Breaking News : અમેરિકા લેશે Strait of Hormuz નો કંટ્રોલ, જગત જમાદારે કહ્યું, “સુરક્ષા બદલ વળતર પણ મળવું જોઈએ”
અમેરિકા-ઈરાન વચ્ચેનો વધતો લશ્કરી તણાવ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા વૈશ્વિક ઊર્જા બજારને અસર કરી રહ્યો છે. મિસાઈલ હુમલાઓ બાદ ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે. ટ્રમ્પે સ્ટ્રેટ પર અમેરિકાના નિયંત્રણ અને વળતરની વાત કરી, જ્યારે ઈરાને જહાજોની અવરજવર પર પ્રતિબંધ મૂકી ચેતવણી આપી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા લશ્કરી તણાવની અસર હવે વૈશ્વિક ઊર્જા બજાર પર પણ જોવા મળી રહી છે. બંને દેશો વચ્ચે થયેલા તાજેતરના મિસાઈલ હુમલાઓ બાદ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ પર અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપતાં કહ્યું છે કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મેળવશે અને તેની સુરક્ષા માટે યોગ્ય વળતર પણ મળવું જોઈએ.
તાજેતરના તણાવ બાદ કાચા તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી વિશ્વના મોટા ભાગના ક્રૂડ ઓઈલ અને ગેસનો વેપાર થતો હોવાથી આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની અસ્થિરતા વૈશ્વિક અર્થતંત્રને સીધી અસર કરે છે.
“અમે સ્ટ્રેટના ગાર્ડિયન એન્જલ બનીશું” – ટ્રમ્પ
ફોક્સ ન્યૂઝના કાર્યક્રમ ‘Fox & Friends’ સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા આ મહત્વપૂર્ણ જળમાર્ગની સુરક્ષા માટે જવાબદારી નિભાવશે. તેમણે કહ્યું કે અમેરિકા સંભવતઃ આ માર્ગનું સંચાલન પણ કરશે અને “સ્ટ્રેટના ગાર્ડિયન એન્જલ” તરીકે કામ કરશે.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે આ જળમાર્ગનો લાભ લેતા સમૃદ્ધ દેશોએ તેની સુરક્ષા બદલ અમેરિકા ને આર્થિક વળતર આપવું જોઈએ. તેમના મતે, અમેરિકા વિશ્વના સૌથી મહત્વપૂર્ણ વેપારી માર્ગોની સુરક્ષા મફતમાં કરી શકે તેવી અપેક્ષા રાખવી યોગ્ય નથી.
ઈરાને જળમાર્ગ પર પ્રતિબંધ મૂક્યો
ઈરાને શનિવારે સુરક્ષા કારણો અને અનધિકૃત હિલચાલનો હવાલો આપીને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પર નિયંત્રણ મૂક્યું હતું. ત્યારબાદ રવિવારે તેહરાને સ્પષ્ટ કર્યું કે હાલ માટે જહાજોની અવરજવર મર્યાદિત રહેશે અને નવી પરમિટ પણ આપવામાં આવશે નહીં.
ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત નહીં થાય ત્યાં સુધી આ પ્રતિબંધ યથાવત રહેશે.
અમેરિકાને ઈરાનની કડક ચેતવણી
સોમવારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે નિવેદન જાહેર કરીને કહ્યું કે જો અમેરિકા આ વિસ્તારમાં પોતાની લશ્કરી હાજરી ઘટાડશે તો જ વ્યાપારી જહાજોની સામાન્ય અવરજવર ફરી શરૂ થઈ શકશે.
ઈરાને ચેતવણી આપી કે અમેરિકાની સતત દખલગીરીથી વૈશ્વિક તેલ અને ગેસ સપ્લાય પર વધુ ગંભીર અસર પડી શકે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતા વધી શકે છે.
મિસાઈલ હુમલાઓથી તણાવ વધુ વધ્યો
સોમવારે અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. તેહરાનનો દાવો છે કે તેણે ખાડી વિસ્તારમાં આવેલા અમેરિકન લશ્કરી મથકોને નિશાન બનાવ્યા છે અને હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ ઉભો કર્યો છે. આ ઘટનાના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજી જોવા મળી છે.
60 દિવસનો વચગાળાનો કરાર પણ તૂટ્યો
તાજેતરના સંઘર્ષ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે અગાઉ થયેલો 60 દિવસનો વચગાળાનો કરાર પણ અસરકારક રહ્યો નથી. આ કરારનો હેતુ બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાનો અને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવાનો હતો.
ટ્રમ્પે આ મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી, પરંતુ ઈરાને તેનો ભંગ કર્યો. તેમના જણાવ્યા અનુસાર, અમેરિકા હવે પરિસ્થિતિનો કડક રીતે સામનો કરશે.
દુનિયાને જેનો ડર હતો તે જ થયું! શું રશિયા ઈરાન-અમેરિકા યુદ્ધમાં થઈ એન્ટ્રી?
