જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) શ્રીનગરમાં આતંકી હુમલો (Terrorist Attack) થયો છે, જેમાં અચાર સૌરા વિસ્તારમાં એક જવાન શહીદ થયો છે. હુમલાની પુષ્ટિ કરતા એક પોલીસ અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓએ હોસ્પિટલમાં એક પોલીસકર્મી પર ગોળીબાર કર્યો. આ હુમલામાં તેમની પુત્રી પણ ઘાયલ થઈ છે. પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ સૌરા વિસ્તારમાં મલિક સાબના રહેવાસી પોલીસકર્મી સૈફુલ્લાહ કાદરીના પુત્ર મોહમ્મદ સૈયદ કાદરી પર ગોળીબાર કર્યો હતો.
આ મહિનાની શરૂઆતમાં, આતંકવાદીઓએ શ્રીનગરના અલી જાન રોડ પર આઈવા બ્રિજ પર પોલીસકર્મી ગુલામ હસન ડારને ગોળી મારી હતી. સારી વાત એ છે કે આ હુમલામાં તેનું મોત નથી થયું, પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘટના બાદ આતંકવાદીઓને શોધવા માટે શ્રીનગરના ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘાયલ પોલીસકર્મીના ભાઈએ જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તેનો ભાઈ સવારે સાત વાગ્યે ડ્યૂટી પર જવા નીકળ્યો હતો.
જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર પોલીસે સોમવારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પાંચ સ્થાનિક આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમાંથી બે શ્રીનગર અને ત્રણ બારામુલ્લા જિલ્લામાંથી પકડાયા હતા. આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે બારામુલાથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓ એપ્રિલમાં બારામુલા જિલ્લામાં સરપંચની હત્યામાં સામેલ હતા.
હાઈબ્રીડ આતંકવાદીઓને વાસ્તવમાં આતંકવાદીઓ તરીકે સૂચિત કરવામાં આવતા નથી, પરંતુ તેઓ આતંકવાદી ડિઝાઇન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય છે અને તેઓને તેમના માસ્ટર્સ દ્વારા સોંપવામાં આવેલા કાર્ય મુજબ લક્ષ્યાંકિત હુમલાઓ કરવા માટે પૂરતી તાલીમ આપવામાં આવે છે. આતંકવાદી ઘટનાને અંજામ આપ્યા પછી, તેઓ સામાન્ય જીવન જીવવાનું શરૂ કરે છે અને આગામી કામની રાહ જુએ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીનગરમાં પકડાયેલા આતંકવાદીઓની ઓળખ અમીર મુશ્તાક ગની ઉર્ફે મુસા અને અઝલાન અલ્તાફ ભટ તરીકે થઈ છે, બંને ચાનપોરાના રહેવાસી છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે ટ્વિટ કર્યું, શ્રીનગર પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા/TRFના બે સ્થાનિક આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી ગુનાહિત સામગ્રી, 15 પિસ્તોલ, 30 મેગેઝીન અને 300 ગોળીઓ સહિત અનેક હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.