આતંકવાદીઓએ રાજૌરીમાં પંડિતોના ત્રણ ઘરને બનાવ્યા નિશાન, આડેઘડ ગોળીબારમાં 4ના મોત, 7 ઘાયલ
જમ્મુ-કાશ્મીરના રાજૌરીથી અંદાજે 7 કિલોમીટર દૂર ડાંગરી ગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. રાજૌરી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મેહમૂદે કહ્યું કે ઈજાગ્રસ્તોના શરીર પર ગોળીઓના અનેક ઘા છે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓએ ફાયરિંગ કર્યાના સમાચાર સામે આવ્યા છે. રાજૌરીના ડાંગરી ગામમાં 50 મીટરના વિસ્તારમાં 3 અલગ-અલગ મકાન ઉપર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે. આ હત્યાકાંડની માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે, આ આંતકી હુમલામાં 4 લોકોના મોત નિપજ્યા છે અને 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર 2 સશસ્ત્ર આતંકવાદીઓએ આ ગોળીબાર કરીને હત્યાઓ કરી છે. બનાવની જાણ થતા, પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ગોળીબાર કરનારા આતંકવાદીઓની તપાસ કરવામાં આવી રહી છે.
J&K ADGP મુકેશ સિંહે કહ્યું, “પ્રાપ્ત માહિતી મુજબ, 2 આતંકવાદીઓ આવ્યા અને અપર ડાંગરી વિસ્તારમાં 3 ઘરોને નિશાન બનાવ્યા હતા. જેમા 4 લોકોના મોત નિપજ્યા છે. સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસ, સીઆરપીએફ, સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ટૂંક સમયમાં 2 આતંકવાદીઓને પકડી પાડવાનો પ્રયાસ કરીશું. મળતી માહિતી મુજબ, આ ગોળીબાર રાજૌરીથી લગભગ 7 કિલોમીટર દૂર ડાંગરી ગામમાં થયો હતો. આ મામલે રાજૌરી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મેહમૂદે જણાવ્યું કે ગંભીર રીતે ઈજા પામેલાના શરીર પર ગોળીઓના અનેક ઘા છે.
મૃતક અને ઘાયલના નામ
પોલીસે આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની વિગત જાહેર કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સતીશ કુમાર, દીપક કુમાર અને પ્રીતમ લાલનું આતંકવાદી હૂમલામાં મોત થયું છે. જ્યારે સરોજ બાલા, આરોશી, શુભ શર્મા, રોહિત પંડિત, સુશીલ કુમાર, પવન કુમાર, અને શિવપાલ ગંભીર રીતે ઘાયલ થયા છે.
Rajouri (J&K) firing incident | As per info, 2 terrorists came & targeted 3 houses in upper Dangri area. 4 casualties reported. Search operation on. Police, CRPF, Army troops have cordoned off the area. We’ll try to neutralize the 2 terrorists soon: Mukesh Singh, ADGP Jammu Zone pic.twitter.com/rKjozIWKKn
— ANI (@ANI) January 1, 2023
CRPFના બંકર પર ગ્રેનેડ હુમલો
જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શ્રીનગરમાં રવિવારે આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બંકર પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ ગ્રેનેડ રોડની બાજુમાં ફાટ્યો હતો. જેમાં એક નાગરિકને ઈજા પહોચી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગ્રેનેડ ફેકવાની ઘટના શ્રીનગરના હલવલ વિસ્તારમાં બની હતી.
આતંકવાદીઓએ મિર્ઝા કામિલ ચોક નજીક સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના બંકર તરફ લગભગ 7:45 વાગ્યે ગ્રેનેડ ફેંક્યો હતો. જે રોડની બાજુમાં ફાટ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, હબકના રહેવાસી સમીર અહેમદ મલ્લાને વિસ્ફોટને લીધે સામાન્ય ઈજાઓ થઈ હતી. તેમણે કહ્યું કે ગ્રેનેડ હુમલામાં ઘાયલ થયેલા સમીર અહેમદ મલ્લાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
input with PTI