DELHI : દેશમાં વિમાનમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. હવે હવાઈ ચપ્પલ પહેરનારા સામાન્ય નાગરિકો પણ પ્લેનમાં મુસાફરી કરી શકવા સક્ષમ બન્યા છે. દેશનો ડોમેસ્ટિક એર ટ્રાફિક સતત વધી રહ્યો છે. આ વર્ષે નવેમ્બરમાં 1.05 કરોડ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. વાર્ષિક ધોરણે આ સંખ્યા 64 ટકા વધારે છે. ઓક્ટોબરમાં આ સંખ્યા 90 લાખ અને સપ્ટેમ્બરમાં 70 લાખની આસપાસ હતી. હવે સમાચાર એ છે કે હવાઈ મુસાફરોની આ વધેલી સંખ્યાએ સરકાર માટે કમાણીનો નવો માર્ગ ખોલ્યો છે. સરકારે રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના (National Monetization Plan) માં 25 એરપોર્ટનો સમાવેશ કર્યો છે. એટલે કે સરકાર આ 25 એરપોર્ટને ખાનગી સંચાલાકોને ભાડે આપશે.
શું છે સરકારની નવી યોજના
આગામી ત્રણ વર્ષમાં 25 એરપોર્ટ ખાનગી હાથમાં જશે. આ એરપોર્ટની પસંદગી વાર્ષિક ટ્રાફિક અને સૂચિત મૂડી ખર્ચ યોજનાના આધારે કરવામાં આવી છે.
આ એરપોર્ટમાં ભુવનેશ્વર, વારાણસી, ઈન્દોર, રાયપુર, નાગપુર, પટના, સુરત, રાંચી, ચેન્નાઈ, ભોપાલ અને દેહરાદૂન વગેરેનો સમાવેશ થાય છે. આ પૈકી, અમૃતસર, વારાણસી, ભુવનેશ્વર, ઈન્દોર, રાયપુર અને ત્રિચી એરપોર્ટનું બ્રાઉનફિલ્ડ PPP મોડલ પર મુદ્રીકરણ કરવામાં આવશે.
કાલિકટ, કોઈમ્બતુર, નાગપુર, પટના, મદુરાઈ, સુરત, રાંચી અને જોધપુર એરપોર્ટનું વેચાણ નાણાકીય વર્ષ 2022-23માં કરવામાં આવશે. આ પછી નાણાકીય વર્ષ 2023-24માં ચેન્નાઈ, વિજયવાડા, તિરુપતિ, વડોદરા, ભોપાલ અને હુબલી એરપોર્ટનો નંબર આવશે. છેલ્લે, ઇમ્ફાલ, અગરતલા, ઉદયપુર, દહેરાદૂન અને રાજમુન્દ્રી એરપોર્ટને ખાનગી હાથમાં સોંપવામાં આવશે.
હવે સમજીએ કે સરકાર આવું કેમ કરી રહી છે
કોરોના મહામારીએ ગયા વર્ષે 137માંથી 133 એરપોર્ટને ભારે નુકસાનમાં ધકેલી દીધા છે. મોટાભાગના એરપોર્ટ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષથી સતત ખોટમાં છે.
સરકારના આ નિર્ણયની અસર હવાઈ મુસાફરી કરનારા નાગરીકો પર જોવા મળશે, ખાનગી કંપનીઓ વધુ સારી સેવા માટે નાગરિકો પાસેથી ચાર્જ લેશે. એટલે કે એર ટિકિટમાં એરપોર્ટ ચાર્જનો હિસ્સો વધશે.એરપોર્ટના ખાનગીકરણના ત્રીજા તબક્કા હેઠળ લગભગ 10 એરપોર્ટ માટે એવોર્ડ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે AAI તેની સમીક્ષા પણ કરી રહ્યું છે કે નફામાં ચાલી રહેલા અને નુકસાનનો સામનો કરી રહેલા એરપોર્ટનું એક પેકેજ હેઠળ ખાનગીકરણ કેવી રીતે કરી શકાય. એરપોર્ટના ખાનગીકરણ અંગે જે સમાચાર આવ્યા છે તે મુજબ પ્રથમ તબક્કામાં 6 થી 10 એરપોર્ટની પસંદગી કરવામાં આવશે.
આ સિવાય આ એરપોર્ટને 50 વર્ષ માટે ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનું સંપૂર્ણ ધ્યાન સમગ્ર દેશમાં 100 એરપોર્ટના વિકાસ પર છે.
સંસદ ગૃહને વર્ષ 2018 થી 2021 સુધી AAIને થયેલા લાભો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ગુજરાતમાં અમદાવાદ, રાજસ્થાનમાં જયપુર, ઉત્તર પ્રદેશમાં લખનૌ, આસામમાં ગુવાહાટી, કેરળના તિરુવનંતપુરમ અને કર્ણાટકના મેંગલુરુ એરપોર્ટને છેલ્લા ત્રણ વર્ષમાં સરકાર દ્વારા શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
થોડા મહિના પહેલા સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે વર્ષ 2022થી એરપોર્ટના ખાનગીકરણની તૈયારીઓ શરૂ કરી રહી છે. આ માટે AAIને ખાનગીકરણની શક્યતાઓ અંગેનો રિપોર્ટ તૈયાર કરવા પણ કહેવામાં આવ્યું હતું. સરકારનું માનવું છે કે ખાનગીકરણ બાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે. તેનો હેતુ મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ આપવાનો છે.
આ પણ વાંચો : New Education Policy 2020: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાત, ગોરખપુર બનશે ‘સ્પેશિયલ એજ્યુકેશન ઝોન’
આ પણ વાંચો : દિલ્હીથી અપહૃત થયેલો કિશોર અમદાવાદમાં મળી આવ્યો, 4 શખ્સોએ અપહરણ કર્યાનો દાવો