Goa: પ્રમોદ સાવંત આજે સીએમ પદના શપથ લેશે, PM Modi સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓની રહેશે ઉપસ્થિતિ
બીજેપીએ મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના (MGP) બે ધારાસભ્યો અને ત્રણ અપક્ષોના સમર્થન સાથે રાજ્યમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કર્યો છે. સાવંત ઉત્તર ગોવાના સાંખાલીમથી ધારાસભ્ય છે.
પ્રમોદ સાવંત (Pramod Sawant) આજે સોમવારે(28 માર્ચ 2022) બીજી વખત ગોવાના (Goa) મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi), ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (J P Nadda) અને કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે. સાથે જ તેમણે કહ્યું કે, આ કાર્યક્રમમાં પહેલીવાર ધર્મ ગુરૂઓ પણ હાજર રહેશે. જણાવી દઈએ કે શનિવારે પ્રમોદ સાવંતે કહ્યું કે, શપથ ગ્રહણ સમારોહ 28 માર્ચે સવારે 11 વાગ્યે પણજીના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં શરૂ થશે. કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
જણાવી દઈએ કે ભાજપે ગોવાના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને 25 ધારાસભ્યોના સમર્થનનો પત્ર પહેલેથી જ સોંપી દીધો છે. પિલ્લઈએ આગામી સરકાર બનાવવા માટે પાર્ટીને આમંત્રણ આપ્યું છે. ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સાવંત બીજી ટર્મ માટે ગોવાના મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી સંભાળશે.
સાવંતને સર્વસંમતિથી વિધાયક દળના વડા તરીકે ચૂંટાયા બાદ ભાજપે સોમવારે આ જાહેરાત કરી હતી. 40 સભ્યોની વિધાનસભાની તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં ભાજપે 20 બેઠકો જીતી હતી, જે બહુમતીના આંકથી માત્ર એક બેઠક ઓછી હતી.
સાવંત 2019માં પહેલીવાર ગોવાના સીએમ બન્યા હતા
બીજેપીએ મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના (MGP) બે ધારાસભ્યો અને ત્રણ અપક્ષોના સમર્થન સાથે રાજ્યમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કર્યો છે. સાવંત ઉત્તર ગોવાના સાંખાલીમથી ધારાસભ્ય છે. 2017 માં, જ્યારે ભાજપે સ્વર્ગસ્થ મનોહર પર્રિકરના નેતૃત્વમાં ગોવામાં સરકાર બનાવી, ત્યારે તેઓ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. મનોહર પર્રિકરના અવસાન બાદ સાવંતે માર્ચ 2019માં પ્રથમ વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
કાળા માસ્ક, કાળા કપડા પહેરેલા લોકોને શપથ ગ્રહણ સમારોહમાં પ્રવેશ મળશે નહીં
પ્રમોદ સાવંતના શપથ ગ્રહણ સમારોહમાં કાળા માસ્ક અથવા કાળા કપડા પહેરેલા લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ભારતીય જનતા પાર્ટી ગોવા એકમના અધ્યક્ષ સદાનંદ શેત તનવડેએ આ માહિતી આપી. શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે આ સમારોહ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય નેતાઓની હાજરીમાં યોજાશે. તેમણે કહ્યું, કાળા માસ્ક અને કાળા કપડા પહેરેલા લોકોને સ્થળની અંદર જવા દેવામાં આવશે નહીં.