ઓપરેશન સિંદૂરે આતંકવાદી મસૂદ અઝહરના પરિવારજનોના ટુકડે ટુકડે કર્યા, જૈશના કમાન્ડરે સ્ટેજ પરથી કરી કબૂલાત
પાકિસ્તાનમાં એક સ્ટેજ પરથી, ઓપરેશન સિંદૂરના 5 મહિના બાદ, ઇલ્યાસ કાશ્મીરીએ મસૂદના પરિવારજનોના મોત વિશે કબૂલાત કરી હતી. ઇલ્યાસના મતે, ઓપરેશન સિંદૂરમાં મસૂદના પરિવારજનોના ટુકડા થઈ ગયા હતા. તે રાત્રે પરિવારના બધા સભ્યો માર્યા ગયા હતા. ઇલ્યાસને આતંકી મસૂદ અઝહરનો નજીકનો સાથીદાર માનવામાં આવે છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાની સ્ટ્રાઇકમાં જૈશ એ મહમદના આતંકવાદી મસૂદ અઝહરના પરિવારજનોના ટુકડા થઈ ગયા હતા. ઓપરેશન સિંદૂરના 5 મહિના બાદ, અઝહર મસૂદના નજીકના સાથીદાર એવા મસૂદ ઇલ્યાસ કાશ્મીરીએ આ ખુલાસો જાહેરમાં કર્યો છે. ઇલ્યાસ કહે છે કે 7 મેની રાત્રે, મસૂદના પરિવારજનો બહાવલપુરમાં સૂઈ રહ્યાં હતા. એર સ્ટ્રાઇકમાં પરિવારજનોના ટુકડા થઈ ગયા હતા.
પાકિસ્તાનમાં એક ધાર્મિક રેલી દરમિયાન ઇલ્યાસ કાશ્મીરીએ આ વાતો કહી હતી. ઇલ્યાસ કાશ્મીરી જૈશ એ મહોમદની પ્રચાર શાખાનો વડા છે અને તેને મસૂદ અઝહરનો નજીકનો સાથીદાર માનવામાં આવે છે. મસૂદની સાથે, ઇલ્યાસ પણ મુસ્લિમ યુવાનોનું બ્રેઈનવોશ પણ કરે છે. ઇલ્યાસ કાશ્મીરી પણ NIAની યાદીમાં ટોચનો આતંકવાદી છે.
પરિવારના 14 સભ્યો માર્યા ગયા
પહેલગામના બૈસરનમાં આતંકી હુમલા બાદ ભારતીય સૈન્યે હાથ ધરેલ ઓપરેશન સિંદૂરની 7 મેની રાત્રે પાકિસ્તાનના બહલપુર સ્થિત મદરેસા પર હુમલો કર્યો હતો. આ મદરેસા જૈશ એ મહોંમદ આતંકી સંસ્થાના નેતા મસૂદ અઝહરનું છે. મસૂદના પરિવારના 14 સભ્યો મદરેસાની અંદર સૂતા હતા. તે બધા જ માર્યા ગયા. આ પછી, મસૂદે એક પત્ર જાહેર કર્યો હતો.
મસૂદે એ પત્રમાં લખ્યું હતું કે, હું હવે જીવવા માંગતો નથી. પાકિસ્તાની મીડિયા અનુસાર, ઓપરેશન સિંદૂરના હવાઈ હુમલામાં મસૂદની મોટી બહેન અને બનેવી પણ માર્યા ગયા હતા.
મસૂદ અઝહર સતત ભૂગર્ભમાં
ઓપરેશન સિંદૂર હાથ ધરાયા બાદ મસૂદ અઝહર ભૂગર્ભમાં જતો રહ્યો છે. મસૂદ અઝહરને કોઈ શોધી શક્યું નથી. તાજેતરમાં, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે, તેમની ધરતી પર કોઈ આતંકવાદી નથી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ તો એવુ હાસ્યાસ્પદ નિવેદન કર્યું હતું કે, મસૂદ અઝહર જેવા આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં છુપાયેલા હોઈ શકે છે. જોકે, અફઘાનિસ્તાને આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
ઓપરેશન સિંદૂર
2025ના એપ્રિલ મહિનાની 22 તારીખે, લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની મુસ્લિમ આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરનમાં 26 નિર્દોષ લોકોને તેમના ધર્મ પુછી પુછીને હત્યા કરી હતી. ત્યારબાદ ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. આ અંતર્ગત, પાકિસ્તાનમાં આતંકની ફેકટરી સમાન 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો.
આમાં લશ્કર એ તૈયબા અને જૈશ એ મહંમદના મુખ્ય ઠેકાણાઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારત સરકારના મતે, આ કાર્યવાહી હજુ પણ ચાલુ છે.