ટાટા મોટર્સ (Tata Motors) આગામી પાંચ વર્ષમાં ઇલેક્ટ્રિક વાહન (Electric Vehicles) ક્ષેત્રમાં 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ બિઝનેસના પ્રમુખ શૈલેષ ચંદ્રાએ મંગળવારે આ માહિતી આપી હતી. ટાટા મોટર્સ ઝડપથી વિકસતા ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રની અગ્રણી છે. તેની પાસે આ ક્ષેત્રમાં નેક્સોન જેવા મોડલ છે. કંપની આ સેગમેન્ટ માટે લગભગ 10 નવા ઉત્પાદનો વિકસાવવા માંગે છે. ચંદ્રાએ કહ્યું, “જ્યાં સુધી ભવિષ્યનો સવાલ છે, અમે પાંચ વર્ષમાં ઈલેક્ટ્રીફિકેશન પર 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. અમે લગભગ 10 પ્રોડક્ટ્સ પર કામ કરીશું. આ ઉત્પાદનો કદ, કિંમત વગેરેના સંદર્ભમાં અલગ અલગ હશે.” કંપનીએ તેના ઈવી સેગમેન્ટમાં ખાનગી ઇક્વિટી ફર્મ ટીપીજી પાસેથી 1 બિલિયન ડોલર એકત્ર કર્યા છે. આ અર્થમાં, તેના ઈવી બિઝનેસનું મૂલ્યાંકન 9.1 બિલિયન ડોલર થાય છે.
ચંદ્રાએ સ્થાનિક જૂથો દ્વારા ઔરંગાબાદ મિશન ફોર ગ્રીન મોબિલિટી (એએમજીએમ) હેઠળ શહેરના રહેવાસીઓને 101 ઇલેક્ટ્રિક વાહનોની ડિલિવરી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ચાર્જિંગ સુવિધાઓ સાથે ઇલેક્ટ્રિક વાહન પર્યાવરણના વિકાસને વેગ આપવાની જરૂર છે. તેમણે આ માટે કંપનીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
ચંદ્રાએ કહ્યું કે હવે ઇલેક્ટ્રિક વાહનોને લઈને લોકોના વલણમાં પરિવર્તન આવ્યું છે. ઘણા ગ્રાહકો તેમના પ્રથમ વાહન તરીકે ઇલેક્ટ્રિક વર્ઝન ખરીદી રહ્યા છે. તેમણે કહ્યું, “જ્યારે અમે ઈલેક્ટ્રિક કાર લૉન્ચ કરી ત્યારે ઇલેક્ટ્રિક વાહન તરીકે પહેલી કાર ખરીદનારા લોકોની સંખ્યા 20 થી 25 ટકા હતી. આજે આ સંખ્યા વધીને 65 ટકા થઈ ગઈ છે.
હાલમાં, કંપનીના પોર્ટફોલિયોમાં ડીઝલ કારના વેચાણનો હિસ્સો લગભગ 15 ટકા છે, જ્યારે પેટ્રોલ અને સીએનજી વાહનોનો હિસ્સો 66 ટકા અને 12 ટકા છે, એમ ચંદ્રાએ જણાવ્યું હતું. બાકીના 7 ટકા ઇલેક્ટ્રિક વાહનોના છે. એમણે કહ્યું કે, “આગામી ત્રણથી પાંચ વર્ષમાં, પેટ્રોલ લગભગ 50 ટકા નીચે આવશે, CNG 20 ટકા થઈ જશે… ડીઝલ લગભગ 10 ટકા થઈ જશે. ઈવી માટે અમારું લક્ષ્ય 20 ટકા છે.”
ઈલેક્ટ્રિક વાહનોની વધતી જતી સ્વીકૃતિ અને લોકપ્રિયતા વચ્ચે, દેશમાં ઈવી ચાર્જિંગ સ્ટેશનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકસી રહ્યું છે. છેલ્લા ચાર મહિનામાં દેશના નવ મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યામાં અઢી ગણો વધારો થયો છે.
આ પણ વાંચો : LICએ વ્યાજથી 2,911 કરોડ રૂપિયાની કમાણી કરી, 21 હજાર કરોડનું રૂપિયાનું કોઈ નથી દાવેદાર
આ પણ વાંચો : Opening Bell : સતત બીજા દિવસે નબળા વૈશ્વિક સંકેત છતાં શેરબજારની લીલા નિશાનમાં શરૂઆત, Sensex 56663 ઉપર ખુલ્યો