Breaking News: દેશની સૌથી મોટી એડટેક કંપની Byju’s ના ફાઉન્ડર બાયજુ રવીન્દ્રનને 6 મહિનાની જેલ
એક સમયે 22 અબજ ડોલરની વેલ્યુએશન ધરાવતી Byju's કંપનીના માલિક બાયજુ રવીન્દ્રન કાનૂની સંકટમાં ફસાયા છે. કોર્ટની અવમાનના બદલ સિંગાપોરની અદાલતે તેમને જેલની સજા સંભળાવી છે.

ભારતના સ્ટાર્ટઅપ જગતમાં એક સમયે જેમના નામનો સિક્કો પડતો હતો તેવા એડટેક (ઓનલાઇન એજ્યુકેશન) કંપની Byju’s ના ફાઉન્ડર બાયજુ રવીન્દ્રનને અત્યાર સુધીનો સૌથી મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. સિંગાપોરની એક અદાલતે અદાલતની અવમાનના કરવાના ગંભીર આરોપસર બાયજુ રવીન્દ્રનને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. કોર્ટે આપેલા આદેશોનું પાલન ન કરવા અને જરૂરી માહિતી છુપાવવા બદલ તેમની સામે આ આકરા પગલાં લેવામાં આવ્યા છે.
જોકે, બાયજુ રવીન્દ્રને આ ચુકાદાને માત્ર એક પ્રક્રિયાગત બાબત ગણાવી છે અને પોતાના તરફથી કોઈ ભૂલ થઈ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે આ ચુકાદા સામે ઉપલી અદાલતમાં અપીલ કરવાની જાહેરાત પણ કરી છે. આવો વિગતવાર જાણીએ કે આખો મામલો શું છે અને કેવી રીતે અબજો રૂપિયાની આ કંપની પતનના આરે પહોંચી,
કોર્ટે આત્મસમર્પણ કરવા અને દંડ ચૂકવવા આપ્યો આદેશ
સિંગાપોરની અદાલતે રવીન્દ્રનને કડક આદેશ આપ્યો છે કે તેઓ સત્તાવાળાઓ સમક્ષ તાત્કાલિક આત્મસમર્પણ કરે. આ ઉપરાંત તેમને 90,000 સિંગાપોરી ડોલર (આશરે 70,500 અમેરિકી ડોલર) એટલે (67,44,691 ભારતીય રૂપિયા)નો કાનૂની ખર્ચ ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. સાથે જ સિંગાપોરની કંપની Beeaar Investco Pte માં તેમની હિસ્સેદારી ધરાવતા તમામ કાગળો અને દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજૂ કરવા પડશે. આ એ જ કંપની છે જેની પાસે Byju’s સાથે જોડાયેલી અન્ય એક કંપનીના શેર્સ છે.
રોકાણકારો અને દેવું આપનારી સંસ્થાઓ સાથે કેમ વધ્યો વિવાદ?
આ નવો કેસ કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) ની એક પેટા કંપની દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. આ કંપનીએ બાયજૂસમાં એવા સમયે કરોડોનું રોકાણ કર્યું હતું જ્યારે કંપની કર્મચારીઓની છાંટણી અને આર્થિક તંગી સામે ઝઝૂમી રહી હતી. સિંગાપોર કોર્ટની આ કાર્યવાહી સિવાય કંપની વૈશ્વિક સ્તરે અનેક કાનૂની લડાઈઓ લડી રહી છે. અમેરિકામાં પણ ધિરાણકર્તાઓ કંપની પાસે 1.2 અબજ ડોલરની ટર્મ લોનથી થયેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી રહ્યા છે.
જોકે, ચુકાદા બાદ બાયજુ રવીન્દ્રને એક નિવેદનમાં જણાવ્યું છે કે GLAS Trust અને QIA જેવી લોન આપનારી સંસ્થાઓ તેમજ રોકાણકારો સાથે સમજૂતી માટેની વાતચીત અંતિમ તબક્કામાં છે. તેમણે કોર્ટની આ તાજી કાર્યવાહીને બિનજરૂરી ગણાવી છે.
કોરોના કાળમાં આકાશ આંબ્યું અને પછી શરૂ થઈ બરબાદી
‘થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ’ ના નામે શરૂ થયેલી Byju’s કંપની કોરોના મહામારી દરમિયાન ઓનલાઇન એજ્યુકેશનના ક્રેઝને કારણે ભારતનું સૌથી મોટું અને ચર્ચિત ટેકનોલોજી સ્ટાર્ટઅપ બની ગયું હતું. દુનિયાભરના મોટા રોકાણકારોએ તેમાં નાણાં રોક્યા હતા અને એક સમયે આ કંપનીની વેલ્યુએશન 22 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી. પરંતુ મહામારી પૂરી થતાં જ ઓનલાઇન ક્લાસીસનો દબદબો ઘટ્યો અને આર્થિક મંદી, આંતરિક વિવાદો તેમજ દેવાના બોજ હેઠળ આ આખી કંપની બરબાદીના આરે આવીને ઊભી રહી ગઈ.
