એવા મુસ્લિમોનો બહિષ્કાર કરો… મહારાષ્ટ્રના ભગવા પરિણામો બાદ સૂર બદલીને સજ્જાદ નોમાનીએ માંગી માફી
મહારાષ્ટ્રમાં 'વોટ જેહાદ'નો ફતવો બહાર પાડનાર અને ભાજપને વોટ ના આપવાની અપીલ કરનાર મૌલાના સજ્જાદ નોમાનીનો સૂર અચાનક જ બદલાઈ ગયો છે. ભાજપની બમ્પર જીત બાદ મૌલાના સજ્જાદ નોમાનીએ પોતાના અગાઉના વિવાદાસ્પદ નિવેદન માટે જાહેરમાં માફી માંગી છે. સજ્જાદે કહ્યું કે, તેમનું નિવેદન કોઈ સમાજ વિરુદ્ધ નથી કે કોઈ પણ રીતે ફતવો નથી. હું મારા શબ્દો પાછા લઉં છું અને બિનશરતી માફી માંગું છું.
મહારાષ્ટ્રમાં ભાજપની બમ્પર જીત બાદ, ઓલ ઈન્ડિયા એકતા ફોરમના પ્રમુખ અને ઈસ્લામિક ઉપદેશક મૌલવી સજ્જાદ નોમાનીના સૂર એકાએક બદલાઈ ગયા છે. તેમણે મહારાષ્ટ્રમાં ભાજપને સમર્થન કરતા મુસ્લિમોનો બહિષ્કાર કરવાના તેમના નિવેદન બદલ જાહેરમાં માફી માંગી છે.
સજ્જાદે કહ્યું કે, મારું નિવેદન કોઈ સમાજ વિરુદ્ધ નથી કે કોઈ પણ પ્રકારે ફતવો નથી. તેમ છતાં જો કોઈની લાગણી દુભાઈ હોય તો હું મારા શબ્દો પાછા ખેંચી લઈ લઉં છું અને બિનશરતી માફી માંગુ છું. મૌલાના સજ્જાદ નોમાની આ અંગે એક વિગતવાર માફી પત્ર લખ્યો છે.
સજ્જાદ નોમાનીએ કહ્યું કે ભાજપને સમર્થન કરતા મુસ્લિમોનો બહિષ્કાર કરવાના મારા નિવેદનની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. મારું આ નિવેદન લોકસભા ચૂંટણી પહેલા સપ્ટેમ્બર 2024નું છે. મેં આ નિવેદન ખાસ સંદર્ભમાં ઘણા લોકોના પ્રશ્નોના જવાબમાં આપ્યું હતું. આ એવા લોકો હતા, જેમને લોકસભાની ચૂંટણીમાં મત આપવાનો તેમનો મૂળભૂત અધિકાર મેળવવાથી રોકવામાં આવ્યા હતા.
મારું આ નિવેદન એવા લોકો માટે હતું જેઓ ભારતના સામાન્ય નાગરિકને તેમના બંધારણીય મતદાનના અધિકારથી રોકી રહ્યા હતા. મારું આ નિવેદન કોઈ સમાજ માટે નહોતું અને ના તો કોઈ પ્રકારનો ફતવો હતો. મારા નિવેદનથી જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેના માટે માફી માંગુ છું.
મૌલાન સજ્જાદ નોમાનીએ શું કહ્યું?
મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મૌલાન સજ્જાદ નોમાનીએ કહ્યું હતું કે, અમે 269 બેઠકો પર મહા વિકાસ અઘાડીના ઉમેદવારોને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. એક વીડિયોમાં મૌલાના સજ્જાદ નોમાનીએ ભાજપને વોટ ના આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તમે લોકો ભાજપનો બહિષ્કાર કરો.
સજ્જાદે કહ્યું કે, જો તમારા વિસ્તારમાં કોઈ બીજેપીને વોટ આપે છે તો તેનો દરેક જગ્યાએથી બહિષ્કાર કરો. તેના હુક્કા પાણી બંધ કરો. નોમાનીએ વધુમાં કહ્યું કે જો મહારાષ્ટ્રમાં ભાજપની હાર થશે તો દિલ્હીની સરકાર લાંબો સમય ટકશે નહીં. જિહાર મરકઝને મત આપો અને તમે લોકોએ મહા વિકાસ અઘાડીને સમર્થન આપવું જોઈએ. ઉદ્ધવ, શરદ, રાહુલ અને નાના પટોલેને સમર્થન આપો. સજ્જાદે આ નિવેદન આપ્યા બાદ મહારાષ્ટ્રમાં ભારે હોબાળો મચ્યો હતો.