CIA ના ભૂતપૂર્વ અધિકારીનો ચોંકાવનારો ખુલાસો, પરવેઝ મુશર્રફે રૂપિયા લઈને પાક અણુશસ્ત્રોનું નિયંત્રણ USAને સોંપેલ, ઓસામા બિન લાદેન મહિલાના કપડા પહેરીને ભાગ્યો હતો
સીઆઈએના ભૂતપૂર્વ અધિકારી જોન કિરિયાકોઉએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે પાકિસ્તાનનું સાચું સ્વરૂપ દુનિયા સમક્ષ ઉજાગર કર્યું. જોન કિરિયાકોઉએ ઓસામા બિન લાદેન અને પરવેઝ મુશર્રફ સાથે સંબંધિત અનેક ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવાની સાથે ચોકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે ઓસામા બિન લાદેન મહિલાના કપડા પહેરીને ભાગી ગયો હોવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સીઆઈએના ભૂતપૂર્વ અધિકારી જોન કિરિયાકોઉએ પાકિસ્તાન અને આતંકવાદને લગતા કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું કે, અલ-કાયદાના સ્થાપક ઓસામા બિન લાદેને 11 સપ્ટેમ્બર, 2001ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ પર આત્મઘાતી હુમલા કર્યા હતો. આ હુમલાઓ પછી તેને પકડવો યુનાઇટેડ સ્ટેટ્સ માટે મહત્વપૂર્ણ હતો. પોતાને બચાવવા માટે, ઓસામા બિન લાદેન તોરા બોરા પર્વતોમાંથી એક મહિલાના વેશમાં અમેરિકન કમાન્ડોના ઘેરામાંથી ભાગી ગયો હતો.
એક મુલાકાતમાં, જોન કિરિયાકોઉએ જણાવ્યું હતું કે, તેમને ખબર નહોતી કે સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર માટે રાખવામાં આવેલ અનુવાદક ખરેખર અલ-કાયદાનો એક કાર્યકર્તા હતો. જેણે યુએસ સૈન્યમાં ઘૂસણખોરી કરી હતી. જોને 15 વર્ષ સુધી સીઆઈએમાં સેવા આપી હતી અને પાકિસ્તાનમાં સીઆઈએના આતંકવાદ વિરોધી કામગીરીના વડા તરીકે સેવા આપી હતી.
ઓસામા કેવી રીતે ભાગ્યો?
જ્હોને કહ્યું, “અમને ખબર નહોતી કે સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર માટે રાખવામાં આવેલ અનુવાદક ખરેખર અલ-કાયદાનો એક કાર્યકર હતો. જેણે યુએસ સેનામાં ઘૂસણખોરી કરી હતી. તેથી અમને ખબર હતી કે બિન લાદેન ઘેરાયેલો છે. અમે તેને તોરા બોરાના પર્વતમાળા પરથી નીચે આવવા કહ્યું. તેણે સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર માટે રાખવામાં આવેલ અનુવાદક દ્વારા કહ્યું, ‘શું તમે અમને સવાર સુધીનો સમય આપી શકો છો? અમે મહિલાઓ અને બાળકોને બહાર કાઢવા માંગીએ છીએ. ત્યાર બાદ અમે નીચે આવીને યુએસ આર્મી સમક્ષ આત્મસમર્પણ કરવા માંગીએ છીએ.'”
અનુવાદકે સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર જનરલ ફ્રાન્ક્સને આ વિચારથી મનાવી લીધો હતો. આખરે, અમને બધાને અંધારામાં રાખીને ઓસામા બિન લાદેન એક મહિલાનો વેશ ધારણ કરીને અંધારાના ગેરલાભ લઈને એક પિકઅપ ટ્રકમાં પાકિસ્તાન ભાગી ગયો હતો. તેણે કહ્યું કે જ્યારે પરોઢિયે સૂર્ય ઉગ્યો, ત્યારે તોરા બોરામાં શરણાગતિ સ્વીકારવા માટે કોઈ બચ્યું નહતું. તેઓ બધા મહિલાના વેશમાં મહિલાઓની આડમાં ભાગી ગયા હતા. તેથી અમારે સીધા પાકિસ્તાનના એબોટાબાદમાં સૈન્ય કાર્યવાહી કરવી પડી હતી.
યુએસએ મે 2011 માં ઉત્તર પાકિસ્તાનના શહેર એબોટાબાદમાં ઓસામા બિન લાદેનને શોધી કાઢ્યો. 2 મેના રોજ, યુએસ સ્પેશિયલ ફોર્સે તેના ઠેકાણા પર દરોડા પાડ્યા. જે દરમિયાન તેને મારી નાખ્યો. તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનો ઉલ્લેખ કરતા, જોને કહ્યું કે તેઓએ “મુશર્રફને ખરીદી લીધો” હતો અને તેમણે અમને જે જોઈએ તે કરવા દીધું હતું.
મુશર્રફને ખરીદ્યો
તેમણે કહ્યું કે અમે મુશર્રફને લાખો ડોલરની સહાય પૂરી પાડી, પછી ભલે તે લશ્કરી હોય કે આર્થિક વિકાસ સહાયના નામે. તેમણે કહ્યું કે અમે મુશર્રફ સાથે નિયમિતપણે મળતા હતા, અઠવાડિયામાં ઘણી વખત. હકીકતમાં, તેમણે અમને જે જોઈએ તે કરવા દીધું. જોકે, મુશર્રફ પાસે તેમના પોતાના લોકો પણ હતા. કિરિયાકોઉએ દાવો કર્યો હતો કે, એક સમયે અમેરિકા પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગારને નિયંત્રિત કરતું હતું. તેમણે કહ્યું કે, અમેરિકા સરમુખત્યારો સાથે કામ કરવાનું પસંદ કરે છે. “તમારે જાહેર અભિપ્રાય કે મીડિયા વિશે ચિંતા કરવાની જરૂર નથી.”
ભૂતપૂર્વ સીઆઈએ અધિકારીએ વધુમાં કહ્યું કે, મુશર્રફે ડબલ ગેમ રમી હતી. તેમણે ખુલ્લેઆમ અમેરિકાનો પક્ષ લીધો, જ્યારે ગુપ્ત રીતે પાકિસ્તાની સૈન્ય અને ઉગ્રવાદીઓને ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની મંજૂરી આપી. તેમણે કહ્યું કે પાકિસ્તાની સૈન્યને અલ-કાયદાની પરવા નહોતી. તેઓ ભારતની પરવા કરતા હતા. મુશર્રફે ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવતી વખતે આતંકવાદ વિરોધી કામગીરીમાં અમેરિકાને ટેકો આપવાનો ઢોંગ કર્યો.
આ પણ વાંચોઃ “બકવાસ…” તણાવમાં ભારતની સંડોવણીના પાકિસ્તાનના આરોપો પર અફઘાનિસ્તાનનો આકરો જવાબ