Breaking News: ચેટ વાયરલ ! ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિની વાતચીત બની ચર્ચાનો વિષય, ગ્રીનલેન્ડ-ઈરાન પર લખી હતી આ સિક્રેટ વાત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'બોર્ડ ઓફ પીસ'માં જોડાવા ન બદલ ફ્રાન્સને 200% ટેરિફ (આયાત જકાત) ની ધમકી આપી છે. ખાસ વાત એ છે કે, આ વિવાદ વચ્ચે ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના કેટલાક મેસેજ પણ જાહેર કરી દીધા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવા ન બદલ ફ્રાન્સને 200% ટેરિફ (આયાત જકાત) ની ધમકી આપી છે. આ વિવાદ વચ્ચે ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના કેટલાક મેસેજ પણ જાહેર કરી દીધા છે. આ બાબતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે, વિદેશ નીતિ બદલવા માટે ટેરિફની ધમકીઓ અસ્વીકાર્ય અને બિનઅસરકારક છે.
ગ્રીનલેન્ડના મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પર આકરા પ્રહારો કરતા ફ્રાન્સના વાઈન અને શેમ્પેઈન પર 200 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ફ્રાન્સે અમેરિકાના નેતૃત્વ હેઠળના પ્રસ્તાવિત ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવાનો ઇનકાર કરી દીધો છે.
ટેરિફની ધમકી કેમ આપી?
ટ્રમ્પે મેક્રોન વિશે કહ્યું, “કોઈ તેમને ઈચ્છતું જ નથી, કારણ કે તેઓ ટૂંક સમયમાં પદ છોડવાના છે. હું ફ્રેન્ચ વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લાદીશ અને પછી મેક્રોન શાંતિ બોર્ડમાં જોડાશે.” આ વિવાદ વચ્ચે ટ્રમ્પે મેક્રોનના એક ખાનગી ટેક્સ્ટ મેસેજનો સ્ક્રીનશોટ પણ જાહેર કરી દીધો છે.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર મેક્રોનના એક ખાનગી મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તે ચેટમાં મેક્રોને લખ્યું છે કે, “સીરિયાના મુદ્દે અમે તમારી સાથે સંપૂર્ણ રીતે સંમત છીએ. ઈરાનના કિસ્સામાં આપણે ઘણું બધું કરી શકીએ છીએ પરંતુ મને સમજાતું નથી કે તમે ગ્રીનલેન્ડમાં શું કરી રહ્યા છો?”
કોઈ એક નિષ્કર્ષ પર પહોંચવા માટે મેક્રોને એક ઔપચારિક બેઠકનો પ્રસ્તાવ મૂક્યો હતો. મેક્રોને લખ્યું, ‘હું પેરિસમાં G7 ની બેઠક બોલાવી શકું છું. હું યુક્રેન, ડેનમાર્ક, સીરિયા અને રશિયાને પણ તેમાં આમંત્રિત કરી શકું છું.’ તેમણે પેરિસમાં બેઠક અને ડિનરનો પ્રસ્તાવ પણ આપ્યો હતો.
‘ફ્રાન્સ’ ઝૂકવા તૈયાર નથી
રોયટર્સ (Reuters) ના જણાવ્યા અનુસાર, ટ્રમ્પની ટેરિફ ધમકી પર પ્રતિક્રિયા આપતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે, વિદેશ નીતિ બદલવા માટે ટેરિફની ધમકીઓ અસ્વીકાર્ય અને બિનઅસરકારક છે. ફ્રાન્સ આ દબાણ સામે ઝૂકવાનું નથી.
ટ્રમ્પે નાટો (NATO) ના મહાસચિવ માર્ક રુટ્ટેનો પણ એક ખાનગી મેસેજ જાહેર કર્યો છે. આમાં રુટ્ટેએ સીરિયા, ગાઝા અને યુક્રેનમાં ટ્રમ્પની ભૂમિકાના વખાણ કર્યા અને ગ્રીનલેન્ડ મુદ્દે ઉકેલ શોધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
‘બોર્ડ ઓફ પીસ’ શું છે?
‘બોર્ડ ઓફ પીસ’ એ ટ્રમ્પની અમેરિકા-સમર્થિત એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય પેલેસ્ટિનિયન વિસ્તારો સહિત સંઘર્ષ ગ્રસ્ત વિસ્તારોમાં કાયમી શાંતિ સ્થાપિત કરવાનો હોવાનું જણાવવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસ અનુસાર, આ બોર્ડમાં જોડાવા માટે ભારત, પાકિસ્તાન, રશિયા, કેનેડા, તુર્કી અને ઇજિપ્ત સહિત ઘણા દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ બોર્ડનું અધ્યક્ષપદ ખુદ ટ્રમ્પ સંભાળશે અને તેમને વીટો પાવર પણ પ્રાપ્ત થશે.
પ્રસ્તાવિત બોર્ડના અગ્રણી સભ્યોમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો, વિશેષ દૂત સ્ટીવ વિટકોફ, જેરેડ કુશનર, ઉદ્યોગપતિ માર્ક રોવન, અજય બંગા અને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયરનો સમાવેશ થાય છે. બોર્ડનો ઉદ્દેશ્ય સંઘર્ષ પ્રભાવિત વિસ્તારોમાં સ્થિરતા અને લાંબાગાળાની શાંતિ સુનિશ્ચિત કરવાનો હોવાનું જણાવવામાં આવ્યું છે.

