ભારત પર ટેરિફના કારણે ટ્રમ્પને અલાસ્કા મળવા આવ્યા પુતિન, અમેરિકી સેનેટરે કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી, યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામનું કહેવુ છે કે જો ભારત પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત ન થઈ હોત તો પુતિન અલાસ્કા સમિટમાં ન આવ્યા હોત.

અમેરિકી સેનેટ બજેટ કમિટીના ચેરમેન લિન્ડસે ગ્રેહામે કહ્યું છે કે પુતિન-ટ્રમ્પ મુલાકાત શક્ય બનવાનું કારણ ભારત પર લાદવામાં આવેલ ટેરિફ છે. ગ્રેહામ કહે છે કે પુતિન અલાસ્કા સમિટમાં ફક્ત એટલા માટે આવ્યા હતા કારણ કે ટ્રમ્પે ભારત દ્વારા રશિયન ગેસ અને તેલ ખરીદવા પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આના કારણે રશિયન અર્થતંત્રમાં કટોકટી ઉભી થઈ અને પુતિને વાટાઘાટોના ટેબલ પર આવવાનો નિર્ણય કર્યો. ગ્રેહામ એવા અમેરિકન નેતાઓમાંના એક છે જે રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર કડક પ્રતિબંધો લાદવાની વાત કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના માનવામાં આવતા સેનેટર લિન્ડસે ગ્રેહામ કહે છે કે યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે અમેરિકાએ પુતિનના ખિસ્સાને નિશાન બનાવવું પડશે. શુક્રવાર, 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચેની વાતચીત પછી ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં સેનેટર લિન્ડસે ગ્રેહામે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પ અને માર્કો રુબિયોએ પુતિનને સમજાવવું પડશે કે જો તે યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત નહીં કરે, તો અમે રશિયન અર્થતંત્રને બર્બાદ કરી દેશુ.
ચીનને નિશાન બનાવવું જરૂરી
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં રશિયન તેલ ખરીદવા માટે ભારત પર ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે. ગ્રેહામે દાવો કર્યો હતો કે, ‘ભારત પરના આ પ્રતિબંધોને કારણે પુતિન અલાસ્કાની મુલાકાત લેવા સંમત થયા હતા. જો અમે તેને આગલા સ્તર પર લઈ જઈએ અને ચીનને કહીએ કે હવે પછીનો તમારો નંબર છે, તો મને લાગે છે કે આપણે આ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત કરી શકીશું.’
ગ્રેહામે વધુમાં કહ્યું કે યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાની શક્તિ ધરાવતા વિશ્વના બીજા સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. જો તેઓ પુતિન પાસે જાય અને કહે કે આ યુદ્ધ સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. હું હવે તમારી મદદ કરી શકતો નથી કારણ કે તમે મારા દેશને જોખમમાં મૂકી રહ્યા છો, તો આ યુદ્ધ સમાપ્ત થઈ જશે.
ગ્રેહામ ભારત પર આક્રમક છે
લિન્ડસે ગ્રેહામે કહ્યું કે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર ટેરિફ લાદવો એ રશિયામાં યુદ્ધ રોકવા માટે સમીકરણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આમાં સૌથી મહત્વપૂર્ણ નામ ચીન અને ભારત છે, જે રશિયન તેલના બે સૌથી મોટા ખરીદદાર છે. લિન્ડસે ગ્રેહામે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખતા દેશો પર 500 ટકા ડ્યુટી લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
