ભારતના ઓપરેશન સિંદૂરથી ડર્યા પાકિસ્તાની આતંકી સંગઠનો, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીને બદલી નાખ્યાં ઠેકાણા
ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાની આતંકવાદી સંગઠનોના મુખ્યાલયોને ઠેકાણે પાડ્યા બાદ, આતંકી સંસ્થાઓ હવે તેમના ઠેકાણાઓ POK થી ખૈબર પખ્તુનખ્વામાં ખસેડવાનું શરૂ કરી દીધું છે. સંરક્ષણ ક્ષેત્રના સૂત્રો માને છે કે, ઓપરેશન સિંદૂર પછી આતંકવાદી સંગઠનો હવે POK ને સલામત આશ્રયસ્થાન માનતા નથી. પાકિસ્તાની સરકારી એજન્સીઓ આ પ્રયાસમાં આતંકવાદીઓને મદદ કરી રહી છે.

ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકી સંગઠનોના મુખ્યાલયો ઉપર ઓપરેશન સિંદૂર દ્વારા કરેલ મિસાઈલ-બોમ્બમારાથી પાકિસ્તાની આતંકવાદી જૂથો ડરી ગયા છે. પાકિસ્તાનમાં સરકાર આશ્રિત જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીને તેમના ઠેકાણા બદલી નાખ્યાં છે. સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના આતંકી સંગઠનો હવે POK થી ખૈબર પખ્તુનખ્વા ખાતે તેમના ઠેકાણા ખસેડી રહ્યા છે. પાકિસ્તાની સરકારી એજન્સીઓ આતંકી સંસ્થાઓને સુરક્ષિત ક્ષેત્ર પ્રદાન કરવાના પ્રયાસમાં તમામ રીતે મદદ કરી રહી છે.
સંરક્ષણના સૂત્રો કહે છે કે, આતંકવાદી સંગઠનોનો આ નિર્ણય સૂચવે છે કે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હુમલા પછી તેઓ હવે POK ને સલામત આશ્રયસ્થાન માનતા નથી. તેથી, તેઓએ ત્યાંથી ખૈબર પખ્તુનખ્વામાં તેમના ઠેકાણા ખસેડવાનું શરૂ કરી દીધું છે. અફઘાનિસ્તાન સાથેના ગાઢ સંબંધોને કારણે, તેઓ આ સ્થળને વધુ સુરક્ષિત માને છે.
પાકિસ્તાન સરકાર મદદ કરી રહી છે
એક સૂત્રએ જણાવ્યું હતું કે, પ્રાપ્ત માહિતી દર્શાવે છે કે પાકિસ્તાની સરકારી એજન્સીઓ આ કાર્યમાં આતંકવાદી સંગઠનોને મદદ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જૈશ-એ-મોહમ્મદે તાજેતરમાં અનેક મેળાવડા યોજ્યા હતા. પોલીસે આ મેળાવડા માટે સુરક્ષા પૂરી પાડી હતી. વધુમાં, જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI) જેવા રાજકીય-ધાર્મિક સંગઠનોએ પણ આ મેળાવડામાં પરોક્ષ ભૂમિકા ભજવી હતી. પ્રાપ્ત માહિતી ભારતીય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા દસ્તાવેજનો ભાગ છે.
ભારતીય સેનાએ અનેક સ્થળોને ખેદાનમેદાન કર્યા
ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ બહાવલપુર, મુરીદકે, મુઝફ્ફરાબાદ અને અન્ય ઘણા સ્થળો સહિત અનેક આતંકવાદી સંગઠનો અને કેમ્પોનો નાશ કર્યો. તાજેતરમાં, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના એક ટોચના કમાન્ડરે સ્વીકાર્યું હતું કે, 7 મેના રોજ ભારતના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો ભારે નાશ થયો હતો. આ હુમલામાં સંગઠનના વડા મસૂદ અઝહરના પરિવારનો પણ નાશ થયો હતો. લશ્કર કમાન્ડરે જણાવ્યું હતું કે તે હવે આ સંગઠનોનું પુનર્નિર્માણ કરશે અને તેમને વધુ મોટા બનાવશે.
હકીકતમાં, એક પાકિસ્તાની આતંકવાદી જૂથે પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો, જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા. આ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ, સેનાએ પોતાના દેશમાં બેસીને એક પાકિસ્તાની આતંકવાદી સંગઠનને નિશાન બનાવીને તેનો નાશ કર્યો.
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂરે આતંકવાદી મસૂદ અઝહરના પરિવારજનોના ટુકડે ટુકડે કર્યા, જૈશના કમાન્ડરે સ્ટેજ પરથી કરી કબૂલાત