ઓડિશામાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાના માત્ર આઠ દિવસ પહેલા, રેલવે બોર્ડના અધિકારીઓએ રેલવે પરની સંસદીય સ્થાયી સમિતિને ‘સેફ્ટી ફર્સ્ટ એન્ડ સેફ્ટી ઓલવેઝ’ના સલામતી પગલાં અંગે ખાતરી આપી હતી. બોર્ડના અધિકારીઓએ સમિતિને જણાવ્યું હતું કે તેમના પ્રયાસોને કારણે ટ્રેન અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ માટે તેમણે 2010-11માં થયેલા અકસ્માતોને પણ ટાંક્યા અને જણાવ્યું કે 2022-23માં માત્ર 48 અકસ્માતો સામે આવ્યા છે.
આ પણ વાંચો: VIDEO: ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ જબલપુરમાં અકસ્માત, એક જ દિવસમાં બે માલગાડી પાટા પરથી ઉતરી
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આ બેઠકમાં રેલવે બોર્ડના અધિકારીઓ તરફથી મળેલી ખાતરીના આઠ દિવસ બાદ જ ‘સેફ્ટી ફર્સ્ટ એન્ડ સેફ્ટી ઓલવેઝ’ની પોલ ખુલી ગઈ. એક-બે નહીં પરંતુ ત્રણ ટ્રેનો અકસ્માતનો ભોગ બની છે. જેમાં બે પેસેન્જર ટ્રેન હતી. આ અકસ્માતમાં 1100 લોકો ઘાયલ થયા હતા અને 288 લોકોના મોત થયા. ત્યાં એટલા બધા મૃત્યુ થયા કે અકસ્માતને સદીની સૌથી મોટી દુર્ઘટનામાં ગણવામાં આવે છે.
બાલાસોર ટ્રેન દુર્ઘટના પછી, નેશનલ ટ્રાન્સપોર્ટે પ્રતિ મિલિયન ટ્રેન કિલોમીટરે અકસ્માતોની સંખ્યાના આધારે ઇન્ડેક્સ જાહેર કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે 2010-11ની સરખામણીમાં 2022-23માં અકસ્માતોની સંખ્યા ઘટીને 0.03 થઈ ગઈ છે. જો કે, રેલવે બોર્ડના ઘણા સભ્યોએ બેઠકમાં આ આંકડા આશ્ચર્યજનક ગણાવ્યા હતા. હવે સમગ્ર બોર્ડ પર સવાલો ઉઠી રહ્યા છે કે તમામ સુરક્ષા આટલી મજબૂત હતી તો પછી આટલી મોટી ટ્રેન દુર્ઘટના કેવી રીતે થઈ.
આ સમિતિમાં શાસક પક્ષના સાંસદો ઉપરાંત અન્ય ઘણા વિરોધ પક્ષોના સાંસદો પણ છે. શિવસેનાના સાંસદ ધૈર્યશીલ માનેએ કહ્યું કે પ્રેઝન્ટેશન ભારતમાં અકસ્માતોને કેવી રીતે અટકાવી શકાય તે વિશે હતું. રેલવે બોર્ડના અધિકારીઓએ ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી, પરંતુ જો તેઓએ જે બતાવ્યું તે સાચું હતું તો ઓડિશામાં આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો?
રિપોર્ટ અનુસાર, સંસદની સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠક 25 મેના રોજ મળી હતી. આ બેઠકમાં 31માંથી 21 સભ્યોએ હાજરી આપી હતી. 75 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં સુરક્ષા મહાનિર્દેશક અને રેલવે બોર્ડના અધિકારીઓએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે રેલવે કેવી રીતે મુસાફરો માટે કામ કરી રહી છે અને તેમાં દિવસેને દિવસે સુધારો કરવામાં આવી રહ્યો છે.
બાલાસોર અકસ્માતના લગભગ છ દિવસ બાદ પણ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. એવું માનવામાં આવે છે કે આ ઘટના સિગ્નલ અથવા ઇન્ટરકનેક્શન અથવા બંને ખામી અથવા છેડછાડને કારણે હોઈ શકે છે. કારણ કે અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયેલા કોરોમંડલ એક્સપ્રેસના ડ્રાઈવરે કહ્યું છે કે તેને ગ્રીન સિગ્નલ મળ્યુ હતુ. જો કે, સ્થિતિ ઠીક ન હોવાને કારણે તે અંગે વધુ માહિતી આપી શક્યા નથી.