ઇન્ડિગોએ કર્યો દાવો, વિમાની સેવાનું 95 % નેટવર્ક પુનઃસ્થાપિત, મુસાફરોને મળશે રિફંડ
છેલ્લા છ દિવસ સુધી ફ્લાઇટ શિડ્યુલ ખોરવાઈ ગયા બાદ ઇન્ડિગોએ તેની નેટવર્ક કનેક્ટિવિટી 95% સુધી અપડેટ કરી દીધી હોવાનો દાવો કર્યો છે. ઈન્ડિગોના આ પગલાથી હવાઈ મુસાફરોને ઘણી રાહત થવાની અપેક્ષા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે, ઈન્ડિગો એરલાઇનને રવિવાર સાંજ સુધીમાં રદ કરાયેલ ફ્લાઇટ્સ માટે પૂરેપુરુ ટિકિટ રિફંડ કરવા અને આગામી બે દિવસમાં ખોવાયેલા સામાન મુસાફરોને પહોંચાડવાનો નિર્દેશ પણ આપ્યો છે.

દેશભરમાં સતત છ દિવસ સુધી ઈન્ડિગોની ફ્લાઇટ શેડ્યુલ ખોરવાયેલા રહ્યાં બાદ, ઇન્ડિગોએ હવે સત્તાવાર રીતે એક અપડેટ સોશિયલ મીડિયામાં શેર કર્યું છે. જેનાથી ઈન્ડિગોના મુસાફરોને રાહત મળવાની અપેક્ષા છે. એરલાઇન્સે જણાવ્યું છે કે, તેણે તેના ઓપરેશન સ્થળોએ 95% નેટવર્ક કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરી લીધી છે.
ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેરિયરે શનિવારે તેના 138 સ્થળોમાંથી 135 સ્થળોએ ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું અને દિવસના અંત સુધીમાં 1,500 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવાના માર્ગ પર છે. ઈન્ડિગોએ ફરી એકવાર જાહેરમાં માફી માંગતા, કહ્યું, “જ્યારે અમે સમજીએ છીએ કે અમારે હજુ લાંબી મજલ કાપવાની છે, અમે અમારા ગ્રાહકોનો વિશ્વાસ પાછો મેળવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
700 થી વધુ ફ્લાઇટ્સ રદ
ઈન્ડિગો એરલાઇન્સે શુક્રવારે લગભગ 1000 ફ્લાઇટ્સ રદ કરી હતી, જે રદ કરવાની દ્રષ્ટિએ તેનો સૌથી ખરાબ દિવસ હતો. એક નવા નિવેદનમાં, ઈન્ડિગોએ જણાવ્યું હતું કે તેણે 700 થી વધુ ફ્લાઇટ્સ ચલાવી હતી, જે 113 સ્થળોને જોડતી હતી.
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “મુખ્ય ઉદ્દેશ્ય નેટવર્ક, સિસ્ટમ્સ અને રોસ્ટરને રીબૂટ કરવાનો હતો. જેથી આજે વધુ ફ્લાઇટ્સ સાથે નવેસરથી શરૂઆત કરી શકાય, સ્થિરતામાં સુધારો થયો હોય, અને અમે સુધારાના કેટલાક પ્રારંભિક સંકેતો જોઈ રહ્યા છીએ.” શનિવારે એરપોર્ટ પર ભીડ ઓછી દેખાઈ, પરંતુ એરલાઇન્સે સતત પાંચમા દિવસે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવાનું ચાલુ રાખ્યું હોવાથી ઘણા મુસાફરો ગુસ્સે ભરાયેલા હતા. અમદાવાદ, રાજકોટ, સુરત અને મુંબઈ એરપોર્ટની બહાર ઈન્ડિગોના મુસાફરોએ એકઠા થઈને એરલાઈન્સ વિરુદ્ધ બળાપો પણ વ્યક્ત કર્યો હતો.
— IndiGo (@IndiGo6E) December 6, 2025
મુસાફરોને રિફંડ મળશે
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે, ઈન્ડિગો એરલાઇન્સને રવિવાર સાંજ સુધીમાં રદ કરેલી ફ્લાઇટ્સ માટે સંપૂર્ણ ટિકિટ રિફંડ આપી દેવા અને આગામી બે દિવસમાં કોઈપણ દાવો ન કરાયેલ સામાન, જે તે મુસાફરોને પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે. આમ કરવામાં નિષ્ફળતા એરલાઇન સામે કાર્યવાહી કરી શકે છે. ઈન્ડિગોએ એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, તે ગ્રાહક રિફંડની તમામ બાબતોને પ્રાથમિકતા આપી રહી છે.
દેશભરમા એક શહેરમાંથી બીજા શહેરમાં આવતા જતા વિમાનોને લગતા તમામ સમચારો જાણવા માટે અહીં ક્લિક કરો.