ખૂબ જ જરૂરી છે, એટલે કે કોઈપણ સરકાર ત્યારે જ સત્તામાં રહી શકે છે જ્યારે લોકસભામાં તેની બહુમતી હોય. તેના આધારે લોકસભાના નિયમ 198માં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ એ તપાસવાનો એક માર્ગ છે કે સરકાર પાસે ગૃહમાં બહુમતી છે કે નહીં.
જ્યારે કોઈપણ પક્ષને લાગે છે કે સરકારે ગૃહનો વિશ્વાસ અથવા બહુમતી ગુમાવી દીધી છે, ત્યારે વિપક્ષ અથવા કોઈપણ સાંસદ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. પરંતુ તેની શરત એ છે કે પ્રસ્તાવને 50 સાંસદોનું સમર્થન હોવું જોઈએ. અવિશ્વાસ પ્રસ્તાવ પાસ કરાવવા માટે સૌથી પહેલા વિપક્ષી પાર્ટીએ લોકસભાના અધ્યક્ષને લેખિત નોટિસ આપવી પડશે. આ પછી, સ્પીકર તેની તપાસ કરે છે અને તેને સ્વીકાર્યા પછી, તમામ પક્ષકારો સાથે બેસીને તેની ચર્ચા માટે તારીખ અને સમય નક્કી કરે છે.
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે મોદી સરનેમના નિવેદન સાથે જોડાયેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને આપવામાં આવેલી બે વર્ષની સજા પર રોક લગાવી દીધી હતી. આ પછી, ગઈકાલે લોકસભા સચિવાલય દ્વારા તેમની સંસદીય સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. રાહુલ ગાંધી 137 દિવસ પછી લોકસભા પહોંચ્યા હતા. ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના એક દિવસ પહેલા રાહુલની સંસદીય સદસ્યતા પુનઃસ્થાપિત કરવાથી ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન (I.N.D.I.A) ના ઉત્સાહને વેગ મળશે. તેમજ આજે રાહુલ ગાંધી 138 બાદ ચર્ચાની શરુઆત કરશે.
અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીનું ભાષણ બપોરે 12 વાગ્યે શરૂ થઈ શકે છે. બુધવાર અને ગુરુવારે પણ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે જ સાંજે 4 વાગ્યે અવિશ્વાસ પરની ચર્ચાનો જવાબ આપશે. મોદી સરકાર તેના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહી છે. મણિપુરમાં હિંસા વચ્ચે, 26 જુલાઈના રોજ, કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ લોકસભામાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો હતો.
ભાજપ તરફથી અવિશ્વાસ પ્રસ્તાવ પર નિશિકાંત દુબે પ્રથમ વક્તા હશે. દુબે ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ, જ્યોતિરાદિત્ય અને રાજવર્ધન રાઠોડ પણ ગૃહમાં બોલશે. અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં ભાજપના 20 જેટલા વક્તાઓ પોતાનો પક્ષ રજૂ કરશે. અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થાય તે પહેલા સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં યોજાનારી ભાજપની બેઠકમાં પાર્ટી દ્વારા રણનીતિ નક્કી કરવામાં આવશે.