બીટકોઈન અને ક્રીપ્ટોકરન્સી અંગે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, બીટકોઈન ભારતમાં માન્ય થશે કે નહીં, જાણો અહી
CBDC : સરકાર સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) પર વિચાર કરી રહી છે. CBDC કેન્દ્રીય બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે. ઑક્ટોબર 2021માં, ભારતીય રિઝર્વ બેંકે CBDCનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો હતો.
DELHI : ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં બિટકોઈન (Bitcoin) જેવી ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) ને માન્યતા આપવામાં આવશે નહીં. સરકારના મતે ક્રિપ્ટોકરન્સીને કાયદેસર કરવાની કોઈ યોજના નથી. કેન્દ્રીય નાણામંત્રીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે સરકાર બિટકોઈનને ચલણનો દરજ્જો નહીં આપે. નાણા મંત્રાલય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે સરકાર સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અથવા CBDC પર વિચાર કરી રહી છે. તે કોઈપણ ક્રિપ્ટોકરન્સી જેવું નહીં હોય, તેનું સ્વરૂપ રૂપિયા કે પૈસા જેવું નહીં હોય, પરંતુ તે સંપૂર્ણપણે ડિજિટલ હશે.
લોકસભામાં સાંસદ અદૂર પ્રકાશે CBDCને લઈને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. સરકાર વતી કેન્દ્રીય નાણા રાજ્યમંત્રીએ જવાબ આપ્યો. સાંસદે પૂછ્યું કે શું સરકાર દેશમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી દાખલ કરવાની યોજના ધરાવે છે? જો સરકાર આ ચલણ લાવી રહી છે તો તેની શું યોજના છે અને શું તૈયારીઓ કરી છે? સાંસદે પૂછ્યું કે CBDC જાહેર કરવા પાછળ સરકારનો હેતુ શું છે અને શું તેની અસરો વિશે કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અદૂર પ્રકાશે આ મુદ્દે વિગતવાર માહિતીની માંગ ઉઠાવી હતી.
નાણા રાજ્યમંત્રીનો જવાબ નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી (Pankaj Chaudhary)એ જવાબ આપતા કહ્યું કે સરકાર સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) પર વિચાર કરી રહી છે. CBDC કેન્દ્રીય બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે. ઑક્ટોબર 2021માં, ભારતીય રિઝર્વ બેંકે CBDCનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો હતો. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934માં કેટલાક સુધારા કરવા પડશે. અત્યાર સુધી આ કાયદામાં બેંક નોટોનો ઉલ્લેખ છે, જેને ડિજિટલ સ્વરૂપમાં ચલણનો સમાવેશ કરવા માટે સુધારો કરવામાં આવશે. રિઝર્વ બેંક આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને તેને લાગુ કરવા માટે તબક્કાવાર વિચારણા કરી રહી છે. સામાન્ય ચલણ સાથે ચાલુ રાખીને CBDC પણ લાગુ કરી શકાય છે, તેના પર વિચારણા કરવામાં આવી રહી છે.
સરકારે સમગ્ર યોજના જણાવી સાંસદે પ્રશ્ન પૂછ્યો હતો કે CBDC જાહેર કરવાનો હેતુ શું છે અને સરકારે તેની અસરનું મૂલ્યાંકન કર્યું છે કે નહીં. આ અંગે કેન્દ્રીય નાણા રાજ્યમંત્રીએ કહ્યું કે જો CBDC લાગુ કરવામાં આવે તો તેનાથી ઘણા ફાયદા થવાની શક્યતાઓ છે. CBDCs પાસે લાભો પહોંચાડવાની અપાર ક્ષમતા છે જેની સરકાર વિચાર કરી રહી છે. આનાથી રોકડ પર નિર્ભરતા ઘટશે, ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટશે, પતાવટનું જોખમ ઘટશે વગેરે. CBDC દ્વારા, તે દેશમાં કાયદાકીય ટેન્ડર પર આધારિત મોટી ચુકવણી સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરશે. આ સિસ્ટમ સંપૂર્ણ કાર્યક્ષમ, ભરોસાપાત્ર અને નિયંત્રિત હશે. જો કે, તેની સાથે કેટલાક જોખમો પણ છે જેનું મૂલ્યાંકન ખૂબ જ ઊંડાણપૂર્વક કરવું પડશે.
બિટકોઈન વિશે શું કહ્યું ? બિટકોઈન અંગે સરકારે સ્પષ્ટ કર્યું કે તેને લાગુ કરવાની કે કાયદેસર કરવાની કોઈ યોજના નથી. એવા અહેવાલો પહેલાથી જ છે કે સરકાર બિટકોઇનને માન્યતા નહીં આપે અને એના બદલે દેશમાં ડિજિટલ ચલણ લાવવાની યોજના ધરાવે છે. સરકારે લોકસભામાં કંઈક આવું જ કહ્યું. સરકારે એ પણ જણાવ્યું કે કેટલા બિટકોઈનનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે તેનો કોઈ ડેટા નથી.