“તમામ સુખ સુવિધા માત્ર ગુજરાતને નહીં બિહારને પણ મળવી જોઈએ, બિહારના બાળકો માત્ર મજદૂરી કરવા તો પેદા નથી થતા”- જીત બાદ પીકેનો હુંકાર
જીત્યા બાદ પહેલુ કામ પીકે શું કરશે એ સવાલના જવાબમાં પીકે એ કહ્યુ કે મારા તરફથી જે પણ થઈ શકતુ હશે તે સુધારનું કામ કરીશ અને તે તમને આવતા 2 થી 3 મહિનાની અંદર જ જોવા મળશે. હું કોઈ બહુ મોટી મોટી વાતો કરવા નથી માગતો. મારા ધારાસભ્ય બની જવાથી બાંકીપુર બેંગલોર તો નહીં બની જાય, પરંતુ આવતા બે થી ત્રણ મહિનામાં થોડા બદલાવ જરૂર જોવા મળશે.

બાંકીપુરની પેટાચૂંટણી આજથી ઇતિહાસમાં નોંધાઈ જશે. આ ચૂંટણીને ભાજપના 35 વર્ષ જૂના ગઢને ઉથલાવી પાડવા અને બિહારમાં જન સુરાજ માટે સૌથી મોટી જીત તરીકે યાદ કરવામાં આવશે.
બિહારની બાંકીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં જન સુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરે (PK) ભાજપના ઉમેદવાર નીરજ સિન્હાને 18,953 મતો થી કરારી હાર આપી છે. તેમણે જનતાના વિશ્વાસ સામે નતમસ્તક થતા કહ્યુ કે બાંકીપુરમાં અનેક સુધાર ની જરૂર છે. તેના પર ફોક્સ કરશે. તેમણે કહ્યુ કે હવે તેમને આગામી 2-3 મહિનાની અંદર બદલાવ જોવા મળશે.
બિહારમાંથી સમ્રાટ ચૌધરીને હટાવી ચરિત્રવાન વ્યક્તિને CM બનાવવા માગ
પીકે એ વધુમાં કહ્યુ કે આ ચૂંટણી કોઈ બાંકીપુરના નાલી ગલી પર નથી લડાઈ, પરંતુ એટલા માટે લડાઈ છે કે બિહારનું નેતૃત્વ કોના હાથમાં હોવુ જોઈએ. બાંકીપુરની જનતાએ ભાજપાના નેતૃત્વને એ સંદેશ આપ્યો છે કે તમે સારા માણસને બિહારનો મુખ્યમંત્રી બનાવો. સમ્રાટ ચૌધરીના બદલે કોઈ કુશવાહાને બનાવવો હોય તો બનાવો, કુશવાહા સમાજમાંથી કોઈને પણ બનાવો કોઈ સમસ્યા નથી પરંતુ કોઈપણ રીતે બિહારની તરક્કી થવી જોઈએ. બિહારનો વિકાસ થવો જોઈએ. વ્યક્તિ કોઈપણ જીતે, કે કોઈપણ દળનો જીતે, લોકશાહીમાં હારજીત થતી રહે છે.
આ જીત બિહારીઓનો ભાજપના કેન્દ્રીય નેતૃત્વને સંદેશ
પીકેએ કહ્યુ આ ભાજપાના કેન્દ્રીય નેતૃત્વને બિહારની જનતાએ સંદેશ આપ્યો છે કે તમે બિહારમાં કોઈ સારા વ્યક્તિને મુખ્યમંત્રી બનાવો, તમને જનતાએ 202 ધારાસભ્યો ચૂંટીને આપ્યા છે. કોઈ અપરાધી કે ખોટા ચાલ ચરિત્રવાળા વ્યક્તિને બિહારનું નેતૃત્વ ન આપો. જેથી બિહારમાં પણ શિક્ષણનું સ્તર સુધરે, બિહારના બાળકો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થાય. બિહારના યુવાનોને બહાર મજુરી કરવા માટે ન જવુ પડે. આ જ સંદેશ બાંકીપુરના લોકોએ આપ્યો છે.
લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીએ, ભાજપે, અમિત શાહે એ જોવુ જોઈએ કે બિહારમાં કેવી રીતે સુધાર થઈ શકે.બિહારના યુવાનોનું પલાયન બંધ થાય, તેમને બિહારમાં જ રોજગારી મળી રહે, બિહારમાં માત્ર 5 કિલો અનાજના નામે, જાતિ, ધર્મના નામે મતોની રાજનીતિ ન થાય.
બિહારના 13 કરોડ લોકોએ મોદીજીને આંખ બંધ કરીને મત આપ્યા
પીકેએ કહ્યુ જો 25 MP ગુજરાતથી જીતીને ગયા છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં ગુજરાતના લોકોએ જેવુ યોગદાન આપ્યુ છે તો બિહારના પણ 13 કરોડ લોકોએ આંખ બંધ કરીને મોદીજીને મત આપ્યા છે. જેટલી ચિંતા એમને ગુજરાતની છે એટલી જ ચિંતા તેમણે બિહારના લોકોની પણ કરવી જોઈએ.
બિહારના 1 કરોડથી વધુ બાળકો બહાર મજૂરી કરી રહ્યા છે તેની પણ ચિંતા પીએમ મોદીને હોવી જોઈએ, બિહાર માટે કોઈ સ્પેશ્યિલ પ્રોગ્રામ બનાવવો જોઈએ. જેથી બિહારમાંથી પલાયન થતુ બંદ થાય અને કોઈપણ બાળક અહીંથી 10-15 હજારની નોકરી માટે પોતાના ઘર, પરિવાર, સમાજને છોડીને ગુજરાત, મુંબઈ, દિલ્હી કોલકાતા, કોઈમ્બતોર, તમિલનાડુ, કર્ણાટક ન જવુ પડે.
આ ઉદ્દેશ્ય સાથે હું આવ્યો છુ અને આજની જીત પણ એ જ ઉદ્દેશ્યને મજબૂત કરવા માટેની છે. NDA, ભાજપને લોકોએ જીતાડી છે તો હવે ભાજપના નેતૃત્વની એ જવાબદેહી છે કે એવા વ્યક્તિને બિહારનું નેતૃત્વ આપે જે બિહારમાં રોજગારી લાવે, શિક્ષણની સ્થિતિ સુધારે, ભ્રષ્ટાચાર બંધ થાય અને સૌથી મહત્વપૂર્ણ પલાયન બંધ થાય.
બિહારમાં 30 વર્ષનો ગઢ 30 દિવસમાં ધરાશાયી
પીકેએ કહ્યુ કેન્દ્રીય નેતૃત્વને આ સીધેસીધો મેસેજ છે કે બાંકીપુરમાં 30થી વધુ વર્ષથી ભાજપા સત્તામાં રહાી છે. 30 વર્ષનો જે ગઢ છે તે માત્ર 30 દિવસમાં ધરાશાયી થયો છે. તેનુ કારણ પણ એ જ છે કે દરેક બિહારી ઈચ્છે છે કે 5 કિલો અનાજ અને જાતિ ધર્મની રાજનીતિથી ઉપર ઉઠીને બિહારના બાળકો માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરે. જો તેઓ કામ નહીં કરે તો આવનારી ચૂંટણીના પરિણામો તેમને આવા જ જોવા મળશે.
ગુજરાતને 1 લાખ કરોડની બુલેટ ટ્રેન મળે તે સારી બાબત પરંતુ બિહારને કમસે કમ પેસેન્જર તો મળે !
પીકેએ કહ્યુ બાંકીપુરની જનતા મોદીજીને એટલી જ અપીલ કરી રહી છે કે સારા ચરિત્રવાન વ્યક્તિને બિહારનો મુખ્યમંત્રી બનાવો જેથી બિહારના લોકો પણ બિહારી હોવાનું ગૌરવ લઈ શકે. બિહારના બાળકો માટે પણ શિક્ષણ-રોજગારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. જો બધી જ સુવિધા ગુજરાતના લોકોને જ મળશે, તો બિહારના યુવાનો ક્યાં જશે? ગુજરાતના લોકો 1 લાખ કરોડની બુલેટ ટ્રેનની સવારી કરે તેની સામે વાંધો નથી પરંતુ બિહારને ઓછામાં ઓછી પેસેન્જર તો મળવી જોઈએ. બિહારના લોકો માત્ર મજદુરી કરવા માટે નથી પેદા થયા, 5 વર્ષ માટે ભાજપાને મેન્ડેટ મળ્યુ છે તો તેમણે બિહારમાં સારા લોકોને મંત્રી મંડળમાં મુકવા જોઈએ. જેથી બિહારની તરક્કી થાય, બિહારનો પણ વિકાસ થાય.
