વંદે ભારત સ્લીપર ટ્રેન પર મોટી અપડેટ! હાલમાં બે રેક ટ્રાયલ, આધુનિક ટેકનોલોજી વિશે રેલવે મંત્રીએ સંસદમાં કર્યો મોટો ખુલાસો
વંદે ભારત સ્લીપર ટ્રેનને લઈને સંસદમાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે. આ ટ્રેનમાં આધુનિક ટેકનોલોજી, ઉચ્ચ સલામતી અને મુસાફરો માટે ખાસ સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જાણો વિગતે.

ભારતીય રેલવે લાંબા અંતરની રાત્રિ મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે વંદે ભારત સ્લીપર ટ્રેન લાવવાની તૈયારીમાં છે. સંસદમાં આપવામાં આવેલી માહિતી મુજબ, આ ટ્રેન સંપૂર્ણપણે દેશી ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવી છે. હાલમાં તેના બે ટ્રેનસેટનું ટ્રાયલ અને કમિશનિંગ ચાલી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી.
રેલવે મંત્રીએ જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેન ખાસ કરીને મધ્યમ અને લાંબા અંતરની રાત્રિ મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બે રેક તૈયાર થયા છે અને તેમના વિવિધ ટેકનિકલ પરીક્ષણો થઈ રહ્યા છે. સંસદમાં સાંસદોએ આ ટ્રેન ક્યારે અને કયા રૂટ પર શરૂ થશે તે અંગે પ્રશ્નો પૂછ્યા હતા.
સલામતી અને ટેકનોલોજી પર ખાસ ધ્યાન
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં આધુનિક સુવિધાઓ સાથે ઊંચી સલામતી વ્યવસ્થા હશે. ટ્રેન ‘કવચ’ સલામતી પ્રણાલીથી સજ્જ રહેશે. તેની ડિઝાઇન ગતિ 180 કિમી પ્રતિ કલાક છે, જ્યારે ચલાવવાની ગતિ 160 કિમી પ્રતિ કલાક રહેશે. અકસ્માતથી સુરક્ષા માટે ખાસ કપ્લર્સ, એન્ટિ-ક્લાઇમ્બર્સ અને આગથી બચાવની અદ્યતન વ્યવસ્થા રાખવામાં આવી છે.
દરેક કોચના અંતે ફાયર બેરિયર દરવાજા રહેશે. શૌચાલય અને ઇલેક્ટ્રિકલ કેબિનેટમાં આગ ઓળખવા અને કાબૂમાં લેવા માટે ખાસ સિસ્ટમ લગાવવામાં આવી છે. ઊર્જા બચત માટે રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ અને સ્વચ્છતા માટે એસીમાં યુવી-સી આધારિત ડિસઇન્ફેક્શન વ્યવસ્થા પણ આપવામાં આવશે.
મુસાફરો અને દિવ્યાંગો માટે સુવિધા
ટ્રેનના તમામ કોચમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ઈમરજન્સી સમયે લોકો પાઇલટ અથવા ટ્રેન મેનેજર સાથે વાત કરવા માટે ટોક-બેક સુવિધા મળશે. બંને છેડે આવેલા ડ્રાઇવિંગ કોચમાં દિવ્યાંગ મુસાફરો માટે ખાસ શૌચાલય હશે. ઉપરાંત, કેન્દ્રીય મોનિટરિંગ સિસ્ટમ દ્વારા એસી, લાઇટ અને અન્ય સુવિધાઓ પર સતત નજર રાખવામાં આવશે.
કોવિડ પછી ટ્રેન સેવાઓમાં વધારો
રેલવે મંત્રીએ જણાવ્યું કે કોવિડ-19 દરમિયાન 23 માર્ચ 2020થી તમામ પેસેન્જર ટ્રેનો બંધ કરાઈ હતી. નવેમ્બર 2021થી તબક્કાવાર ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવામાં આવી. હાલ દરરોજ સરેરાશ 11,740 ટ્રેનો દોડે છે, જે કોવિડ પહેલાંની તુલનાએ વધુ છે.
