મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી, શરદ પવાર એકનાથ શિંદેને મળ્યાં, NCP ધારાસભ્યોને પણ મળ્યા, શું NDA વિસ્તરશે ?
બેઠક બાદ નાયબ મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં તેને માત્ર સૌજન્ય મુલાકાત ગણાવવામાં આવી હતી. સમિતિની બેઠક પૂર્ણ થયા પછી શરદ પવાર પહોંચ્યા ત્યારે એકનાથ શિંદેએ શાલ અને ગુલદસ્તો આપીને વરિષ્ઠ નેતાનું સ્વાગત કર્યું.

મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ ફરી એકવાર તેજ બની છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના વડા શરદ પવાર અને તેમના પક્ષના ધારાસભ્યો વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકથી મહારાષ્ટ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં અટકળોનો માહોલ સર્જાયો છે. નોંધનીય છે કે, શિંદે-પવાર વચ્ચેની બેઠક કોઈ વિપક્ષી નેતાના કાર્યાલયમાં નહીં, પરંતુ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર ચેમ્બરની અંદર થઈ હતી. શાસક મહાયુતિ ગઠબંધનના એક અગ્રણી નેતાના કેબિનમાં મહા વિકાસ આઘાડી (MVA) ના મુખ્ય આધારસ્તંભ શરદ પવારને જોતા રાજકીય વર્તુળોમાં વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જોકે, બાદમાં બંને પક્ષોએ આ ઘટનાને માત્ર સંયોગ અને સૌજન્ય મુલાકાત ગણાવીને ફગાવી દીધી હતી અથવા તો જે રાજકીય ચર્ચાનું વમળ સર્જાયું છે તેને ઠારવાનો પ્રયાસ કર્યો છે.
નોંધનીય છે કે શરદ પવાર મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદના ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચ કક્ષાની સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે વિધાન ભવન સંકુલમાં પહોંચ્યા હતા.
નાયબ મુખ્ય પ્રધાન શિંદેના કાર્યાલયમાં શા માટે મુલાકાત ?
એક અનુભવી વિપક્ષી નેતાએ, શાસક પક્ષના ચેમ્બરમાં બેઠક યોજી તે હકીકત સમગ્ર વિવાદ અને ચર્ચાનું કેન્દ્રબિંદુ બની. આ બાબતની સ્પષ્ટતા કરતા, NCP (SP) ના વરિષ્ઠ નેતા જયંત પાટીલે જણાવ્યું હતું કે, આ સ્થળ ફક્ત વ્યવહારિક કારણોસર પસંદ કરવામાં આવ્યું હતું અને તેનું કોઈ રાજકીય મહત્વ ન હોવું જોઈએ. જયંત પાટીલે સમાચાર એજન્સી PTI ને જણાવ્યું હતું કે, “વિધાન ભવન સંકુલ છોડતા પહેલા પક્ષના ધારાસભ્યો શરદ પવારને મળવા માંગતા હતા. શરદ પવારની ઉંમરને જોતાં, મોટાભાગના વિપક્ષી ધારાસભ્યો જ્યાં બેસે છે તે રૂમમાં પાછા ફરવું તેમના માટે ખૂબ મુશ્કેલ હતુ.આથી નાયબ મુખ્ય પ્રધાન શિંદેની કેબિન બહાર નીકળવાના માર્ગની બાજુમાં જ હોવાથી, અમને લાગ્યું કે તે શરદ પવાર માટે સૌથી અનુકૂળ સ્થળ હશે, જેનાથી તેઓ લાંબા અંતર સુધી ચાલવાનુ ટાળી શકશે.” પાટીલે એ પણ સ્પષ્ટતા કરી કે જ્યારે શરદ પવાર આવ્યા ત્યારે એકનાથ શિંદે તેમની ઓફિસમાં હાજર નહોતા. જયંત પાટીલે કહ્યું, “મેં જ શરદ પવારને અમારા ધારાસભ્યોને મળવા માટે ત્યાં બેસવાનું સૂચન કર્યું હતું. જ્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને, શરદ પવાર તેમની કચેરીમાં આવ્યાની ખબર પડી, ત્યારે તેઓ પણ આવ્યા અને દસ મિનિટ માટે તેમની સાથે આદરપૂર્વક મુલાકાત કરી.”
શિંદે જૂથની પ્રતિક્રિયા
બન્ને રાજકીય મહાનુભવની મીટિંગ પછી, નાયબ મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં તેને ફક્ત સૌજન્ય મુલાકાત તરીકે વર્ણવવામાં આવી હતી. સમિતિની બેઠક પૂર્ણ થયા પછી શરદ પવાર પહોંચ્યા ત્યારે, એકનાથ શિંદેએ વરિષ્ઠ નેતાનું શાલ અને ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું. મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે જણાવ્યું હતું કે, “શરદ પવાર દેશના ખૂબ જ વરિષ્ઠ નેતા છે. જો તેઓ અમારા નેતા એકનાથ શિંદેના ઓફિસની મુલાકાત લે છે, તો તેમનું સન્માન અને ઉષ્માભર્યું સ્વાગત મહારાષ્ટ્રની સમૃદ્ધ રાજકીય પરંપરાનો એક ભાગ છે. આમાં કંઈ ખોટું કે અસામાન્ય નથી.”
એનડીએમાં જોડાવાની અટકળોને રદીયો
મીટિંગના ફોટા અને વીડિયો સામે આવ્યા પછી, રાજકીય વર્તુળોમાં અને સોશિયલ મીડિયા પર એવી અટકળો શરૂ થઈ કે શું વિપક્ષી પાર્ટી શાસક ગઠબંધન સાથે નવા રાજકીય સમીકરણ અથવા ગોઠવણની શક્યતા શોધી રહી છે. શરદ પવારના એનસીપીના પ્રદેશ પ્રમુખ શશિકાંત શિંદેએ આવી બધી અફવાઓ અને દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા. તેમણે એનડીએમાં જોડાવાના કે અન્ય કોઈ પક્ષ સાથે ભળી જવાના અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા. તેમણે સ્પષ્ટપણે કહ્યું, “શરદ પવાર વિધાનસભા સત્ર દરમિયાન અહીં હતા, તેથી તેમણે અમારા ધારાસભ્યો, સાંસદો અને કોર્પોરેટરો સાથે વાતચીત કરી. એનડીએમાં જોડાવા કે પાર્ટીના વિલીનીકરણ અંગેની અટકળો સંપૂર્ણપણે પાયાવિહોણી અને ખોટી છે.”
