ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનાનો આજે છઠ્ઠો દિવસ છે. 40 કામદારો હજુ પણ ટનલની અંદર ફસાયેલા છે. કામદારોને બહાર કાઢવા માટે અમેરિકન અર્થ ઓગર મશીનમાંથી સ્ટીલની પાઇપ નાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 24 મીટર પાઈપ અંદર જઈ ચૂકી છે, પરંતુ બચાવ માટે ઉપયોગમાં લેવાતું અમેરિકન અર્થ ઓગર મશીન બંધ થઈ ગયું છે.
NHIDACLના ડાયરેક્ટર ડૉ.અંશુ મનીષ ખલકોએ જણાવ્યું હતું કે ટનલની અંદર મશીનના વાઇબ્રેશનને કારણે બચાવ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી વધુ કાટમાળ ન પડે. મશીનને આરામ આપવામાં આવ્યો છે. જો કે તેમણે મશીનને નુકસાન થયું હોવાનું જણાવ્યું ન હતું, પરંતુ મશીન વાઇબ્રેટ થતું હોવાના કારણે જ કામ અટકાવી દેવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે અકસ્માતના 5માં દિવસે ગુરુવારે અમેરિકન અર્થ ઓગર મશીન યોગ્ય રીતે કામ કરી રહ્યું હતું. કાટમાળમાં ટનલ બનાવી અંદર સ્ટીલની પાઇપ નાખવામાં આવી રહી હતી. શુક્રવારે, છઠ્ઠા દિવસે, બચાવ માટે મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાંજ સુધીમાં, જ્યારે મશીન 24 મીટર સુધી ડ્રિલ કરી ચૂક્યું હતું, ત્યારે અચાનક તે વાઇબ્રેટ થવા લાગ્યું, જેના કારણે બચાવ કાર્ય બંધ થઈ ગયું. અધિકારીઓનું કહેવું છે કે મશીનમાં કોઈ ખામી નથી. ટનલમાં વાઇબ્રેશનના કારણે મશીન બંધ થઈ ગયું છે. આ ખામી વહેલી તકે દૂર થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બચાવ અભિયાનમાં થાઈલેન્ડ અને નોર્વેની બચાવ ટીમની મદદ લેવામાં આવી શકે છે. હકીકતમાં 2018માં અંડર-16 ફૂટબોલ જુનિયર ટીમના 17 ખેલાડીઓ થાઈલેન્ડમાં એક સુરંગમાં ફસાઈ ગયા હતા. આ તમામને થાઈલેન્ડ અને નોર્વેની રેસ્ક્યુ ટીમોએ બચાવી લીધા હતા.
આ પણ વાંચો : અજમેરમાં કોંગ્રેસ પર ગર્જ્યા અમિત શાહ, રાજસ્થાનને ગેહલોત સરકારે કોંગ્રેસ પાર્ટીનું એટીએમ બનાવી દીધુ
હાલમાં બચાવ કાર્ય આખી રાત બંધ રહી શકે તેમ છે. શનિવાર સવારથી બચાવ કાર્ય ફરી શરૂ થાય તેવી શક્યતા છે. NHIDACL ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં માત્ર 24 મીટરની જ પાઈપ નાખવામાં આવી છે. આ બાદ બાકીની પાઇપ પણ મોકલવામાં આવી રહી હતી. દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બેકઅપ તરીકે, અન્ય મશીન ઈન્દોરથી એરલિફ્ટ કરવામાં આવ્યું છે, જે શનિવારે સવાર સુધીમાં સિલ્ક્યારા પહોંચશે.