Breaking News : ચીને કેમ એકાએક એરસ્પેસ બંધ કર્યું ? શું તે કંઈક મોટું કરવાની તૈયારીમાં તો નથી ને ? 40 દિવસના ‘રહસ્યમય’ એલર્ટથી દુનિયાભરમાં ફફડાટ
દુનિયા જ્યારે ઈરાન અને અમેરિકાના યુદ્ધમાં વ્યસ્ત છે, ત્યારે ચીને અચાનક પોતાનું એરસ્પેસ 40 દિવસ માટે બંધ કરી દીધું છે. શું આ તાઇવાન પર કબજો કરવાની કોઈ ગુપ્ત યોજનાનો ભાગ છે?

જ્યારે મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી છે, ત્યારે એશિયાના બીજા છેડે ચીને એક એવું પગલું ભર્યું છે, જેણે આખા વિશ્વના સંરક્ષણ નિષ્ણાતોની ઊંઘ ઉડાવી દીધી છે. ચીને કોઈપણ ચોક્કસ કારણ આપ્યા વિના સમુદ્ર પરના પોતાના હવાઈ ક્ષેત્રના (Airspace) મોટા હિસ્સાને સતત 40 દિવસ માટે બંધ કરી દીધો છે.
3 દિવસ નહીં, સીધા 40 દિવસનો બ્લોક!
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, સામાન્ય રીતે સૈન્ય અભ્યાસ માટે ચીન 1 થી 3 દિવસ માટે એરસ્પેસ બંધ કરતું હોય છે, પરંતુ આ વખતે 27 માર્ચથી 6 મે સુધીનો લાંબો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. કોઈપણ સત્તાવાર જાહેરાત વિના લેવાયેલો આ નિર્ણય સૂચવે છે કે ચીન કદાચ કોઈ મોટી મિસાઈલ ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહ્યું છે અથવા તો ‘પીપલ્સ લિબરેશન આર્મી’ (PLA) તાઇવાન પર હુમલો કરવાની છેલ્લી ઘડીની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે.
તાઇવાનની સરહદમાં ચીની યુદ્ધ જહાજોની ઘૂસણખોરી
આ શંકા ત્યારે વધુ પ્રબળ બની જ્યારે તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે (MND) ચોંકાવનારી વિગતો જાહેર કરી. સોમવારે સવારે જ તાઇવાનની આસપાસ ચીનના:
- 3 ફાઇટર જેટ્સ
- 6 નૌકાદળના યુદ્ધ જહાજો
- 2 સરકારી જહાજો
જોવા મળ્યા હતા. આ યુદ્ધ જહાજોએ દરિયાઈ મધ્ય રેખા ઓળંગીને તાઇવાનના ઉત્તરી અને પૂર્વી એર ડિફેન્સ ઝોનમાં (ADIZ) પ્રવેશ કર્યો હતો, જેના કારણે તાઇવાનની સેના હાઈ એલર્ટ પર આવી ગઈ છે.
શું ચીનનો ટાર્ગેટ 2027 છે?
ચીન હંમેશા દાવો કરતું આવ્યું છે કે તાઇવાન તેનો જ એક અભિન્ન હિસ્સો છે. જોકે તાઇવાન પોતાની અલગ સરકાર, સેના અને લોકશાહી ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે ચીને 2027 સુધીમાં કોઈપણ ભોગે તાઇવાન પર કબજો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અત્યારે જ્યારે વિશ્વની નજર ઈરાન યુદ્ધ પર છે, ત્યારે ચીન આ તકનો લાભ ઉઠાવીને તાઇવાન સ્ટ્રેટમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યું હોવાનું જણાય છે.
નિષ્ણાતોનો મત: કોઈ મોટા યુદ્ધની તૈયારી?
સંરક્ષણ નિષ્ણાતો માને છે કે 40 દિવસનો આ ‘નોટિસ ટુ એર મિશન્સ’ (NOTAM) એલર્ટ એ સંયુક્ત યુદ્ધ અભ્યાસ હોઈ શકે છે જેમાં વાયુસેના, નૌસેના અને મિસાઈલ ફોર્સ એકસાથે હુમલો કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય. નાગરિક ઉડ્ડયન પર હજુ મોટી અસર થઈ નથી, પરંતુ પાયલોટોને આ સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે.
હવે આખી દુનિયાની નજર 6 મે સુધી ચીનની હિલચાલ પર ટકેલી છે. શું આ માત્ર એક શક્તિ પ્રદર્શન છે કે પછી તાઇવાન માટે કોઈ મોટા જોખમની પૂર્વતૈયારી?
