‘મહારાષ્ટ્ર સરકાર પાસે 9 દિવસ બાકી છે…’, દેવેન્દ્ર ફડણવીસની મુંબઈ પોલીસ દ્વારા પુછપરછ બાદ બીજેપી પ્રદેશ અધ્યક્ષનું મોટુ નિવેદન
ચંદ્રકાંત પાટીલે કહ્યું, રાજ્ય સરકારના કૌભાંડ બહાર લાવવાનો બદલો લેવા માટે દેવેન્દ્ર ફડણવીસને જ આરોપી બનાવવાની જાળ ફેલાવવામાં આવી છે. પરંતુ દેવેન્દ્ર ફડણવીસ ફસાવાના નથી. ફડણવીસ પહોંચેલા ખેલાડી છે.
મુંબઈ સાયબર પોલીસ રવિવારે (13 માર્ચ) મહારાષ્ટ્રમાં પોલીસ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત અહેવાલો લીક થવાના મામલામાં પૂછપરછ માટે વિપક્ષી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચી હતી. ફડણવીસની 12 થી 2 વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ભાજપ તરફથી આ પુછપરછનો ભારે વિરોધ થયો હતો. મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા ફડણવીસને મોકલવામાં આવેલી નોટિસની રાજ્યભરમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. આ પુછપરછ બાદ દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેમણે રાજ્ય સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે બે દિવસ પહેલા મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સંમેલનમાં તેમણે પોલીસ અને સરકારી વકીલનો ઉપયોગ કરીને ભાજપના નેતાઓને ખોટા આરોપમાં ફસાવવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો અને સરકારમાં મંત્રીનું દાઉદ ઈબ્રાહિમ કનેક્શન સામે લાવ્યા હતા. જેના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે (Chandrakant Patil) પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
ચંદ્રકાંત પાટીલે કહ્યું, ‘રાજ્ય સરકારના કૌભાંડ બહાર લાવવાનો બદલો લેવા માટે દેવેન્દ્ર ફડણવીસને જ આરોપી બનાવવાની જાળ ફેલાવવામાં આવી છે. પરંતુ દેવેન્દ્ર ફડણવીસ ફસાવાના નથી. ફડણવીસ પહોંચેલા ખેલાડી છે. મહા વિકાસ આઘાડી સરકારે પોતાના વિશે વિચારવું જોઈએ. મહારાષ્ટ્ર સરકારનું સંમેલન પૂર્ણ થવામાં હવે માત્ર 9 દિવસ બાકી છે. વિધાનસભા સત્રના આ 9 દિવસ તેમણે પૂરા કરવાના બાકી છે.
‘તેમને માહિતી ક્યાંથી મળી? એ ન પૂછશો, તમને કેમ ન મળી? એ વિચારો’
બીજેપી પ્રદેશ અધ્યક્ષે કહ્યું, ‘દેશમાં હજુ લોકશાહી ખતમ નથી થઈ. બે દિવસથી શરૂ થયેલો આ તમાશો મહારાષ્ટ્રના 12 કરોડ લોકો જોઈ રહ્યા છે. જે વ્યક્તિએ અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગના કૌભાંડ સાથે જોડાયેલી માહિતી એકઠી કરી અને તે માહિતીને સાર્વજનિક કર્યા વિના કેન્દ્રીય ગૃહ સચિવને મોકલી, તેને આ માહિતી ક્યાંથી મળી તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
તેના બદલે, રાજ્ય સરકારે વિચારવું જોઈએ કે તેમની પાસે આ માહિતી કેમ નથી અને જો હતી તો પછી તેના પર કાર્યવાહી કેમ ન થઈ. વિપક્ષી નેતાને અમુક સ્વતંત્રતાઓ અને અધિકારો હોય છે. લોકશાહીમાં શાસક પક્ષ નિરંકુશ ન બની જાય તે માટે તેના પર નિયંત્રણ રાખવું જરૂરી છે. માહિતી ક્યાંથી મળી તે પૂછવું જરૂરી નથી.
આ પણ વાંચો : CWC Meeting: ચાર કલાક સુધી ચાલેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય, સોનિયા ગાંધી જ રહેશે અધ્યક્ષ