FIRમાં ભગતસિંહનું નામ નહોતું, છતાં તેમને ફાંસી કેમ આપવામાં આવી ?
1928માં બ્રિટિશ પોલીસ ઓફિસર જોન સોન્ડર્સની હત્યા બાદ નોંધાયેલી FIRમાં શહીદ ભગતસિંહનું નામ નહોતું. ભગતસિંહને ફાંસી આપ્યાના 83 વર્ષ બાદ લાહોર પોલીસને આ FIR મળી હતી. ત્યારે આ કેસમાં આ મહાન સ્વાતંત્ર્ય સેનાનીને ખોટી રીતે ફસાવીને ફાંસી આપી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો હતો.
આઝાદ ભારતમાં ગુલામ ભારતની ફાઈલો ખુલી રહી છે. એક દાયકા પહેલા એવી સત્ય ઘટના સામે આવી હતી, જેનાથી ક્રાંતિકારીઓનું લોહી ઉકળી ઉઠ્યું અને સામાન્ય લોકો પણ ચોંકી ગયા હતા. જે બ્રિટિશ પોલીસ ઓફિસરની હત્યામાં શહીદ ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી. તે કેસની FIRમાં શહીદ ભગતસિંહનું નામ ના હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે આ લેખમાં જાણીશું કે, FIRમાં શહીદ ભગતસિંહનું નામ નહોતું, છતાં કેમ તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી.
1928માં બ્રિટિશ પોલીસ ઓફિસર જોન સોન્ડર્સની હત્યા બાદ નોંધાયેલી FIRમાં શહીદ ભગતસિંહનું નામ નહોતું. ભગતસિંહને ફાંસી આપ્યાના 83 વર્ષ બાદ લાહોર પોલીસને આ FIR મળી હતી. ત્યારે આ કેસમાં આ મહાન સ્વાતંત્ર્ય સેનાનીને ખોટી રીતે ફસાવીને ફાંસી આપી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો હતો.
આ ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના પ્રમુખ ઈમ્તિયાઝ રાશિદ કુરેશીએ તત્કાલિન એસએસપી જોન સોન્ડર્સની હત્યાના કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરની વેરિફાઈડ કોપી માંગી હતી. કોર્ટના આદેશ પર લાહોર પોલીસે અનારકલી પોલીસ સ્ટેશનના રેકોર્ડની સંપૂર્ણ તપાસ કરી અને સોન્ડર્સ હત્યા કેસની એફઆઈઆર શોધવામાં સફળતા મેળવી.
FIRની નકલ મળ્યા બાદ અરજદારે કહ્યું કે ભગતસિંહના કેસની સુનાવણી કરી રહેલા ટ્રિબ્યુનલના વિશેષ ન્યાયાધીશોએ આ કેસમાં 450 સાક્ષીઓને સાંભળ્યા વિના ત્રણેયને ફાંસીની સજા સંભળાવી હતી. ભગતસિંહના વકીલોને ઉલટતપાસ કરવાની તક આપવામાં આવી ન હતી. ભગતસિંહની ફાંસીની સજા અપાવવા માટે અંગ્રેજોનું આ એક ષડયંત્ર હતું.
FIRમાં શું લખાયેલું હતું ?
ઉર્દૂમાં લખાયેલી આ FIR 17 ડિસેમ્બર, 1928ના રોજ સાંજે 4.30 કલાકે બે અજાણ્યા બંદૂકધારીઓ સામે નોંધવામાં આવી હતી. અનારકલી પોલીસ સ્ટેશનના અધિકારી આ કેસમાં ફરિયાદી હતા. ફરિયાદી અને એક પ્રત્યક્ષદર્શી પોલીસ અધિકારીએ કોર્ટમાં જુબાની આપી હતી કે ‘હું એક એવા વ્યક્તિનો પીછો કરી રહ્યો હતો, જે 5 ફૂટ 5 ઇંચ લાંબો હતો, હિન્દુ ચહેરો ધરાવતો હતો, નાની મૂછો હતી, પાતળું અને સખત શરીર હતું, સફેદ પાયજામા અને ગ્રે કુર્તો પહેરેલો હતો. તેણે કાળી ક્રિસ્ટી જેવી ટોપી પણ પહેરી હતી.’ ભારતીય દંડ સંહિતાની કલમ 302, 120 અને 109 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકી અંગ્રેજી શાસનને હચમચાવી નાખ્યું
ભગતસિંહ બ્રિટિશ સરકારની મજૂર વિરોધી નીતિથી નારાજ હતા અને ઇચ્છતા ન હતા કે તે સેન્ટ્રલ એસેમ્બલીમાં પસાર થાય. સરકારને ચેતવણી આપવા અને તેમનો અવાજ સંભળાવવાના ઉદ્દેશ્યથી, તેમણે બટુકેશ્વર દત્ત સાથે મળીને 8 એપ્રિલ 1929ના રોજ સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો. બંનેએ આ ઘટનામાં કોઈને ઈજા ન થાય તેનું ધ્યાન રાખ્યું હતું, તેથી બોમ્બ ખાલી જગ્યાએ ફેંકવામાં આવ્યો હતો. આખો હોલ ધુમાડાથી ભરાઈ ગયો હતો. ભગતસિંહ ઇચ્છે તો ભાગી શક્યા હોત, પરંતુ તેમણે પોતાની ધરપકડ થાય તે યોગ્ય માન્યું. બોમ્બ વિસ્ફોટ બાદ તેમણે ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે પોતાની સાથે લાવેલા પેમ્ફલેટને હવામાં ફેંક્યા હતા. જે બાદ પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
સોન્ડર્સ કેસમાં ભગતસિંહને લાહોર જેલમાં મોકલાયા
12 જૂન, 1929ના રોજ ભગતસિંહને વિધાનસભામાં વિસ્ફોટ માટે આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જો કે, ભગતે એસેમ્બલીમાં જે બંદૂક સાથે આત્મસમર્પણ કર્યું તે જ બંદૂક હતી જેના વડે સોન્ડર્સનું પણ મોત થયું હતું. આ અંગે પોલીસને જાણ થઈ હતી. આ કેસ માટે ભગતને લાહોરની મિયાંવાલી જેલમાં ખસેડવામાં આવ્યા હતા.
લાહોર જેલમાં પહોંચતાની સાથે જ ભગતે તેમની સાથે રાજકીય કેદીની જેમ વ્યવહાર કરવા અને અખબારો અને પુસ્તકો આપવાની માંગ શરૂ કરી. માંગ નકારી કાઢવામાં આવ્યા પછી ભગત અને તેમના સાથીઓએ 15 જૂનથી 5 ઓક્ટોબર 1929 સુધી જેલમાં 112 દિવસની લાંબી ભૂખ હડતાળ કરી.
10 જુલાઈના રોજ, સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી શરૂ થઈ અને ભગત, રાજગુરુ અને સુખદેવ સહિત 14 લોકોને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા. આ કેસમાં 7 ઓક્ટોબર, 1929ના રોજ ભગત, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. ત્યાર બાદ 23 માર્ચ, 1931ના રોજ, ભગત સિંહને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવ સાથે ફાંસી આપવામાં આવી હતી.
12 કલાક વહેલા આપવામાં આવી ફાંસી
24 માર્ચ, 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવાની હતી. ભગત આ નિર્ણયથી ખુશ ન હતા. 20 માર્ચ, 1931ના રોજ તેમણે પંજાબના રાજ્યપાલને એક પત્ર લખીને કહ્યું હતું કે તેમની સાથે યુદ્ધ કેદી જેવો વ્યવહાર કરવામાં આવે અને તેમને ફાંસી આપવાને બદલે તેમને ગોળી મારી દેવામાં આવે.
22 માર્ચ, 1931ના રોજ તેમના ક્રાંતિકારી સાથીઓને લખેલા તેમના છેલ્લા પત્રમાં ભગતે કહ્યું હતું કે, જીવવાની ઈચ્છા મને પણ છે, હું આ છુપાવવા માંગતો નથી. ફાંસીમાંથી બચવાની લાલચ મારા દિલમાં ક્યારેય આવી નથી. હું અંતિમ પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.
ફાંસી આપવાના નિર્ધારિત સમયના 12 કલાક પહેલા 23 માર્ચ, 1931ના રોજ સાંજે 7.33 વાગ્યે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી.
જેલની દિવાલ તોડી મૃતદેહો બહાર કાઢવા પડ્યા
ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ફાંસીની જાણ થતાં જેલની બહાર ભીડ એકઠી થવા લાગી હતી. આનાથી અંગ્રેજો ડરી ગયા અને જેલની પાછળની દિવાલ તોડવામાં આવી અને એ જ રસ્તેથી જેલની અંદર એક ટ્રક લાવવામાં આવ્યો અને ત્રણેયના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા.
રાવી નદીના કિનારે અંતિમ સંસ્કાર કરવાના હતા, પરંતુ રાવીમાં પાણી ખૂબ ઓછું હોવાથી સતલજ નદીના કિનારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જો કે, લોકોને આ વાતની જાણ થતાં તેઓ ત્યાં પણ પહોંચી ગયા. આ જોઈને અંગ્રેજો ત્યાંથી ભાગી ગયા. બાદમાં પરિવારે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્રણેયના માનમાં ત્રણ માઈલ લાંબી શોક યાત્રા કાઢવામાં આવી હતી.
ભગતસિંહને ફાંસી અપાવવા માટે અંગ્રેજોએ ઘડ્યું હતું ષડયંત્ર
ભગતસિંહ પર અંગ્રેજ સરકાર વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ હતો. આ ઉપરાંત ભગત સિંહને જોન સોન્ડર્સની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને આ કેસમાં તેમને ફાંસી આપવામાં આવી હતી. ભગતસિંહને શરૂઆતમાં આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ તેમને ફાંસીની સજા થાય તે માટે અંગ્રેજોએ એક ષડયંત્ર રચ્યું અને ખોટા કેસમાં આરોપી બનાવીને ફાંસીની સજા ફટકારી હતી. કારણ કે જોન સોન્ડર્સની હત્યામાં નોંધાયેલી FIRમાં ક્યાંય ભગતસિંહ કે તેમના સાથીઓનો ઉલ્લેખ નહોતો છતાં તેમને ફાંસી આપવામાં આવી હતી એટલે કે આ અંગ્રેજોનું એક ષડયંત્ર હતું.