વકફ બોર્ડ હવે કોઈપણ મિલકતને વકફ મિલકત તરીકે જાહેર કરી શકશે નહીં. કેન્દ્ર સરકાર વકફ બોર્ડને લઈને મોટું પગલું ભરવા જઈ રહી છે. મીડિયા અહેવાલ મુજબ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વકફ કાયદામાં 40 ફેરફારો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો વકફ બોર્ડ કોઈ મિલકત પર દાવો કરે તો તેનું વેરિફિકેશન ફરજિયાત રહેશે.
આ સિવાય વકફ બોર્ડ અને કોઈ વ્યક્તિ વચ્ચે કોઈ મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો તેનું વેરિફિકેશન પણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે વકફ એક્ટમાં ફેરફારને લઈને સંસદમાં વકફ (સુધારા) બિલ, 2024 રજૂ કર્યું છે. લોકસભાએ તેને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યું છે, જેની ચાર બેઠકો યોજાઈ છે. હવે પક્ષોના અભિપ્રાય જાણવાનો સમય આવી ગયો છે. આ માટે 18મીથી 20મી સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ જેપીસીની બેઠકો યોજાશે.
સંસદ ભવનના સંકુલમાં યોજાનારી બેઠકમાં લઘુમતી બાબતોના મંત્રાલયના અધિકારીઓ બિલ પર પોતાનો અભિપ્રાય આપશે. વિવિધ હિસ્સેદાર જૂથો અને નિષ્ણાતો પછી તેમના મંતવ્યો અને ભલામણો વિશે સલાહ લેવામાં આવશે. વિપક્ષી દળોએ બિલનો વિરોધ કરવા અને સંસદના આગામી સત્રમાં તેને સમર્થન નહીં આપવાનું સંકલ્પ લીધો છે, જેના પગલે તેને જેપીસીમાં મોકલવામાં આવ્યું હતું. સમિતિએ આગામી સત્ર પહેલા લોકસભાના અધ્યક્ષને પોતાનો રિપોર્ટ સોંપવાનો છે.
વકફ એક અરબી શબ્દ છે, જેનો અર્થ થાય છે ખુદાના નામે સમર્પિત વસ્તુ અથવા પરોપકાર માટે આપવામાં આવેલ પૈસા. જંગમ અને સ્થાવર બંને મિલકતો તેના કાર્યક્ષેત્રમાં આવે છે. કોઈપણ મુસ્લિમ વ્યક્તિ વકફમાં કોઈપણ વસ્તુ દાન કરી શકે છે, જેમકે જમીન, મકાન, પૈસા અથવા અન્ય કોઈ કિંમતી વસ્તુ આપી શકે છે. આ મિલકતોની જાળવણી અને સંચાલનની જવાબદારી માટે સ્થાનિક સ્તરેથી રાષ્ટ્રીય સ્તર સુધી વકફ સંસ્થાઓ કામ કરે છે.
ઇસ્લામના નિષ્ણાતોના મતે, વકફ બોર્ડને દાનમાં અપાતી મિલકતનો હેતુ ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો તેમના શિક્ષણ, બાંધકામ, મસ્જિદોના સમારકામ અથવા જાળવણી અને અન્ય સખાવતી કાર્યોની વ્યવસ્થા કરવાનો છે. ભારતની વકફ એસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ અનુસાર દેશમાં કુલ 30 વકફ બોર્ડ છે. તેમનું મોટા ભાગનું મુખ્યાલય દિલ્હીમાં છે. કેન્દ્ર સરકારની સેન્ટ્રલ વકફ કાઉન્સિલ આ વકફ બોર્ડ સાથે સંકલનમાં રહીને કામ કરે છે.
વર્ષ 1954માં જવાહરલાલ નહેરુની સરકાર દરમિયાન વકફ એક્ટ (વકફ એક્ટ 1954) પસાર કરવામાં આવ્યો હતો, જેનો હેતુ વકફ સંબંધિત કામને સરળ બનાવવાનો અને વિવિધ જોગવાઈઓ કરવાનો હતો. આ કાયદામાં દાવાથી લઈને વકફ મિલકતની જાળવણી સુધીની જોગવાઈઓ છે. આ કાયદામાં આપવામાં આવેલી જોગવાઈઓ અનુસાર, કેન્દ્રીય વકફ બોર્ડની રચના વર્ષ 1964માં લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. એક રીતે તે વકફ બોર્ડની કામગીરીના મામલામાં કેન્દ્ર સરકારને સલાહ આપે છે.
વર્ષ 1995માં વકફ એક્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા અને દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વકફ બોર્ડની રચના કરવાની પરવાનગી આપવામાં આવી હતી.
વકફ બોર્ડની મિલકતો અંગેના વિવાદો નવા નથી. અંગ્રેજોના સમયથી લડાઈ ચાલી રહી છે. વકફ મિલકતના કબજા અંગેનો વિવાદ બ્રિટિશ શાસન દરમિયાન એટલો વધી ગયો હતો કે તે લંડનમાં પ્રિવી કાઉન્સિલ સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ બ્રિટનમાં 4 જજોની બેન્ચે વકફને ગેરકાયદેસર જાહેર કર્યું હતું. જો કે, આ નિર્ણયને બ્રિટિશ ભારતની સરકારે સ્વીકાર્યો ન હતો. મુસ્લિમોએ વકફ વેલિડેટીંગ એક્ટ 1913 લાવીને વકફ બોર્ડને બચાવ્યું હતું.
વકફ બોર્ડ જમીન મામલે રેલવે અને સેના એટલે કે રક્ષા મંત્રાલય બાદત્રીજા સ્થાને છે. આંકડા મુજબ વકફ બોર્ડ પાસે લગભગ 9.4 લાખે એકર જમીન છે. વર્ષ 2009માં આ જમીન 4 લાખ એકર હતી, જે થોડા વર્ષોમાં બમણી થઈ ગઈ છે. આ જમીનોમાં મોટાભાગે કબ્રસ્તાનો, મસ્જિદો અને મદરેસા આવેલા છે. ગયા વર્ષે લઘુમતી મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે ડિસેમ્બર 2022 સુધી વકફ બોર્ડ પાસે કુલ 8 લાખથી વધુ સ્થાવર મિલકતો હતી.
મુસ્લિમ શાસન દરમિયાન વકફ બોર્ડને મોટાભાગની મિલકતો મળી હતી. દિલ્હી સલ્તનતની સ્થાપના સાથે વકફ મિલકતો હસ્તગત કરવાનું ચાલુ રાખ્યું. મુઘલોના શાસન દરમિયાન પણ વકફ સંસ્થાઓને મસ્જિદો, મદરેસાઓ અને કબ્રસ્તાનો માટે પુષ્કળ જમીન મળી હતી. આ સિવાય 1947માં ભાગલા વખતે પાકિસ્તાન ગયેલા તમામ મુસ્લિમોએ પણ વકફમાં પોતાની સંપત્તિ દાનમાં આપી દીધી હતી.
વકફ પ્રોપર્ટી (વકફ બોર્ડ પ્રોપર્ટી) અંગે વારંવાર વિવાદો ઉભા થતા રહે છે. સૌથી મોટો વિવાદ વકફ બોર્ડને આપવામાં આવેલા અધિકારોને લઈને છે. વકફ બોર્ડને કોઈપણ મિલકતની તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે અને જો તે કોઈ મિલકતનો દાવો કરે તો તેને ઉલટાવવો મુશ્કેલ બની જાય છે. વકફ એક્ટની કલમ 85 જણાવે છે કે બોર્ડના નિર્ણયને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં પડકારી શકાય નહીં.
થોડા સમય પહેલા બીજેપી નેતા હરનાથસિંહે આરોપ લગાવ્યો હતો કે તમિલનાડુમાં સ્ટેટ વકફ બોર્ડે તિરુચિરાપલ્લી જિલ્લાના એક આખા ગામને માલિકી હક્ક આપી દીધા છે. મહારાષ્ટ્રના સોલાપુર અને ઉત્તર પ્રદેશમાં પણ આવા કિસ્સા સામે આવ્યા હતા. જેમાં વકફ બોર્ડે મોટાપાયે મિલકતો પર દાવો કર્યો હતો. જે બાદ યુપીમાં યોગી સરકારે તમામ વકફ મિલકતોની તપાસ કરવા આદેશ જારી કર્યો હતો, પરંતુ સર્વેના પરિણામો જાહેર થઈ શક્યા નથી.
વકફ બોર્ડ જ્યાં પણ કબ્રસ્તાનને વાડ કરે છે, ત્યારે તે તેની આસપાસની જમીનને વકફની મિલકત તરીકે જાહેર કરે છે. કાયદો ચોક્કસપણે કહે છે કે વક્ફ ખાનગી મિલકતને પોતાની તરીકેનો દાવો કરી શકતી નથી, પરંતુ મિલકત ખાનગી છે કે નહીં તે નક્કી કરવું મુશ્કેલ છે. જમીન માટે નક્કર દસ્તાવેજોની ગેરહાજરીમાં મિલકત અન્ય પક્ષને જાય છે, જ્યારે વક્ફને તેનો મુદ્દો સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ પ્રદાન કરવાની જરૂર નથી.
કેન્દ્રની મોદી સરકાર વકફ એક્ટમાં મોટા સુધારા કરવા જઈ રહી છે. સરકારે 8 ઓગસ્ટે લોકસભામાં વકફ (સુધારા) બિલ, 2024 અને મુસ્લિમ વક્ફ (નાબૂદી) બિલ, 2024 રજૂ કર્યા હતા. આ વિધેયકોનો ઉદ્દેશ વકફ બોર્ડની કામગીરીમાં સુધારો કરવાનો અને વકફ મિલકતોનું કાર્યક્ષમ સંચાલન સુનિશ્ચિત કરવાનો છે. લઘુમતી બાબતોના મંત્રાલયના એક નિવેદન અનુસાર, આ બિલનો ઉદ્દેશ વકફ સંપત્તિના નિયમન અને સંચાલનમાં આવતી સમસ્યાઓ અને પડકારોને દૂર કરવા માટે વકફ એક્ટ, 1995માં સુધારો કરવાનો છે.