પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવને લઈ PM મોદીની CCS સાથે બેઠક, સંભવિત જોખમોને લઈ કરાયુ વિચારમંથન
ભારત પહેલાથી જ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં વધી રહેલા સંઘર્ષ અને યુદ્ધ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે અને સંબંધિત પક્ષોને સંયમ રાખવાનો અનુરોધ પણ કર્યો છે. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ સંઘર્ષ વ્યાપક સ્વરૂપ લેવો જોઈએ નહીં.
ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદથી પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે. મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં નવા તણાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી હતી. સૂત્રોએ જણાવ્યું કે, ત્યાં વધી રહેલા તણાવ અને ભારત પર તેની સંભવિત અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કેબિનેટની બેઠક પહેલા કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક યોજાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદીની આગેવાની હેઠળની બેઠકમાં પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંકટ અને ભારત પર તેની સંભવિત અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગલ્ફ રિજનમાં વધી રહેલા સંકટને કારણે ભારતમાં ક્રૂડ ઓઈલના પુરવઠાને અસર થવાની અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધવાની શક્યતા છે. તેનાથી ભારત સાથેના વેપાર પર પણ અસર પડી શકે છે.
પશ્ચિમ એશિયાને લઈને ભારત ચિંતિત
ભારતે મધ્ય પૂર્વ ક્ષેત્રમાં વધી રહેલા સંઘર્ષ અને વધતા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સંબંધિત પક્ષોને સંયમ રાખવાનો અનુરોધ પણ કર્યો છે. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ સંઘર્ષ વ્યાપક સ્વરૂપ લેવો જોઈએ નહીં. તેમણે તમામ મુદ્દાઓને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવા માટે પણ આહ્વાન કર્યું છે.
બીજી તરફ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને જોતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ બુધવારે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂતે કહ્યું કે, તેમના દેશે ઈઝરાયલ પર લગભગ 200 મિસાઈલો છોડી, જેથી ઈઝરાયેલની હિંસા રોકી શકાય. આ સિવાય ઈઝરાયલના રાજદૂતે આ હુમલાને અભૂતપૂર્વ આક્રમકતા ગણાવી હતી.
ઈઝરાયલે બદલો લેવાની ધમકી ઉચ્ચારી
ઈરાનના હુમલા બાદ ઈઝરાયલે પણ બદલો લેવાની વાત કરી છે. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ પણ જવાબી કાર્યવાહી કરવા ધમકી ઉચ્ચારી હતી. હાલમાં ઈઝરાયેલ આતંકવાદીઓ સાથે બે મોરચે લડી રહ્યું છે. જ્યારે તે લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ગ્રાઉન્ડ લેવલ ઓપરેશન કરી રહ્યું છે, ત્યારે તે ગાઝા પટ્ટીમાં પણ સતત હુમલાઓ કરી રહ્યું છે. ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.