AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડિજિટલ દુનિયાનો ‘છુપો દુશ્મન’: ક્યાંક તમારું WiFi રાઉટર તો નથી કરી રહ્યું ને જાસૂસી?

શું તમે જાણો છો કે તમારા ઘરના ખૂણામાં લાગેલી નાનકડી ડિવાઇસ તમારા બેંક એકાઉન્ટથી લઈને અંગત વાતો સુધીનો તમામ ડેટા ચોરી કરી શકે છે? વાઇફાઇ રાઉટરને લઈને ભારત સરકાર હવે કડક મૂડમાં છે.

ડિજિટલ દુનિયાનો 'છુપો દુશ્મન': ક્યાંક તમારું WiFi રાઉટર તો નથી કરી રહ્યું ને જાસૂસી?
Image Credit source: AI
| Updated on: Apr 06, 2026 | 6:02 PM
Share

ભારત સરકારે તાજેતરમાં ચાઈનીઝ સીસીટીવી (CCTV) કેમેરા પર પ્રતિબંધ અને કડક સર્ટિફિકેશનના નિયમો લાગુ કર્યા છે, પરંતુ અસલી ખતરો તો કંઈક બીજો જ છે. તમારા ઘરમાં લાગેલી સફેદ કે કાળા રંગની પેટી, જેને આપણે ‘વાઇફાઇ રાઉટર’ કહીએ છીએ, તે હેકર્સ માટે સોનાની ખાણ સાબિત થઈ રહી છે. જો તમે તેને માત્ર ઇન્ટરનેટ મેળવવાનું સાધન માનતા હોવ, તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો.

શા માટે અમેરિકાએ રાઉટર પર મૂક્યો પ્રતિબંધ?

આંતરરાષ્ટ્રીય સ્તરે રાઉટરને લઈને ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન કમિશને વિદેશી, ખાસ કરીને ચીની કંપનીઓના નેટવર્કિંગ સાધનો પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કર્યું છે. રિપોર્ટ્સ કહે છે કે ‘વોલ્ટ ટાયફૂન’ જેવા સાયબર ઓપરેશન્સ દ્વારા હેકર્સ રાઉટરના સિક્યોરિટી ગેપનો ફાયદો ઉઠાવીને આખા દેશના નેટવર્કને ઠપ કરી શકે છે. હવે યુદ્ધ માત્ર સરહદો પર નહીં, પણ તમારા રાઉટરની પાઈપલાઈન દ્વારા લડાઈ રહ્યું છે.

ભારતમાં સ્થિતિ કેમ વધુ ગંભીર છે?

ભારતના મોટાભાગના ઘરોમાં સસ્તા ચાઈનીઝ રાઉટર્સનો ભરમાર છે. આ ડિવાઇસમાં સૌથી મોટું જોખમ એ છે કે તેના સિક્યોરિટી અપડેટ્સ ક્યારેય મળતા નથી.

  • ટેકનિશિયનની ભૂલ: ઇન્સ્ટોલેશન કરવા આવતા લોકો ઘણીવાર ડિફોલ્ટ યુઝરનેમ અને પાસવર્ડ (જેમ કે admin/admin) રાખીને જ જતા રહે છે. આનો અર્થ એ કે તમારા ઘરના ઇન્ટરનેટની ચાવી કોઈ ત્રીજી વ્યક્તિ પાસે પણ છે.
  • બેકડોર એન્ટ્રી: ઘણા રાઉટરમાં એવા માસ્ટર પાસવર્ડ હોય છે જે યુઝર બદલી શકતો નથી. હેકર્સ આનો ઉપયોગ કરીને તમારા બેંકિંગ ડેટા, સ્માર્ટ ટીવી અને તમારા ફોન પર નજર રાખી શકે છે.

જો રાઉટર હેક થાય તો શું નુકસાન થાય?

એકવાર હેકરને રાઉટરનું એક્સેસ મળી જાય, પછી તે તમને નકલી વેબસાઇટ્સ પર મોકલી શકે છે (DNS હાઇજેકિંગ). તમે તમારી બેંકની અસલી વેબસાઇટ ખોલશો, પણ હેકર તમને નકલી પેજ પર લઈ જઈને તમારા પાસવર્ડ ચોરી લેશે. એટલું જ નહીં, તમારા રાઉટરનો ઉપયોગ દુનિયાના બીજા મોટા સાયબર એટેક કરવા માટે ‘હથિયાર’ તરીકે પણ થઈ શકે છે.

બચવાના ઉપાયો: આજે જ કરો આ ફેરફાર

  • SSID છુપાવો: તમારા વાઇફાઇનું નામ (SSID) સેટિંગ્સમાં જઈને હાઇડ કરી દો, જેથી કોઈને તમારું નેટવર્ક દેખાય જ નહીં.
  • પાસવર્ડ બદલો: ડિફોલ્ટ એડમિન પાસવર્ડ તાત્કાલિક બદલી નાખો.
  • અજાણ્યા ડિવાઇસ ચેક કરો: રાઉટરના કંટ્રોલ પેનલમાં જઈને જુઓ કે કોઈ અજાણ્યું લેપટોપ કે ફોન તો કનેક્ટેડ નથી ને?

જે રીતે સરકારે સીસીટીવી માટે કડક નિયમો બનાવ્યા છે, હવે સમય આવી ગયો છે કે રાઉટર્સ માટે પણ ‘મેડ ઇન ઇન્ડિયા’ અને સુરક્ષિત સર્ટિફિકેશન ફરજિયાત કરવામાં આવે. તમારી એક નાનકડી બેદરકારી તમને આર્થિક રીતે કંગાળ કરી શકે છે અથવા તમારી જાસૂસી કરાવી શકે છે. સાવધાન રહો, સુરક્ષિત રહો.

રસોડામાં આવશે મોટું પરિવર્તન ! LPG સિલિન્ડર થશે ભૂતકાળ ? જાણો કેમ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ છે દેશના અડધાથી વધુ PNG કનેક્શન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">