વધુ ભણતર નોકરીની રાહ લાંબી બનાવે છે ? જાણો શું કહે છે ભારતના રોજગારના આંકડા
એક યુવતી તેની ડિગ્રી પૂર્ણ કરે છે. પછી બીજી ડિગ્રી મેળવે છે. એવી આશામાં કે તેનાથી તેની નોકરીની તકોમાં સુધારો થશે. બે વર્ષ પછી, તે હજુ પણ યોગ્ય નોકરી શોધી શકતી નથી. જ્યારે એક સંબંધી જેણે શાળા પણ પૂર્ણ કરી નથી તે પહેલેથી જ કામ કરે છે.

વધુ અભ્યાસ કર્યો હોય તો નોકરી મેળવવી સરળ બનવી જોઈએ, મુશ્કેલ નહીં. પરંતુ આંકડા એક અસ્વસ્થ કરી નાખે એવી હકીકત સામે લાવે છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) અને ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા ભારતના રોજગાર અહેવાલ અનુસાર, સ્નાતકોમાં બેરોજગારીનો દર 29.1 ટકા હતો.
જ્યારે વાંચતાં-લખતાં ન આવડતું હોય તેવા લોકોમાં આ દર માત્ર 3.4 ટકા હતો. માધ્યમિક કે તેનાથી વધુ શિક્ષણ મેળવનારા યુવાનોમાં બેરોજગારીનો દર 18.4 ટકા હતો. વધુમાં, બેરોજગાર યુવાનોમાં શિક્ષિત લોકોનો હિસ્સો ઝડપથી વધ્યો છે. વર્ષ 2000માં આ હિસ્સો 54.2 ટકા હતો, જે 2022 સુધીમાં વધીને 65.7 ટકા થયો હતો. જો આ આંકડાઓને ધ્યાનથી સમજીએ, તો પહેલી નજરે જેટલી ગૂંચવણ લાગે છે. એટલી હકીકતમાં નથી.
અભણ લોકો લાંબા સમય સુધી બેરોજગાર રહી શકતા નથી
જે વ્યક્તિ વાંચી-લખી શકતી નથી અને જેની પાસે કોઈ બચત પણ નથી, તે સામાન્ય રીતે લાંબા સમય સુધી બેરોજગાર રહી શકતી નથી. તે ગુજરાન ચલાવવા માટે જે કામ મળે તે સ્વીકારી લે છે. આવાં કામ ઘણીવાર અસંગઠિત ક્ષેત્રનાં, ઓછા પગારવાળાં અને અસુરક્ષિત હોય છે. આવા લોકોમાં બેરોજગારીનો દર ઓછો હોવાનો અર્થ એ નથી કે તેમની સ્થિતિ સારી છે. તેનો અર્થ એ છે કે તેમની પાસે નોકરીની રાહ જોવાનો વિકલ્પ જ નથી.
સ્નાતક થયેલા વ્યક્તિ પાસે વધુ સગવડ હોય છે
બીજી તરફ, સ્નાતક થયેલા વ્યક્તિ પાસે ઘણીવાર રાહ જોવાની થોડી વધુ સગવડ હોય છે. ક્યારેક પરિવારનો આર્થિક સહારો હોય છે, તો ક્યારેક તે પોતાની લાયકાત, વર્ષોના અભ્યાસ અને અપેક્ષાઓને અનુરૂપ નોકરી શોધતો હોય છે. તે એવી નોકરી ઇચ્છે છે, જેમાં સ્થિર પગાર, યોગ્ય હોદ્દો અને કારકિર્દી બનાવવાની તક હોય. આ રાહ આંકડાઓમાં બેરોજગારી તરીકે નોંધાય છે. જોકે, ઘણીવાર તેનો અર્થ એવો પણ હોય છે કે વ્યક્તિ કોઈપણ કામ સ્વીકારવાને બદલે વધુ સારી તક શોધી રહી છે.
આથી, જવાબનો એક ભાગ સ્પષ્ટ છે કે બેરોજગારીના આંકડાઓમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ યોગ્ય નોકરી શોધી રહ્યા છે. શિક્ષિત ભારતીયો પાસે ઘણીવાર પહેલી મળતી નોકરી સ્વીકારવાને બદલે વધુ સારી નોકરી શોધતા રહેવાની શક્યતા વધારે હોય છે. પરંતુ આ આખી હકીકત નથી. આ પરિસ્થિતિનું બીજું પાસું વધુ ચિંતાજનક છે.
ડિગ્રી છે, પરંતુ નોકરી માટે જરૂરી સ્કિલ્સનો અભાવ
દર વર્ષે એક લાખથી વધુ ઉમેદવારોની કસોટીના આધારે તૈયાર કરવામાં આવતા ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ અનુસાર, વર્ષ 2026માં માત્ર 56.35 ટકા ભારતીય સ્નાતકોને રોજગાર માટે યોગ્ય ગણવામાં આવ્યા હતા. એટલે કે, તેઓ નોકરીદાતાઓની વાસ્તવિક જરૂરિયાતો અનુસાર કામ કરવા તૈયાર હતા. આ આંકડો વધી રહ્યો છે.
ચાર વર્ષ પહેલાં, એટલે કે 2022માં, આ પ્રમાણ 46.2 ટકા હતું. આ ચોક્કસપણે પ્રોત્સાહક બાબત છે. પરંતુ તેનો અર્થ એ પણ થાય છે કે આજે પણ લગભગ અડધા ભારતીય સ્નાતકોને નોકરીદાતાઓ પોતાની જરૂરિયાત મુજબ સંપૂર્ણપણે તૈયાર માનતા નથી, ભલે તેમની પાસે ઔપચારિક ડિગ્રી હોય. આ હકીકત કોલેજોમાં શીખવવામાં આવતી બાબતો અને કાર્યસ્થળ પર જરૂરી કૌશલ્યો વચ્ચેના અંતર તરફ ધ્યાન દોરે છે.
ડિગ્રી એ સાબિત કરે છે કે વ્યક્તિએ નિશ્ચિત વર્ષો સુધી કોઈ વિષયનો અભ્યાસ કર્યો છે. પરંતુ માત્ર ડિગ્રીથી એ સાબિત થતું નથી કે વ્યક્તિ સ્પષ્ટ રીતે વાતચીત કરી શકે છે, અજાણી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે કે પછી પોતાના જ્ઞાનનો વાસ્તવિક કામમાં પ્રથમ દિવસથી ઉપયોગ કરી શકે છે.
શિક્ષિત મહિલાઓ માટે પડકાર
અહીં એક બીજું પાસું પણ સમજવું જરૂરી છે અને તે છે સ્ત્રી-પુરુષ વચ્ચેનો તફાવત. ભારતમાં શિક્ષિત બેરોજગાર યુવાનોમાં મહિલાઓનો હિસ્સો 76.7 ટકા હતો, જ્યારે પુરુષોમાં આ પ્રમાણ 62.2 ટકા હતું. આનો અર્થ એ નથી કે મહિલાઓ કામ કરવા ઇચ્છતી નથી. સંશોધનો વારંવાર તેનાથી વિપરીત બાબતો દર્શાવે છે. આ પરિસ્થિતિ પાછળનું એક કારણ એ છે કે મહિલાઓ સુધી યોગ્ય નોકરીની તકો ઓછી પહોંચે છે.
આ ઉપરાંત, સામાજિક અપેક્ષાઓ અને પારિવારિક જવાબદારીઓ પણ તેમની કારકિર્દીને અસર કરે છે. આ જવાબદારીઓ આજે પણ અસમાન રીતે મહિલાઓ પર આવે છે. ખાસ કરીને વધુ શિક્ષિત મહિલાઓએ પણ નક્કી કરવું પડે છે કે તેઓ ક્યારે, ક્યાં અને કેવી રીતે કામ કરી શકે.
શું હવે માત્ર ડિગ્રી પૂરતી નથી?
આનો અર્થ એવો નથી કે શિક્ષણનું મહત્ત્વ ઘટી ગયું છે. લાંબી કારકિર્દી દરમિયાન શિક્ષિત કર્મચારીઓ સામાન્ય રીતે ઔપચારિક શિક્ષણ ન મેળવનારા લોકો કરતાં વધુ કમાણી કરે છે. પરંતુ માત્ર ડિગ્રી, વ્યવહારુ કૌશલ્યો, વાસ્તવિક કામનો અનુભવ અને નોકરીદાતાઓની અપેક્ષાઓ મુજબની તૈયારી વિના, નોકરીની ખાતરી આપતી નથી. હવે ડિગ્રીને સફળ કારકિર્દીની ગેરંટી કરતાં શરૂઆતનું એક પગથિયું માનવું વધુ યોગ્ય છે.
જો તમે યુવા વાચક છો, તો આમાંથી મળતો વ્યવહારુ બોધ એ છે કે શિક્ષણનું મહત્ત્વ ઓછું ન આંકો. પરંતુ ડિગ્રીને રોજગાર મેળવવાની સંપૂર્ણ તૈયારી નહીં, પણ તેનો એક ભાગ માનો. અભ્યાસની સાથે ઇન્ટર્નશિપ કરો, જરૂરી સર્ટિફિકેશન મેળવો અને વાતચીત કરવાની કુશળતા વિકસાવો. માત્ર અંતિમ વર્ષની માર્કશીટના આધારે નોકરી મળી જશે એવી અપેક્ષા રાખવાને બદલે, નોકરી માટે જરૂરી કૌશલ્યો વિકસાવવા સક્રિય પ્રયાસ કરો.
આગલી વખતે જ્યારે તમને કોઈ એવી વ્યક્તિ મળે, જેણે વર્ષો સુધી અભ્યાસ કર્યો હોય અને છતાં યોગ્ય નોકરી શોધી રહી હોય, ત્યારે તેના વિશે તરત જ કોઈ અભિપ્રાય બાંધવાનું ટાળો. તેના બદલે એ સમજવાનો પ્રયાસ કરો કે તેણે જે શીખ્યું છે અને નોકરીદાતાઓને આજે જે કૌશલ્યોની જરૂર છે, તેની વચ્ચે કયો અંતર રહી ગયો છે.
સ્રોત: ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 — ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) અને ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન ડેવલપમેન્ટ; ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2026 — વ્હીબૉક્સ અને સહયોગી સંસ્થાઓ, ગ્લોબલ એમ્પ્લોયેબિલિટી ટેસ્ટ પર આધારિત તારણો.