તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની કઈ ટ્રેન સૌથી લાંબા અંતરની ટ્રેન છે ? ભારતની વાત કરીએ તો, ડિબ્રુગઢ-કન્યાકુમારી વિવેક એક્સપ્રેસ ભારતમાં સૌથી લાંબા અંતરની ટ્રેન છે. આ ટ્રેન 72 કલાકમાં તેની સફર પૂરી કરે છે, પરંતુ આજે અમે તમને દુનિયાની એક એવી ટ્રેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 3 દેશોમાંથી પસાર થાય છે. ત્યારે આ લેખમાં તેના વિશે જાણીશું.
રશિયાના મોસ્કો શહેર અને ઉત્તર કોરિયાના પ્યોંગયાંગ શહેર વચ્ચે દોડતી ટ્રાન્સ સાઇબેરીયન ટ્રેન વિશ્વની સૌથી લાંબા અંતરની ટ્રેન છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે 7 દિવસનો સમય લાગે છે. એકવાર આ ટ્રેન તેની મુસાફરી શરૂ કરે છે, તે 7 દિવસ 20 કલાક 25 મિનિટ પછી જ તેના ગંતવ્ય સ્થાને ઉભી રહે છે. ખાસ વાત એ છે કે આ ટ્રેન પોતાની મુસાફરી દરમિયાન 3 દેશોના 142 સ્ટેશનો અને 87 શહેરોમાંથી પસાર થાય છે.
તમને જણાવી દઈએ કે ટ્રાન્સ-સાઇબેરીયન ટ્રેન 10,214 કિલોમીટરનું અંતર કાપે છે, જેને પૂર્ણ કરવા માટે ટ્રેનને 16 નદીઓ, 87 શહેરો, પર્વતો, જંગલો અને બરફના મેદાનોમાંથી પસાર થવું પડે છે. આ ટ્રેનમાં પ્રવાસ દરમિયાન સુંદર કુદરતી દ્રશ્યો જોવાનો મોકો પણ મળે છે. આ ટ્રેન 1916માં શરૂ કરવામાં આવી હતી.
આ ટ્રેન સૌપ્રથમ ઉત્તર કોરિયાથી રશિયાના મોસ્કો સુધી આવતા મુસાફરોને રશિયાના વ્લાદિવોસ્તોક સુધી લાવે છે. ત્યાંથી આવતી ટ્રેન વ્લાદિવોસ્તોકથી મોસ્કો જતી ટ્રેન સાથે જોડાય છે. મતલબ કે ઉત્તર કોરિયાના પ્યોંગયાંગથી આવતા મુસાફરોએ ક્યાંય પણ કોચ બદલવાની કે ટ્રેન બદલવાની જરૂર નથી. આ ટ્રેન રશિયાથી મંગોલિયા અને બેઇજિંગને પણ જોડે છે. આ ટ્રેન સાઇબિરીયાની વસ્તી વધારવા અને આર્થિક વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી, જે વિશ્વની સૌથી લાંબી મુસાફરી કરનારી ટ્રેન બની ગઈ છે.