Maharashtra : સોલાપુરમાં ગમખ્વાર અકસ્માત, દેવદર્શને જઈ રહેલા 4 ભક્તોના ઘટનાસ્થળે મોત
અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.અકસ્માતની જાણકારી મળતા જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
Maharashtra : મહારાષ્ટ્રના સોલાપુર-પુણે(Solapur-Pune Highway) રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોંડી ગામ નજીક ભક્તોને લઈ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે ઓવરલોડ ટ્રક અથડાઈ (Accident) હતી. આ ભયાનક અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત થયા હતા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા લોકો ઉસ્માનાબાદ જિલ્લાના કદમવાડી ગામના રહેવાસી હતા.
ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
14 માર્ચના રોજ એકાદશી હોવાના કારણે આ તમામ લોકો ભગવાન વિઠ્ઠલના દર્શન કરવા માટે રવિવારે રાત્રિભોજન કરીને પંઢરપુર જવા રવાના થયા હતા. આ લોકો કોંડી ગામ નજીક રાહુટી વિસ્તારમાં પહોંચ્યા કે તરત જ પાછળથી આવી રહેલી સિમેન્ટની બોરીઓ ભરેલી ટ્રકનું ટાયર ફાટ્યું. જેના કારણે ડ્રાઈવરનું સંતુલન ખોરવાઈ ગયું અને ટ્રક ટ્રેક્ટર સાથે અથડાઈ. જેના કારણે ટ્રેક્ટરની બંને ટ્રોલી પલટી મારી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને એક 12થી વધુ લોકો ઘાયલ થયા છે.
તમને જણાવી દઈએ કે, આ ટ્રેક્ટરમાં કુલ 22 લોકો સવાર હતા.અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.અકસ્માતની જાણકારી મળતા જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
આ ભયાનક અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ
આ અકસ્માતમાં તુકારામ સુદામ શિંદે (ઉંમર 13),જ્ઞાનેશ્વર દત્તાત્રય સાળુંખે (ઉંમર 14),ભગાબાઈ જરાસંદ મિસાલ (ઉંમર 60), અને જરાસંદ માધવ મિસાલ (ઉંમર 70)નુ નિધન થયુ છે.ઈજાગ્રસ્તોને સાલાપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતના કારણે લાંબા સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો.
બુલઢાણાના અકસ્માતમાં 5 લોકોના મોત
સોલાપુર બાદ બુલઢાણામાં પણ માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. આ ભયાનક અકસ્માત બુલઢાણાના રાજા ગામ દેઉલ ગામ પાસે થયો હતો. બોલેરો કારમાં સવાર ભક્તો ખામગાંવ જાલના હાઈવે પર દેવ દર્શન માટે શેગાંવ જઈ રહ્યા હતા. પરંતુ બોલેરો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 5 લોકોના મોત થયા હતા અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને દેઉલગાંવ રાજા અને જાલનાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના સોમવારે સવારે 5.30 વાગ્યે બની હતી.