ઈન્દિરા ગાંધી જ નહીં, પંડિત નેહરુએ પણ લાદી હતી કટોકટી, ભારતમાં અત્યાર સુધી કેટલી વખત લાગી છે ઈમરજન્સી ?
વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા 1975માં કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આ પહેલા પણ દેશમાં બે વખત ઈમરજન્સી લાદવામાં આવી હતી, પરંતુ તે બંને ઈમરજન્સીનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળે છે. યોગાનુયોગ ત્રણેય વખત કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં હતી અને ત્રણેય વખત કલમ 352નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કટોકટી એટલે ઈમરજન્સી. હકીકતમાં સંકટના સમયને કટોકટી કહેવાય છે. જ્યારે કોઈ આફત આવે છે, તે દરમિયાનનો સંઘર્ષ અને મુશ્કેલીઓ કટોકટીના સમયગાળાનું સૂચક છે, પરંતુ કટોકટી હવે એક શબ્દ બની ગયો છે, જ્યારે પણ તેનો ઉલ્લેખ થાય છે, ત્યારે સૌથી પહેલા વર્ષ 1975નો સમયગાળો યાદ આવે છે.
25 જૂન, 1975ના રોજ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આ પહેલા પણ દેશમાં બે વખત ઈમરજન્સી લાદવામાં આવી હતી, પરંતુ તે બંને ઈમરજન્સીનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળે છે. શક્ય છે કે આજે ઘણા લોકોને ખબર પણ ન હોય કે દેશમાં કુલ ત્રણ વખત ઈમરજન્સી લાદવામાં આવી છે. યોગાનુયોગ ત્રણેય વખત કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં હતી અને ત્રણેય વખત કલમ 352નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઈન્દિરા ગાંધીએ લગાવેલી ત્રીજી કટોકટી એ રાજકીય વિરોધીઓ પરના દમનને લઈને દેશ અને દુનિયામાં સૌથી વધુ ચર્ચામાં રહી છે. 1975ની ઈમરજન્સીને ઈન્દિરા ગાંધીની શાસન શૈલીનું પ્રતિબિંબ માનવામાં આવતું હતું. ઈમરજન્સી પર ચર્ચા થાય અને ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ ન થાય તે શક્ય નથી.
કટોકટી કેવી રીતે લાગે છે ?
સૌપ્રથમ કટોકટી કેવી રીતે લાગે છે તે વિશે વાત કરીએ તો, ભારતીય બંધારણના ભાગ 18ની કલમ 352માં કટોકટીનો ઉલ્લેખ છે. સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જો રાષ્ટ્રપતિને લાગે કે આખા દેશ અથવા દેશના કોઈપણ ભાગમાં યુદ્ધ અથવા કોઈ બાહ્ય અતિક્રમણની સંભાવના છે, તો તે સંજોગોમાં રાષ્ટ્રપતિ સમગ્ર દેશમાં અથવા કોઈ ચોક્કસ ભાગમાં કટોકટી જાહેર કરી શકે છે. આ સમય દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવે છે અને જ્યાં કટોકટી લાદવામાં આવે છે, ત્યાં સમગ્ર વ્યવસ્થા રાષ્ટ્રપતિના હાથમાં આવે છે.
1975ની કટોકટી
સૌપ્રથમ ત્રીજી કટોકટી વિશે વાત કરીએ, તો દેશ કે દેશના નાગરિકોને કોઈ ખતરો ન હતો, તેમ છતાં ઈન્દિરા ગાંધીએ ત્રીજી વખત ઈમરજન્સી લાદી હતી. હકીકતમાં હાઈકોર્ટના આદેશ બાદ વડાપ્રધાનની ખુરશી પર ખતરો હતો. આ જ ખુરશી બચાવવા ઈન્દિરા ગાંધીએ 25 જૂન 1975ની રાત્રે દેશમાં ત્રીજી અને છેલ્લી કટોકટી લાદી હતી. 26 જૂન 1975ની સવારે ઈન્દિરા ગાંધીએ પોતે ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા દેશને જાણ કરી કે ઈમરજન્સી લાદવામાં આવી છે. રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ આ નિર્ણયનો અમલ કરવાના હતા. આ કટોકટીનો અંત 21 માર્ચ 1977 ના રોજ આવ્યો હતો અને ત્યારથી દેશમાં કોઈ કટોકટી લાદવામાં આવી નથી.
આ કટોકટીમાં લોકશાહીના ચોથા સ્તંભ પ્રેસની સ્વતંત્રતાને ખતમ કરી બંધારણની જોગવાઈઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ કટોકટીને વિરોધીઓને જેલમાં ધકેલી દેવા અને MISA હેઠળ નાગરિક અધિકારો છીનવી લેવાના સંદર્ભમાં યાદ કરવામાં આવે છે. ઈમરજન્સીના આદેશમાં ઈન્દિરા સરકારે દલીલ કરી હતી કે આંતરિક વિક્ષેપને કારણે સુરક્ષાને ખતરો છે.
1971ની કટોકટી
ભારતીય બંધારણની કલમ 352 મુજબ જ 1971માં દેશમાં બીજી કટોકટી લાદવામાં આવી હતી. 1971નું વર્ષ ભારત-પાકિસ્તાન યુદ્ધ માટે જાણીતું છે. આ યુદ્ધમાં બાંગ્લાદેશનો જન્મ થયો હતો. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકારે બાંગ્લાદેશના નિર્માણમાં મુક્તિ વાહિની આર્મીને સંપૂર્ણ મદદ કરી હતી. એરફોર્સનો ઉપયોગ કરીને, ભારતે પાકિસ્તાની સેનાને આત્મસમર્પણ કરવાની ફરજ પાડી અને શેખ મુજીબુર રહેમાનની સરકાર બનાવવામાં મદદ કરી.
દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 1971માં રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી હતી. જો કે, આ ઈમરજન્સી માત્ર 14 દિવસની હતી. 3 થી 17 સપ્ટેમ્બરની વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ઈમરજન્સી લાદવામાં આવી હતી. દેશની ઓળખ પર સંકટના વાદળો છવાઈ રહ્યા હતા. તેથી તત્કાલીન કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને યુદ્ધને મહત્ત્વ આપ્યું અને પાકિસ્તાનને હરાવીને દેશના ધ્વજનું સન્માન અને ગૌરવ જાળવી રાખ્યું.
1962ની કટોકટી
દેશમાં પ્રથમ ઈમરજન્સી 1962માં લાદવામાં આવી હતી. તે સમયે દેશના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ હતા. જ્યારે ચીને ભારત પર હુમલો કર્યો, ત્યારે આ કટોકટી લાદવામાં આવી હતી. ચીની સેનાએ લદ્દાખ અને મેકમોહન લાઇન પર હુમલો કર્યો હતો. આ પહેલા પણ સરહદી વિસ્તારોમાં બંને દેશોની સેનાઓ વચ્ચે ઘર્ષણની ઘણી ઘટનાઓ બની હતી. એક રીતે ચીને હુમલો કરીને ભારતને ઉશ્કેર્યું હતું. તેથી ભારત સામે પણ યુદ્ધની સ્થિતિ આવી ગઈ હતી.
ચીનના હુમલાથી ભારતને ઘણું નુકસાન થયું. આ યુદ્ધ 1962 થી 1968 સુધી ચાલ્યું હતું. તે સમયે દેશની સુરક્ષા સર્વોપરી હતી. આવી સ્થિતિમાં તત્કાલીન સરકારે બંધારણની કલમ 352નો ઉપયોગ કરીને દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. દેશને બહારના હુમલાઓથી બચાવવા અને દેશની અંદર સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ બનાવવા માટે આ જાહેરાત કરવામાં આવી હતી.
કટોકટી લાદવા માટેની કેટલીક જોગવાઈઓ
માત્ર ભારતમાં જ નહીં, પરંતુ કોઈપણ દેશમાં ઈમરજન્સી લાદવા માટે અમુક બંધારણીય જોગવાઈઓ છે. દેશને બહારના હુમલાથી ખતરો હોય, દેશમાં આંતરિક અશાંતિ હોય કે સશસ્ત્ર બળવો હોય તો પણ ઈમરજન્સી લાદી શકાય છે. જો દેશમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય અથવા દેશ આર્થિક મોરચે નબળો સાબિત થાય તો સરકાર ઈમરજન્સી લાદી શકે છે. એટલે કે જો દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગે તો દેશને નાણાકીય કટોકટીમાંથી પસાર થવું પડે છે.
જો કે, 1975માં લાદવામાં આવેલ કટોકટીનો પ્રકાર આ જોગવાઈઓથી અલગ માનવામાં આવતો હતો અને તેને માત્ર વિરોધીઓ પરના દમન તરીકે ઓળખવામાં આવતો હતો. મીડિયા અને નાગરિક અધિકારો છીનવી લેવા હજુ પણ નિંદા અને ટીકાનો મુખ્ય વિષય છે.
1999માં અટલ બિહારી વાજપેયી કેમ નહોતી લગાવી કટોકટી ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં યુદ્ધ થયું હતું. ત્યારે અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન હતા, તો પછી તે સમયે કેમ કટોકટી જાહેર કરી નહોતી ? તો તેનું કારણ છે 1977નો બંધારણીય સુધારો. હકીકતમાં ઈન્દિરા ગાંધીએ જે રીતે બંધારણની સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને ઈમરજન્સી લાદી હતી તે જોતા નવી સરકારે બંધારણમાં કેટલાક સુધારા કર્યા હતા.
બંધારણના 44મા સુધારા હેઠળ રાષ્ટ્રપતિ કલમ 352નો ઉપયોગ ત્યાં સુધી નથી કરી શકતા, જ્યાં સુધી કેન્દ્રીય કેબિનેટ આ પ્રસ્તાવને લેખિતમાં મોકલતા નથી. તો પછી વાજપેયી કેબિનેટે પ્રસ્તાવ કેમ ન મોકલ્યો કારણ કે તે સમયે કેબિનેટ નહોતું. 17 એપ્રિલ, 1999ના રોજ અટલ બિહારી વાજપેયીની સરકાર એક મતથી પડી ગઈ હતી.
મે મહિનામાં જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો ત્યારે અટલ બિહારી વાજપેયી દેશના પૂર્ણકાલીન નહીં, પરંતુ કાર્યકારી વડાપ્રધાન હતા. તેથી ન તો કેબિનેટ કોઈ ભલામણ મોકલી શક્યું કે ન તો તત્કાલીન રાષ્ટ્રપતિ કેઆર નારાયણને કોઈ કટોકટી જાહેર કરી. જોકે, ભારતે ઈતિહાસનું પુનરાવર્તન કર્યું અને પાકિસ્તાન સામે જીત નોંધાવી.