Pramod Sawant : 28 માર્ચે ગોવાના સીએમ તરીકે પ્રમોદ સાવંત લેશે શપથ, PM મોદી પણ શપથ ગ્રહણમાં હાજરી આપી શકે છે
ગોવાના નામાંકિત મુખ્યમંત્રી પ્રમોદ સાવંત (Pramod Sawant) 28 માર્ચે શપથ લેવા જઈ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે.
Pramod Sawant : ગોવામાં ભાજપે ફરી એકવાર પ્રમોદ સાવંત (Pramod Sawant ) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને મુખ્યમંત્રી બનાવ્યા છે. ગોવાના પદનામિત મુખ્યમંત્રી સાવંત 28 માર્ચે શપથ લેવા જઈ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે , વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે. સોમવારે યોજાયેલી ભાજપ વિધાનસભ્ય દળની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર અને એલ મુરુગનની હાજરીમાં સાવંતને તેના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. મનોહર પર્રિકર (Manohar Parrikar) ના મૃત્યુ પછી 2019માં સાવંતે ગોવાની બાગડોર સંભાળી હતી.
પદનામિત મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે જણાવ્યું હતું કે, તેમના નેતૃત્વમાં રચાનારી નવી સરકાર “સંપૂર્ણ પારદર્શિતા” સાથે કામ કરશે અને ‘સ્વયંપૂર્ણ ગોવા 2.0’ના મિશનને આગળ ધપાવશે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર’નું વિસ્તરણ છે. ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ તરત જ પત્રકારો સાથે વાત કરતા સાવંતે કહ્યું હતું કે ,આગામી પાંચ વર્ષમાં રાજ્ય સરકારનું ધ્યાન પર્યાપ્ત માળખાગત સુવિધાઓ અને માનવ વિકાસ પર રહેશે. તેઓ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનશે.
ગોવા 1.0 સફળતાપૂર્વક અમલમાં મૂક્યું – પ્રમોદ સાવંત
સાવંતે કહ્યું કે, આ કાર્યક્રમ હેઠળ, રાજ્ય સરકારના એક અધિકારીને ‘સ્વયંપૂર્ણ મિત્ર’ તરીકે નિયુક્ત કરવામાં આવશે જે પંચાયત અથવા નગરપાલિકાની મુલાકાત લેશે, લોકો સાથે વાતચીત કરશે, વિવિધ વિભાગો સાથે સંકલન કરશે અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરશે.
તેમણે કહ્યું કે, તેઓ એવા બિન-ભાજપ ધારાસભ્યોને સાથે લઈ જશે જેમણે નવી સરકારને સમર્થન આપ્યું છે. ભાજપને પ્રાદેશિક સંગઠન એમજીપીનું સમર્થન મળ્યું છે, જેની પાસે બે ધારાસભ્યો છે, અને ત્રણ અપક્ષોએ પણ ભગવા પક્ષને ટેકો આપ્યો છે, ત્યારબાદ તેને 40 સભ્યોની વિધાનસભામાં 25 ધારાસભ્યોનું સમર્થન છે. ભાજપે પોતે 20 સીટો જીતી છે અને એક સીટથી બહુમતના આંક સુધી પહોંચવામાં ચૂકી ગઈ છે. આ રીતે દેશના સૌથી નાના રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપનો રસ્તો સંપૂર્ણ રીતે સાફ થઈ ગયો છે. રાજ્યમાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બની રહી છે.