Mouth breathing : મો વડે શ્વાસ લેવાથી ફેફસાંને અસર થાય ? આજે જ જાણી લો
નાકને બદલે મોં દ્વારા શ્વાસ લેવાની આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નાક હવાને ફિલ્ટર, ગરમ અને ભેજવાળી કરીને ફેફસાં સુધી પહોંચાડે છે. ત્યારે તમને ચોક્કસ પ્રશ્ન થશે કે, શું મો વડે શ્વાસ લેવાથી કોઇ નુકસાન થાય ખરું ?

કેટલાક લોકો ક્યારેક નાકની બદલે મોં દ્વારા શ્વાસ લે છે. સામાન્ય રીતે આપણું શરીર નાક દ્વારા શ્વાસ લેવા માટે રચાયેલ છે, કારણ કે નાક હવામાં રહેલા ધૂળકણો, જીવાણુઓ અને અન્ય કણોને ફિલ્ટર કરે છે. પણ જ્યારે નાક બંધ હોય, શરદી કે એલર્જી હોય, અથવા સાઇનસમાં અવરોધ થાય ત્યારે લોકો મોં દ્વારા શ્વાસ લેવાનું શરૂ કરે છે. શરૂઆતમાં આ શરીરની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટેનું એક સ્વાભાવિક પ્રતિભાવ છે, પરંતુ જો આ આદત વારંવાર કે લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અજિત કુમાર કહે છે કે મોં દ્વારા શ્વાસ લેવાની આદત ફેફસાં પર નકારાત્મક અસર કરી શકે છે. નાક માત્ર હવામાંથી ઓક્સિજન લેવાનું સાધન નથી, પણ તે કુદરતી ફિલ્ટર તરીકે કાર્ય કરે છે — હવામાં રહેલી ધૂળને દૂર કરે છે, હવાને ભેજયુક્ત અને ગરમ બનાવીને ફેફસાં સુધી પહોંચાડે છે. જ્યારે કોઈ વ્યક્તિ મોં દ્વારા શ્વાસ લે છે, ત્યારે આ પ્રક્રિયા અવરોધિત થાય છે અને અશોધિત, ઠંડી અને શુષ્ક હવા સીધા ફેફસાંમાં પ્રવેશે છે.
આ કારણથી વાયુમાર્ગમાં ચીડ અને બળતરા વધે છે, જેના કારણે સતત ખાંસી, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઊંઘમાં ખલેલ અને વારંવાર થતો શ્વાસનો ચેપ જોવા મળે છે. ખાસ કરીને અસ્થમા અથવા એલર્જી ધરાવતા લોકો માટે આ સ્થિતિ વધુ નુકસાનકારક બની શકે છે. મોં દ્વારા શ્વાસ લેતા લોકોમાં સવારે ગળું સૂકાઈ જવું, માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓ સામાન્ય બને છે.
તેને કેવી રીતે રોકી શકાય?
-
જો નાક બંધ રહેતું હોય તો ગરમ પાણીની વરાળ લો, જેથી નાક ખુલ્લું રહે.
-
સૂતી વખતે ઓશીકાને થોડું ઉંચું રાખો, જેથી શ્વાસ લેવું સરળ બને.
-
એલર્જી, સાઇનસ કે અન્ય શ્વાસ સંબંધિત તકલીફ હોય તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો.
-
દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાનું ચાલુ રાખો, જેથી ગળું સૂકાય નહીં.
નાક દ્વારા શ્વાસ લેવું ફક્ત સ્વાભાવિક જ નહીં, પણ શરીર માટે વધુ સુરક્ષિત પણ છે. તેથી જો તમને વારંવાર મોં દ્વારા શ્વાસ લેવાની આદત હોય, તો તેના કારણો શોધીને યોગ્ય સારવાર લેવી ખૂબ જરૂરી છે.
