આજકાલના લોકો કારના ઘણા શોખીન હોય છે. આથી લોકો કાર ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. અને હવે તો મોટાભાગના લોકો પાસે પોતાની કાર હોય છે. ત્યારે તમે ક્યાંક લોન્ગ ડ્રાઈવ પર જવા માંગતા હોવ તો પોતાનીમાં તમે ખૂબ જ આરામથી મુસાફરી કરી શકો છો. કારમાં ત્રણ વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પહેલું છે એક્સિલરેટર, જે વાહનની ઝડપ વધારે છે. બીજો બ્રેક , કે જેનો ઉપયોગ વાહનને ઝડપથી રોકવા માટે થાય છે અને ત્રીજું ક્લચ છે, જે એક્સિલરેટર અને બ્રેક વચ્ચે કડીનું કામ કરે છે. તેના વગર કોઈપણ ગિયરવાળા વાહનમાં એક્સિલરેટર અને બ્રેક્સ નિરર્થક બની જાય છે. એવું કહેવાય છે કે જો કાર સ્પીડ પર હોય તો તમારે ક્યારેય ક્લચ દબાવીને બ્રેક ન લગાવવી જોઈએ. તમે પણ આ સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેને આવું કેમ કહેવામાં આવે છે ? જાણો કારણ અને વધારો તમારુ નોલેજ.
ક્લચનો ઉપયોગ ગિયરને જોડવા અથવા છૂટા કરવા માટે થાય છે. કાર, બાઇક અથવા કોઈપણ વાહનમાં ક્લચની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે જો વાહનનો ક્લચ બરાબર કામ નહીં કરે તો તમે કાર ચલાવી શકશો નહીં. વાહનમાં ક્લચનું કામ એન્જિનમાંથી આવતા પાવરને કાપી નાખવાનું છે. જો ક્લચ યોગ્ય રીતે કામ ન કરી રહ્યું હોય તો એન્જિનમાંથી આવતી પાવરને કાપવામાં મુશ્કેલી પડશે અને કારને ચાલુ કરવી કે ચાલતી કારને રોકવામાં મુશ્કેલી પડશે. બજારમાં વાહન ચલાવતી વખતે, ક્લચ વાહનની ઝડપને નિયંત્રિત કરવામાં ઘણી મદદ કરે છે. ત્યારે ક્લચ દબાવીને બ્રેક કેમ ન લગાવવા પાછળ શું છે કારણ તે સમજીયે.
કાર બંધ ન થાય તે માટે, સામાન્ય રીતે મોટાભાગના લોકો ક્લચ દબાવીને બ્રેક લગાવે છે. જો કે, વધુ ઝડપે અને ઢોળાવ પરથી ઉતરતી વખતે આવું કરવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તમે ટુ વ્હીલર પર હોવ કે ફોર વ્હીલર પર, ધારો કે તમે 30 કે 40 ની સ્પીડે ઉંચા ઢોળાવ પરથી નીચે આવી રહ્યા છો, પરંતુ અચાનક જો તમે ક્લચ દબાવો તો તમારી કારની સ્પીડ અચાનક 60 – 70 સુધી વધી શકે છે અને તે ધીમે ધીમે વધશે. આ સાથે વાહન, નિયંત્રણ બહાર પણ જઈ શકે છે. કારણ કે ક્લચ દબાવવાથી કારના પૈડાં ગિયર્સની મજબૂત પકડમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે, તેથી ઢોળાવ પર આવું કરવાથી કારની ઝડપ વધી જશે.
આ સ્થિતિમાં વાહનની બ્રેક પણ ફેલ થઈ શકે છે. ઢોળાવ પર હોવાને કારણે, એવું વિચારો કે તમે કારને વેગ આપી રહ્યા છો અને તે જ સમયે બ્રેક લગાવી રહ્યા છો. એટલા માટે તમારે ઢોળાવ અથવા પર્વતો પર ક્લચ દબાવીને ક્યારેય બ્રેક ન લગાવવી જોઈએ. તમે પહેલા બ્રેક લગાવીને વાહનની ગતિ ધીમી કરો અને જરૂર પડે તો ક્લચ દબાવો.
બીજી તરફ, જો તમે સપાટ રોડ પર હોવ અને વાહનની સ્પીડ ઘણી વધારે હોય, તો ક્લચ દબાવવાથી અને બ્રેક લગાવવાથી સ્કિડિંગ થવાનું જોખમ રહેલું છે. જો કે, ક્લચનો વધુ પડતો ઉપયોગ વાહનના માઇલેજ પર પણ ખરાબ અસર કરે છે. તેથી જ તેનો ઉપયોગ ખૂબ જ સમજદારીથી કરવો જોઈએ.