કોંગ્રેસ અધ્યક્ષ માટે ફરી આવ્યું રાહુલનું નામ, ગેહલોતે કહ્યું- માત્ર રાહુલ ગાંધી જ મોદીને ટક્કર આપી શકે
પંજાબ, યુપી, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા સિવાયના ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની શાનદાર જીત પર અશોક ગેહલોતે કહ્યું કે આ લોકો ધ્રુવીકરણ કરીને ચૂંટણી જીતી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં (Assembly Election) કોંગ્રેસનો સફાયો થયા બાદ ફરી એકવાર ગાંધી પરિવાર પર સવાલો ઉઠવા લાગ્યા છે. જે બાદ સોનિયા ગાંધીએ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યાના સમાચાર પણ મીડિયામાં ચાલી રહ્યા છે. હારની આલોચના વચ્ચે રાજસ્થાનના સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત ગાંધી પરિવારના સમર્થનમાં સામે આવ્યા છે. તેમણે કહ્યું કે મીડિયામાં ચાલી રહેલા સમાચારો પર શું કહું. પરંતુ એ વાત ચોક્કસ છે કે કોંગ્રેસને સોનિયા (Sonia Gandhi) અને ગાંધી પરિવારની જરૂર છે.
અશોક ગેહલોતે ફરી એકવાર રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની હિમાયત કરી અને કહ્યું કે તેમણે પાર્ટીની કમાન સંભાળી લેવી જોઈએ. સમગ્ર વિપક્ષમાં માત્ર રાહુલ ગાંધી જ મોદી સામે ટક્કર આપી શકે છે. ગેહલોતે કહ્યું કે કોંગ્રેસને એકજૂટ રાખવા માટે ગાંધી પરિવારના વડા હોવા જરૂરી છે. તેમજ ખુદ પ્રમુખ બનવાના સવાલ પર તેમણે કહ્યું કે હું જે કરી રહ્યો છું તે જ બરાબર છે.
ભાજપ ધ્રુવીકરણ કરીને ચૂંટણી જીતે છે
પંજાબ, યુપી, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા સિવાયના ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની શાનદાર જીત પર અશોક ગેહલોતે કહ્યું કે આ લોકો ધ્રુવીકરણ કરીને ચૂંટણી જીતી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ હંમેશા ગાંધીના માર્ગે ચાલી છે. અમે જાતિ, ધર્મના નામે ચૂંટણી નથી લડતા. તેમણે કહ્યું કે ગાંધીજીના માર્ગે ચાલવાથી અંતે સત્યની જ જીત થશે તે નિશ્ચિત છે. કોંગ્રેસની હાર પર તેમણે કહ્યું કે ચૂંટણી હાર અને જીત એ જ બધું નથી. કોંગ્રેસ હજુ પણ મજબૂત છે અને આવનારા સમયમાં લોકોના સમર્થનથી વધુ મજબૂત બનશે.
મીડિયા પર આરોપ લગાવ્યો
આ સાથે જ અશોક ગેહલોતે મીડિયા પર સમાચારને લઈને પક્ષપાત કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. ગેહલોતે કહ્યું કે મીડિયા પીએમ મોદી અને અમિત શાહના દબાણમાં કામ કરી રહ્યું છે. પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના જબરદસ્ત પ્રદર્શનના સવાલ પર તેમણે કહ્યું કે કોંગ્રેસને AAPથી કોઈ ખતરો નથી. મીડિયા તેમને ઘણું કવરેજ આપી રહ્યું છે.
આ પણ વાંચો : પંજાબમાં જંગી જીત બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ‘મેગા રોડ શો’, મોટી સંખ્યામાં ભીડ ઉમટી
આ પણ વાંચો : ‘મુંબઈ પોલીસે એવા પ્રશ્નો પૂછ્યા, જેથી મને આરોપી બનાવી શકાય’, બે કલાકની પૂછપરછ પછી ફડણવીસનું મોટું નિવેદન