મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) અધિકારીઓને અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનો રેકોર્ડ રાખવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીના આ નિર્દેશનો અર્થ એ લેવામાં આવી રહ્યો છે કે પ્રાંતના કારણે જ મહારાષ્ટ્રમાં આવી ઘટનાઓ વધી રહી છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray, MNS) લાંબા સમયથી પરપ્રાંતિયોની હિલચાલ પર નજર રાખવાની માંગ કરી રહ્યા છે. હવે રાજ ઠાકરેની પાર્ટી મનસે એ દાવો કર્યો છે કે રાજ્યમાં મહિલાઓ પર થતાં અત્યાચારના મામલામાં 80 ટકા પરપ્રાંતીય લોકો સામેલ છે.
મનસે નેતા શાલિની ઠાકરે મંગળવારે (14 સપ્ટેમ્બર) આ મામલે રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલને મળ્યા હતા અને તેમને એક આવેદન પણ આપ્યું. તેમણે સાકીનાકા બળાત્કાર પીડિતાને ઝડપી ન્યાય મળે તેવી માંગણી કરી અને કહ્યું કે બળાત્કારીને ફાંસીની સજા મળવી જોઈએ. આ પછી મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું કે મહિલાઓ સામે વધતા ગુનાઓમાં સામેલ 80 ટકા લોકો પરપ્રાંતીય છે.
તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેની માંગણી બાદ જ આ નિર્ણય લીધો છે. અમે આ નિર્ણયને આવકારીએ છીએ. ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણય સામે ભાજપના નેતા અતુલ ભાતખલકરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સવાલના જવાબમાં શાલિની ઠાકરેએ કહ્યું કે તેઓ મતોની રાજનીતિ કરી રહ્યા છે.
શિવસેના સાંસદ સંજય રાઉતે મુખ્યમંત્રીના નિર્દેશોને ખુલ્લો ટેકો આપ્યો છે. અમારી સહયોગી ન્યૂઝ ચેનલ Tv9 મરાઠી સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે ‘મુંબઈમાં માનસિક વિકૃતિ સંબંધિત ગુનાઓ સતત વધી રહ્યા છે. આની પાછળ એક મોટું કારણ અન્ય રાજ્યોમાંથી આવનારા લોકો છે આમાં કોઈ બે મત નથી. તેમના આવવાથી આપણી સભ્યતા, સંસ્કૃતિ અને ડેમોગ્રાફીને ચોક્કસ અસર થઈ છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને લઈને કોઈ રાજ્યનું નામ લીધુ નથી. તેઓ યુપી અને બિહારના હોય તે જરૂરી નથી. પરપ્રાંતીયો અન્ય રાજ્યોના પણ હોય છે.
એટલે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે પરપ્રાંતીયો વિરુદ્ધ વાતાવરણ ગરમાશે. અત્યારે આ મુદ્દે શિવસેના અને મનસે જેવા પક્ષો એક બાજુ દેખાઈ રહ્યા છે, પરંતુ કોંગ્રેસ અને NCP સંપૂર્ણપણે મૌન છે. આ મુદ્દે આ બંને પક્ષોના નેતાઓનું કોઈ નિવેદન આવ્યું નથી.
આ દરમિયાન અમારી સહયોગી ચેનલ Tv9 ભારતવર્ષ ડિજિટલ સાથે વાત કરતા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ગુણરત્ન સદાવર્તેએ કહ્યું છે કે જો દેશના કોઈપણ સ્થાન સાથે જોડાયેલા નાગરિકોની નોંધ માત્ર એટલા માટે કરવામાં આવે છે કે તેઓ મૂળ આ રાજ્યના નથી તો આ ભારતના બંધારણની કલમ 5નું ઉલ્લંઘન છે. ભારતમાં એકલ નાગરિકતાનો નિયમ છે. ભારતના નાગરિકતાના નિયમો અનુસાર ભારતનો નાગરિક આ દેશનો નાગરિક છે. બંધારણ અને કાયદાની દ્રષ્ટીએ તેને આ પ્રાંતનો કે પરપ્રાંતનો કહી શકાય નહીં.
બંધારણ નિષ્ણાત અને વરિષ્ઠ વકીલ ગુણરત્ન સદાવર્તે વધુમાં જણાવ્યું હતું કે પરપ્રાંતીય, જાતીય, ધાર્મિક અથવા અન્ય કોઈ ભેદભાવના આધાર પર જો અન્ય રાજ્યોમાંથી આવનારા મહેનતું લોકોને રાજ્યમાંથી બહાર મોકલવાની અથવા તેનો રેકોર્ડ રાખવાની કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જશે.
આ પણ વાંચો : કોરોના કાળમાં ગુજરાતીઓ બન્યા કરકસરીયા , 5882 કરોડ રૂપિયા બચાવ્યા, જાણો કઈ રીતે