Maharashtra: NCP હનુમાન જયંતિ અને ઇફ્તાર એકસાથે ઉજવશે, MNSએ કરી મહા આરતીની જાહેરાત
Maharashtra Politics News : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ તેના પક્ષના પ્રમુખ રાજ ઠાકરેની હાજરીમાં શહેરના એક મંદિરમાં 'હનુમાન ચાલીસા'નો પાઠ કરવાનો અને 'મહા આરતી' કરવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં (Pune) જાતિ અને ધર્મના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી પહેલેથી જ એકબીજા સાથે સંઘર્ષમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના સ્થાનિક એકમો આ પ્રસંગે તેમની તાકાત બતાવવા માટે તૈયાર છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ તેના પક્ષના પ્રમુખ રાજ ઠાકરેની હાજરીમાં શહેરના એક મંદિરમાં ‘હનુમાન ચાલીસા’નો પાઠ કરવાનો અને ‘મહા આરતી’ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે, NCPએ હનુમાન જયંતિની ઉજવણી અને ઇફ્તારનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, 2 એપ્રિલના રોજ, MNS વડાએ મહારાષ્ટ્ર સરકારને 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો આગ્રહ કર્યો હતો, જેમાં તેમણે ચેતવણી આપી હતી કે તેમની પાર્ટી મસ્જિદોની સામે લાઉડસ્પીકર લગાવશે અને ‘હનુમાન ચાલીસા’ વગાડશે. તેમણે NCP પર જાતિ આધારિત રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો. આ નિવેદનથી મુસ્લિમ સમુદાયના સભ્યોએ MNS પાર્ટી છોડતા વિવાદ સર્જાયો હતો.
જો કે, ઠાકરેએ પાછળથી MNSના સ્ટેન્ડનો બચાવ કરતા કહ્યું કે તે સાંપ્રદાયિક નથી પરંતુ સામાજિક મુદ્દો છે. MNS મહાસચિવ અજય શિંદેએ જણાવ્યું કે ઠાકરે દ્વારા કુમ્ઠેકર રોડ પર ખલકર ચોક સ્થિત હનુમાન મંદિરમાં મહા આરતી કરવામાં આવશે. આ દરમિયાન શિંદેએ કહ્યું, MNS ચીફ સાંજે 6 વાગ્યે સ્થળ પર પહોંચશે, ત્યારબાદ એક જૂથ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે.
શિંદેએ કહ્યું કે ભલે MNSના સ્ટેન્ડને દેશમાં ઘણા લોકો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે, રાજ્યની સત્તાધારી મહા વિકાસ આઘાડી (MVA) શિવસેના, NCP અને કોંગ્રેસનું ગઠબંધન હિંદુ સમુદાયના તહેવારો અને ધાર્મિક વિધિઓ પર તમામ સંભવિત નિયંત્રણો લાવવા માંગે છે.