કોરોનાની આ બીજી લહરના સમયમાં દેશભરના અનેક રાજ્યોમાં નેતા અને અભિનેતાઓ લોકોને દવાઓ આપતા જોવા મળ્યા હતા. ત્યારે ઘણા લોકોએ એમના કામના વખાણ કર્યા હતા તો ઘણાએ સવાલ ઉઠાવ્યા હતા કે જ્યારે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર પર દવા નથી મળી રહી તો નેતા અને અભિનેતાઓ પાસે ક્યાંથી આવે છે.
આવામાં બોમ્બે હાઈકોર્ટે (bombay high court) ગુરુવારે મહારાષ્ટ્ર સરકારને આ વિષયે તપાસના આદેશ આપ્યા છે. હાઈકોર્ટે કહ્યું છે કે કોવિડ 19ના આ સમય માં જ્યારે આ દવાઓ અને ઈન્જેકશનસીમિત માત્રામાં ઉપલબ્ધ છે અને માત્ર સરકાર આ દવા અને ઈન્જેકશન ખરીદવા અધિકૃત છે તો નેતા અને અભિનેતાને જરૂરિયાતમંદ માટે આ દવાઓ ક્યાંથી મળી રહી છે.
નેતા-અભિનેતા કાનૂની માળખાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે
ન્યાયમૂર્તિ અમજદ સૈયદ અને જી.એસ. કુલકર્ણીની વેકેશન બેંચ કોવિડ -19 સંબંધિત દવાઓ અને ઈંજેક્શનોને સુવ્યવસ્થિત કરવા અને રોગચાળાને લગતા મુદ્દાઓનું યોગ્ય સંચાલન કરવા માંગતા પીઆઇએલની સુનાવણી કરી રહી છે. કોર્ટે કહ્યું કે આવી હસ્તીઓનો અન્યને મદદ કરવાનો સારો હેતુ હોઈ શકે છે. પરંતુ આ લોકો જાગૃત નથી હોતા કે તેઓ કાનૂની માળખાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.
બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે ગેરકાયદેસર ખરીદી, સંગ્રહખોરી, બ્લેક માર્કેટિંગ અને નકલી દવાઓ પ્રદાન કરવા જેવા મુદ્દાઓને નકારી કાઢવા માટે આ કેસની તપાસ થવી જોઈએ. આ મુદ્દે મહારાષ્ટ્ર સરકાર વતી અદાલતમાં હાજર થતાં એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોની દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબ પર કોર્ટે આ આદેશ આપ્યો છે.
ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી અને સોનુ સૂદને નોટીસ
સરકારી વકીલ કુંભકોનીએ કહ્યું કે આ કેસમાં રાજ્ય સરકારે કોંગ્રેસના ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી, અભિનેતા સોનુ સૂદની (Sonu Sood) ચેરીટી ફાઉન્ડેશન અને કેટલાક અન્ય લોકોને કારણદર્શક નોટિસ ફટકારી છે. તેના જવાબમાં સિદ્દીકી અને સૂદે કહ્યું છે કે તેઓએ ઇન્જેક્શન અને દવાઓ ખરીદી નથી કે ના જમા કરી છે. તેઓ દવા ઉત્પાદકો સાથે સીધા સંપર્કમાં હતા. કેટલાક કિસ્સાઓમાં, તેમણે માત્ર ચુકવણીની સુવિધા આપવાનું કામ કર્યું છે, તો કેટલાક કીસામાં વગર ચૂકવણીએ સુવિધા આપવાનું કામ કર્યું છે.
સિપ્લા અને અન્ય દવા ઉત્પાદક કંપનીને પાઠવી નોટીસ
સરકારી વકીલ કુંભકોનીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સિપ્લા અને અન્ય દવા ઉત્પાદક કંપનીને રેમેડેસિવિરના પુરવઠાના હવાલે પણ નોટિસ પાઠવી છે. આ કેસની તપાસ હજી ચાલુ છે. અમે તેના પરિણામ તરફ તપાસ આગળ લઇ જઈશું.
દવા નિર્માતા કંપનીએ સીધો સપ્લાય કર્યાનો ઇનકાર કર્યો
કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલસિંહે બેંચને જણાવ્યું હતું કે કેન્દ્ર પહેલાથી જ રેમેડેસિવિર (Remdesivir) અને અન્ય એન્ટી-કોવિડ -19 દવાઓના ઉત્પાદકોને પૂછપરછ કરી ચુકી છે. તેમણે કોઈ રાજકારણી કે અભિનેતાને સપ્લાય કરવાનો ઇનકાર કર્યો છે. આના પર કોર્ટે રાજ્ય સરકારને કહ્યું, સુદ ચેરિટી ફાઉન્ડેશને તેના જવાબમાં કહ્યું કે તેણે સિપ્લા અને અન્ય ઉત્પાદકોનો સંપર્ક કર્યો છે.
હાઈકોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રના સોગંદનામા પર ધ્યાન આપવું જોઈએ અને તેની તપાસ ચાલુ રાખવી જોઈએ. જો હસ્તીઓ કહે છે કે તે તે નિર્માતાઓ પાસેથી મળી છે, પરંતુ નિર્માતાઓએ ના પાડી દે છે, તો તેની તપાસ થવી જોઈએ.
હાઇકોર્ટે પૂછ્યું, શું આ શક્ય છે?
હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે દવાઓ માટે મોટી હસ્તીઓ ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે સીધા સંપર્કમાં હતી તે કેવી રીતે શક્ય છે? જ્યારે દવાની ફાળવણી ફક્ત કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. હાઇકોર્ટે પૂછ્યું કે શું તમારા અધિકારીઓ તેને સ્વીકારી શકે? શું આ સમભાવ છે?
આ પણ વાંચો: સુશીલ કુમારનો ચોંકાવનારો વિડીયો આવ્યો સામે, પહેલવાનને લાકડીથી મારી રહ્યા છે માર, જુઓ વિડીયો