“વિદેશમાં યુદ્ધ રોકાવી દેનારા પેપરલીક નથી રોકી શકતા”, NEET રિઝલ્ટ વિવાદ પર કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી
NEETના રિઝલ્ટ પર હવે સવાલ ઉઠવાનું શરૂ થઈ ગયુ છે. જેને લઈને કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી છે. કોંગ્રેસનું કહેવુ છે કે પહેલા પેપરલીક અને હવે રિઝલ્ટમાં ગોટાળાથી દેશના લાખો યુવાઓનું ભવિષ્ય બર્બાદ થઈ રહ્યુ છે. હવે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે સરકાર કોઈપણ પરીક્ષા પેપર લીક વિના કરાવી જ નથી શક્તી.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ- યુજીનું રિઝલ્ટ જારી કરી ચુકી છે. જેમા 67 વિદ્યાર્થીઓએ ટોપ રેન્ક મેળવ્યો છે. જેમા મોટાભાગના વિદ્યાર્થીઓ રાજસ્થાનના છે. એજન્સીએ જણાવ્યુ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પરીક્ષા NEET માં ટોપ રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓ 14 છોકરીઓ સામેલ છે. હવે આ પરીક્ષાના પરિણામને લઈને સવાલ ઉઠવાનું શરૂ થઈ ગયુ છે. સાથો સાથ રાજનીતિ ગરમાઈ છે. નીટનું પરિણામ હવે વિવાદોથી ઘેરાઈ ગયુ છે.
કોંગ્રેસે NEETના પરિણામ પર સવાલ ઉઠાવતા સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે કહ્યુ કે NEET પરીક્ષા બાદ હવે NEETનું પરિણામ પણ વિવાદમાં છે. NEETનું પરિણામ જાહેર થયા બાદ એક જ કેન્દ્રના છ વિદ્યાર્થીઓએ 720માંથી 720 માર્કસ મેળવતા તેના પર સવાલો ઉઠી રહ્યા છે. આ સિવાય NEET પરીક્ષાને લગતી અન્ય ઘણી ધાંધલી પણ પ્રકાશમાં આવી છે.
કોંગ્રેસે કહ્યું, ‘પહેલા પેપર લીક અને હવે પરિણામમાં ગેરરીતિથી દેશના લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યુ છે. સ્પષ્ટ છે કે આ સરકાર કોઈ પણ પરીક્ષા પેપર લીક કર્યા વિના કરી શકતી નથી. સાહેબ તો વિદેશોમાં યુદ્ધો રોકવાનો દાવો કરે છે, પરંતુ તેઓ દેશમાં પેપર લીક રોકી નથી શક્તા.
સોશિયલ મીડિયા પર NEET પરિણામને લઈને ભડક્યા વિદ્યાર્થીઓ
સોશિયલ મીડિયા પર એક પીડીએફ વાયરલ થઈ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ટોપર લિસ્ટના સીરીયલ નંબર એક જેવા જ છે. આ તમામ એક જ કેન્દ્રના ઉમેદવારો છે. તમામ સિરિયલોમાં જ્યાં સમાન સંખ્યાઓ દેખાય છે, ત્યાં કોઈ વિદ્યાર્થીની અટક નથી. યાદીમાં જોવા મળે છે કે 6 વિદ્યાર્થીઓએ 720માંથી 720 માર્ક્સ મેળવ્યા છે, જ્યારે બે વિદ્યાર્થીઓ એવા છે જેમણે 719, 718 માર્ક્સ મેળવ્યા છે. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે કેન્દ્રોનું મેનેજ કરવામાં આવ્યા છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આરોપો અંગે સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છે કે પરીક્ષાના દિવસે ઘણા ઉમેદવારોનો સમય બગડ્યો હતો, જેના કારણે તેઓએ ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભે, નોર્મલાઈજેશનની ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી. આવુ ટાઈમ લોસ દરમિયાન કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ગેસિંગ માર્ક્સ આપવામાં આવે છે. આ જ કારણ છે કે વિદ્યાર્થીઓને 718 અને 719 નંબર આપવામાં આવ્યા છે.
67 વિદ્યાર્થીઓ સમાન ગુણ
NTAનું કહેવું છે કે 56.4 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. 67 વિદ્યાર્થીઓએ સમાન 99.997129 ટકા માર્ક્સ મેળવ્યા છે અને આથી તેમણે ઓલ ઈન્ડિયા રેન્ક શેર કર્યો છે. મેરિટ લિસ્ટ ટાઈ-બ્રેકિંગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવશે, જેમાં બાયોલોજીમાં વધુ માર્કસ અથવા ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે, ત્યારબાદ રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના છાત્રોને પ્રાધાન્ય આપવામાં આવશે.