દુનિયાની દરેક કોર્ટમાં પતિ-પત્ની વચ્ચેના મામલા અવારનવાર સામે આવતા હોય છે, જે ક્યારેક ખૂબ જ ગંભીર હોય છે, પરંતુ તાજેતરમાં જ કર્ણાટક હાઈકોર્ટમાં પતિ-પત્ની વચ્ચેનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, એક મહિલાએ તેના પતિ પર એવો આરોપ લગાવ્યો છે કે જે સાંભળીને તમે ચોંકી જશો.
એક ભારતીય દંપતી અમેરિકામાં રહેતું હતું અને ત્યાં તેમના બાળકનો જન્મ થયો હતો, જે પછી તેઓ ભારત પાછા આવ્યા હતા અને પતિ પર આરોપ લગાવ્યો હતો કે અમેરિકામાં બાળકના જન્મ પછી તરત જ પતિએ તેની પત્નીને ફ્રેન્ચ ફ્રાઈસ, રાઈસ અને માંસ ખાવાની ના પાડી દીધી હતી. પતિના આ નિવેદનથી મહિલા ગુસ્સે થઈ ગઈ અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો. જો કે, પતિએ પત્નીની ફરિયાદનો જવાબ આપતાં કહ્યું હતું કે જ્યારે તે ગર્ભવતી હતી અને તેઓ અમેરિકામાં હતા ત્યારે પત્ની તેના પતિને ઘરનું તમામ કામ કરાવતી હતી.
જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ આ કેસની તપાસ પર રોક લગાવી દીધી અને કહ્યું કે પુરુષ (પતિ) પરના આરોપો સામાન્ય છે. ન્યાયાધીશે એવી પણ ટિપ્પણી કરી હતી કે તપાસ ચાલુ રાખવાથી કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ થશે. ફરિયાદમાં આપવામાં આવેલી દલીલ તદ્દન વાહિયાત હોવાનું કહી કોર્ટે તપાસ અટકાવવાની સુચના આપી હતી.
કોર્ટે કહ્યું કે, પતિ વિરુદ્ધ કોઈપણ તપાસની મંજૂરી આપવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હશે. પતિના વકીલે કહ્યું કે પત્નીની ફરિયાદ બાદ પતિ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરવામાં આવ્યું હતું, જેના કારણે તેને અમેરિકા જતા રોકી દેવામાં આવ્યો હતો. હવે LOC હટાવીને કોર્ટે પતિને અમેરિકા જવા અને કામ પર પાછા જવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત કોર્ટે પતિના માતા-પિતા સામેની તપાસ પર રોક લગાવી દીધી હતી. જસ્ટિસ નાગપ્રસન્નાએ આ કેસમાં LOCના ઉપયોગની ટીકા કરતા તેને કાયદાકીય વ્યવસ્થાનો દુરુપયોગ ગણાવ્યો હતો.