ડ્રેગનની હવે ખેર નથી ! LAC પર ચીનની દાદાગીરીનો મળશે જડબાતોડ જવાબ, સરહદ પર ટૂંક સમયમાં તૈનાત થશે ‘કાઉન્ટર ડ્રોન’
LAC પર ચીન સાથેના મડાગાંઠ વચ્ચે ભારત તેની સુરક્ષાને વધુ મજબૂત કરવા પર વિચાર કરી રહ્યુ છે. લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ ડ્રોનનો ટૂંક સમયમાં LAC પર ઉપયોગ કરવામાં આવશે.
ભારતીય સેના પડોશી દેશ ચીનને જડબાતોડ જવાબ આપવા માટે LAC પર ઘણી નવી ટેક્નોલોજીનો સમાવેશ કરવા પર વિચાર કરી રહી છે. નવી ટેક્નોલોજીઓમાં ગુપ્તચર માહિતી માટે ડ્રોન તેમજ જાસૂસી અને સર્વેલન્સ, સોફ્ટ અને હાર્ડ કિલિંગ માટે કાઉન્ટર ડ્રોન અને ઘણી નવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે, LAC પર ખાસ કરીને પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી મડાગાંઠ ચાલી રહી છે.
સુરક્ષાને મજબૂત કરવા નવી તકનીકોના ઉપયોગ પર વિચાર
બેંગલુરુમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું હતુ કે LAC પર તેની સુરક્ષાને મજબૂત કરવા માટે ઘણી નવી તકનીકોના ઉપયોગ પર વિચાર કરી રહી છે. મોટાભાગની નવી ટેક્નોલોજીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ્સ છે જેમ કે ઈમેજીસનું બહેતર અર્થઘટન કરવા માટેની સિસ્ટમ્સ, કાઉન્ટર ડ્રોન, ઈન્ટ્રુઝન ડિટેક્શન માટે ક્વોન્ટમ કમ્પ્યુટિંગની ઈન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ્સ હશે.
તો વધુમાં આર્મી ચીફ જનરલ પાંડેએ જણાવ્યુ હતુ કે માઈક્રો, મિની અને ટેક્ટિકલ લેવલ અને લોંગ રેન્જ ડ્રોનના મહત્વ વિશે માહિતી આપી હતી. સેના આ તમામ વસ્તુઓ ઈમરજન્સી પ્રોક્યોરમેન્ટ હેઠળ ખરીદશે. ખરીદી દરમિયાન સેનાનું મહત્તમ ધ્યાન કાઉન્ટર એન્ટી ડ્રોન ટેક્નોલોજી, હેન્ડ હેલ્ડ ડ્રોન જામર પર રહેશે.
જાસૂસી બલુનને લઈ સતર્ક રહેવાની જરૂર
ચીન દ્વારા અમેરિકા અને કેનેડામાં જાસૂસી ફુગ્ગાના ઉપયોગ અને ભારત વિરુદ્ધ આ પ્રકારની રણનીતિના ઉપયોગ અંગેના સવાલ પર સેના પ્રમુખે કહ્યું કે ભારતે સતત સતર્ક રહેવું પડશે અને દુનિયામાં શું થઈ રહ્યું છે તેનાથી પણ અવગત રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે અમેરિકાએ એટલાન્ટિક મહાસાગરમાં ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું છે. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે ચીન જાસૂસી માટે આવું કરી રહ્યું છે.