Maharashtra: મેટ્રિમોનિયલ સાઇટ પર મળેલા ફિરંગીના પ્રેમમાં પડી યુવતી, ગીફ્ટના ચક્કરમાં લૂટાવી દીધા 62 લાખ રૂપિયા
મહારાષ્ટ્રના પુણેમાં મહિલા એચઆર મેનેજરની મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા એક યુવકની ઓળખ થઈ હતી. યુવકે પોતાને યુકેની એક કંપનીમાં એન્જિનિયર ગણાવ્યો હતો.
મહારાષ્ટ્રના પુણેમાં (Pune) એક 37 વર્ષીય મહીલા એચઆર મેનેજરને મેટ્રિમોનિયલ સાઇટ (Matrimonial Site Fraud) દ્વારા મળેલા એક વ્યક્તિએ છેતરી હતી. મહિલા સાથે 62 લાખની છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મેટ્રિમોનિયલ સાઇટ પર એક યુવકે પોતાને બ્રિટનની એક કંપનીમાં એન્જિનિયર ગણાવ્યો હતો, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થઈ અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જે બાદ યુવકે મહિલા પાસેથી 15 અલગ-અલગ એકાઉન્ટમાં 62 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ મહિલાને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગ્યું અને પછી તેણે પોલીસમાં જઈને ફરિયાદ કરી.
મામલો પુણેના વકાડ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પીડિત મહિલાએ જણાવ્યું કે મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા યુવક સાથે તેની ઓળખ થઈ હતી. જે બાદ યુવકે તેને એક મહિનામાં 15 અલગ-અલગ એકાઉન્ટમાં 62 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. આ મામલે વકાડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મેટ્રિમોનિયલ સાઇટ પર મહિલાની પ્રોફાઇલ જોયા બાદ તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. વાતચીત પ્રેમમાં ફેરવાઈ ગઈ.
યુકેથી ભેટ મોકલવાની કહી વાત
આ દરમિયાન, જે તે ઠગ વ્યક્તિએ મહિલાને કહ્યું કે તે જાન્યુઆરી 2022માં તેને મળવા ભારત આવશે. આ પહેલા તેણે મહીલાને કહ્યું કે, તેણે તેના માટે ભેટ મોકલી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુવતીને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે તેને પાર્સલ માટે કુરિયર ચાર્જ તરીકે 32,000 રૂપિયા ચૂકવવાનું કહ્યું. જે બાદ યુવતીએ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
વિદેશી હૂંડિયામણ મેળવવા માટે દંડ ભરવાનું કહ્યું
બીજા દિવસે, એક મહિલાએ તેને ફોન કર્યો અને કસ્ટમ અધિકારી તરીકે દર્શાવીને કહ્યું કે પાર્સલમાં £80,000 છે અને તેણે ભારતમાં વિદેશી હૂંડિયામણ મેળવવા માટે દંડ ભરવો પડશે. મહિલાનું કહેવું છે કે 9 ડિસેમ્બર, 2021થી 14 જાન્યુઆરી સુધી તેણે અલગ-અલગ બેંક ખાતાઓમાં 62 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. જે બાદ મહિલાને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. ત્યારબાદ તેણે પોલીસને સમગ્ર મામલાની જાણ કરી. આ કેસમાં પોલીસ હવે ફરિયાદના આધારે તપાસ કરી રહી છે.