દેશ સંરક્ષણ ક્ષેત્રે સમયની સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે હવે ભારતે હાઈપરસોનિક મિસાઈલની દુનિયામાં મોટી સફળતા હાંસલ કરી છે. ભારતે લગભગ 1500 કિમીની રેન્જ ધરાવતી હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 16 નવેમ્બરની રાત્રે ઓડિશાના દરિયાકાંઠે કરવામાં આવ્યું હતું. સૌથી ખાસ વાત એ છે કે આ મિસાઈલ સ્વદેશી છે. જેનો સમગ્ર શ્રેય હૈદરાબાદના ડો.અબ્દુલ કલામ મિસાઈલ કોમ્પ્લેક્સને જાય છે.
ભારતે આધુનિક બ્રહ્માસ્ત્ર કહેવાતી આ હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ એવા સમયે કર્યું છે, જ્યારે આપણો દેશ ચીન સાથે તણાવના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. ચીન પાસે લાંબા સમયથી હાઇપરસોનિક મિસાઇલો છે. ચીન હાયપરસોનિક મિસાઈલ દ્વારા અવકાશમાં પણ હુમલો કરવામાં સક્ષમ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, વિશ્વના કયા દેશો પાસે હાઈપરસોનિક મિસાઈલ છે અને આ મિસાઈલ શા માટે આટલી ખાસ બની ગઈ છે.
ભારત નવી એન્ટિ-શિપ મિસાઇલના પરીક્ષણ સાથે હવે એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેની પાસે હાઈપરસોનિક હથિયારો છે. પહેલા આ પ્લાન બ્રહ્મોસ-2 મિસાઈલને લઈને હતો. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે થયેલા વિલંબને કારણે ભારતે પોતાની ટેક્નોલોજી, હથિયારો અને મિસાઈલો વિકસાવી છે.
આ હાઈપરસોનિક મિસાઈલની સ્પીડ અને મારક ક્ષમતા એટલી છે કે, ચીન અને પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે. આ મિસાઈલ એક કલાકમાં 11,113.2 કિમી/કલાકની ઝડપે એટલે કે એક સેકન્ડમાં 3.087 કિલોમીટરનું અંતર કાપે છે. આ નવી મિસાઈલની રેન્જ 1500 કિમીથી વધારે છે. એટલે કે આ મિસાઈલને આ અંતર કાપવામાં લગભગ 8 મિનિટનો સમય લાગશે. દિલ્હીથી ઈસ્લામાબાદ 690 કિમી, કરાચી 1100 કિમી અને કોલકાતાથી ઢાકા 250 કિમી અને ચટગાંવ 370 કિમી છે. તેનો અર્થ એ કે એક કે બે મિનિટથી 6-7 મિનિટમાં આ દેશોમાં આ મિસાઈલ તબાહી મચાવી શકે છે.
જો આ મિસાઈલ પાકિસ્તાન બોર્ડર પરથી છોડવામાં આવે તો સમગ્ર પાકિસ્તાન તેની રેન્જમાં આવી જશે. જો ચીનની સરહદેથી છોડવામાં આવે તો ચીનનો લગભગ 45 ટકા ભાગ તેની રેન્જમાં આવી જશે. એટલે કે હિમાલયની બાજુથી જો તેને દરિયા કિનારે મૂકીને છોડવામાં આવે તો તે અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને હિંદ મહાસાગરમાં દુશ્મન દેશોના જહાજોને નષ્ટ કરી શકે છે. એટલે કે આ એક મિસાઈલથી એશિયામાં રશિયા અને ચીન પછી ભારતનો પ્રભાવ વધ્યો છે.
હાઇપરસોનિક મિસાઇલની સૌથી ખાસ વાત તેની હાઇ સ્પીડ, હાઇપરસોનિક મિસાઇલની સ્પીડ અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધુ છે. ઓછી ટ્રેજેક્ટરી એટલે કે ઓછી ઉંચાઇ પર ઉડતી હોવાને કારણે અમેરિકા સહિત વિશ્વના કોઈપણ રડાર દ્વારા તેને ટ્રેક કરવી લગભગ અશક્ય છે. આ કારણે દુનિયાની કોઈ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તેને નષ્ટ શકતી નથી.
હાઇપરસોનિક મિસાઇલ અનેક ટન પરમાણુ હથિયાર લઇ જવા માટે સક્ષમ છે. આ મિસાઈલ 480 કિલો ન્યુક્લિયર વોરહેડ્સ અથવા અન્ય હથિયારો લઈ જઈ શકે છે. આ મિસાઈલ પરમાણુ હથિયાર ધરાવતા દેશો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અન્ડરગ્રાઉન્ડ શસ્ત્રોના વેરહાઉસને નષ્ટ કરવામાં સબસોનિક ક્રૂઝ મિસાઇલો કરતાં હાઇપરસોનિક મિસાઇલો વધુ ઘાતક છે. હાઇપરસોનિક મિસાઇલ તેની અત્યંત ઝડપી ગતિને કારણે વધુ વિનાશક છે.
હાયપરસોનિક મિસાઇલો મેન્યુવરેબલ ટેક્નોલોજી એટલે કે હવામાં ટાર્ગેટ બદલવામાં માહેર છે. આની મદદથી તે લોકેશન બદલતા ટાર્ગેટને પણ ટાર્ગેટ કરી શકે છે. આ ક્ષમતાને કારણે આ મિસાઈલથી બચવું મુશ્કેલ છે.
ભારતની LRAShM એટલે કે આ હાઇપરસોનિક લાંબા અંતરની એન્ટિ-શિપ મિસાઇલ અનેક પ્રકારના શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે. તે પણ વિવિધ રેન્જમાં. જો હથિયારનું વજન ઓછું કરવામાં આવે તો તેની રેન્જ 1500 કિલોમીટરથી વધુ હશે. આ મિસાઈલને અનેક પ્રકારની રેન્જ સિસ્ટમથી ટ્રેક કરી શકાય છે.
ભારત પાસે હાઇપરસોનિક મિસાઇલોને ટ્રેક કરવાની સિસ્ટમ પણ છે. જ્યારે વિશ્વના ઘણા શક્તિશાળી દેશોમાં આ સિસ્ટમ નથી. આ મિસાઈલ અનેક પ્રકારના ટર્મિનલ દાવપેચ કરી શકે છે. એટલે કે દુશ્મન ઇચ્છે તો પણ તેને નિશાન બનાવી શકે નહીં. આ મિસાઈલ જરૂર પડ્યે તેની ગતિ, દિશા અને માર્ગ બદલી શકે છે. તેમજ તેની ચોકસાઈ અત્યંત ઘાતક છે.
વિશ્વનો 80 ટકા તેલનો વેપાર હિંદ મહાસાગર પ્રદેશ (IOR)માં થાય છે. દુનિયાભરના જહાજો અહીંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં ભારતીય નૌકાદળ આ જહાજોની સુરક્ષા માટે આ મિસાઈલનો ઉપયોગ કરી શકે છે.
જો ચીન અથવા પાકિસ્તાન ભારતીય દરિયાઈ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે, તો આ મિસાઈલ તેમના જાસૂસી જહાજ અથવા યુદ્ધ જહાજને થોડી જ સેકન્ડોમાં નષ્ટ કરી શકે છે. હાલમાં દુનિયાની તમામ એર ડિફેન્સ સિસ્ટમ આ મિસાઈલને સરળતાથી ટ્રેક કરી શકતી નથી. કારણ કે તેની ઝડપ ઘણી વધારે છે. તેનો અર્થ એ કે તે દુશ્મનના નિશાન પર તબાહી મચાવીને જ રહેશે.
તેને ક્ષેત્રિય દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા માટે તૈનાત કરી શકાય છે. ઉદાહરણ તરીકે, મલક્કાના અખાતથી પર્શિયાના અખાત સુધી, તેને સુરક્ષિત કરી શકાય છે. તેને માત્ર દરિયા કિનારે તૈનાત કરવાની જરૂર છે.
હાયપરસોનિક મિસાઈલ એવું શસ્ત્ર છે જેની સ્પીડ અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધુ હોય છે. સરળ ભાષામાં આ મિસાઈલોની ઝડપ 6100 કિલોમીટર પ્રતિ કલાક છે. ઝડપ અને દિશા બદલવાની તેમની ક્ષમતા એટલી ચોક્કસ અને શક્તિશાળી છે કે તેમને ટ્રેક કરીને નષ્ટ કરવી અશક્ય છે.
સામાન્ય રીતે ક્રૂઝ મિસાઈલ કે બેલેસ્ટિક મિસાઈલની ઝડપ ઘણી વધારે હોય છે. પરંતુ તેની નિશ્ચિત દિશા અને મુસાફરીના માર્ગને કારણે તેઓને ટ્રેક કરી શકાય છે. તેને નષ્ટ કરીને નીચે લાવી શકાય છે. જો તેની ઝડપ અવાજની ગતિ કરતાં પાંચ ગણી એટલે કે 6100 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવામાં આવે. આ ઉપરાંત જો આપમેળે દિશા બદલવામાં સક્ષમ ઉપકરણો ઇન્સ્ટોલ કરવામાં આવે, તો તે હાઇપરસોનિક શસ્ત્રોમાં ફેરવી શકાય.
અમેરિકા, રશિયા, ચીન અને ભારત પાસે હાઈપરસોનિક મિસાઈલ છે. કહેવાય છે કે ઉત્તર કોરિયાએ પણ આવી મિસાઈલ વિકસાવી છે. જે પૃથ્વીથી અવકાશમાં અથવા પૃથ્વીથી પૃથ્વીના બીજા ભાગમાં ચોકસાઈ સાથે હુમલો કરી શકે છે. આ દેશો ઉપરાંત બ્રિટન, ઈઝરાયેલ, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયામાં પણ આ ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે.
હાઇપરસોનિક શસ્ત્રો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે ગ્લાઈડ વ્હીકલ્સ એટલે કે હવામાં તરતા અને બીજું છે ક્રુઝ મિસાઈલ. અત્યારે વિશ્વનું ધ્યાન ગ્લાઈડ વ્હીકલ્સ પર છે. જેની પાછળ એક નાની મિસાઈલ મૂકવામાં આવી છે. ત્યારબાદ તેને મિસાઈલ લોન્ચરથી છોડવામાં આવે છે. મિસાઈલ ચોક્કસ અંતર કાપ્યા બાદ અલગ થઈ જાય છે. તે પછી ગ્લાઈડ વ્હીકલ્સ સરળતાથી ઉડતા લક્ષ્ય પર હુમલો કરે છે. આ શસ્ત્રો સામાન્ય રીતે સ્ક્રેમજેટ એન્જિનથી સજ્જ હોય છે, જે હવામાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરીને ઝડપથી ઉડે છે. આ તેને એક નિશ્ચિત ગતિ અને ઊંચાઈ આપે છે.