Internship Abroad: જાપાન ભારતીય વિદ્યાર્થીઓને આપી રહ્યું છે પેઇડ ઇન્ટર્નશિપની તક, ફ્લાઇટ ટિકિટથી લઈને રહેવાની વ્યવસ્થા પણ ફ્રી, જાણો કેવી રીતે કરશો અરજી
જાપાનની OIST સંસ્થા ભારતીય વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણપણે ફંડેડ રિસર્ચ ઇન્ટર્નશિપ લાવ્યું છે. આ પ્રોગ્રામ STEM ક્ષેત્રના વિદ્યાર્થીઓને જાપાનમાં આંતરરાષ્ટ્રીય રિસર્ચ લેબમાં કામ કરવાનો અનુભવ આપશે.

વિદેશમાં અભ્યાસ કરવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાનો અનુભવ મેળવવાનું સપનું ઘણા ભારતીય વિદ્યાર્થીઓ જોતા હોય છે. ખાસ કરીને વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓ વિશ્વની જાણીતી રિસર્ચ લેબોરેટરીમાં કામ કરવા ઇચ્છતા હોય છે. જોકે, વિદેશમાં રહેવાનો ખર્ચ, હવાઈ મુસાફરીની ટિકિટ અને અન્ય આર્થિક મુશ્કેલીઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ માટે આ સપનું પૂરું કરવું મુશ્કેલ બને છે. પરંતુ હવે આવા વિદ્યાર્થીઓ માટે જાપાનમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે.
જાપાનની જાણીતી ઓકિનાવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (OIST) દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ માટે પેઇડ રિસર્ચ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને જાપાનમાં ચારથી છ મહિના સુધી આંતરરાષ્ટ્રીય સ્તરની સંશોધન લેબોરેટરીમાં કામ કરવાની તક મળશે. ખાસ વાત એ છે કે આ ઇન્ટર્નશિપ સંપૂર્ણપણે ફંડેડ છે, એટલે કે વિદ્યાર્થીઓને મુસાફરી અને રહેવા સહિતની અનેક સુવિધાઓ સંસ્થા તરફથી આપવામાં આવશે.
OIST ઇન્ટર્નશિપમાં વિદ્યાર્થીઓને કઈ સુવિધાઓ મળશે?
OISTના આ રિસર્ચ ઇન્ટર્નશિપ પ્રોગ્રામની સૌથી મોટી ખાસિયત એ છે કે પસંદગી પામેલા વિદ્યાર્થીઓને જાપાન આવવા-જવા માટેની રાઉન્ડ-ટ્રિપ ફ્લાઇટ ટિકિટ આપવામાં આવશે. આ ઉપરાંત, સંસ્થા દ્વારા કેમ્પસમાં અથવા તેની નજીક સંપૂર્ણ ફર્નિચરવાળું રહેઠાણ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે વિદ્યાર્થીઓને જાપાનમાં રહેવાની વ્યવસ્થા માટે અલગથી મોટો ખર્ચ કરવાની જરૂર નહીં પડે.
આ ઉપરાંત, ઇન્ટર્નને દર કાર્યકારી દિવસે 2,400 જાપાનીઝ યેનનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, જે ભારતીય ચલણ પ્રમાણે અંદાજે ₹1,400 જેટલું થાય છે. આ રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓ પોતાના ભોજન અને વ્યક્તિગત ખર્ચ માટે કરી શકશે. વિદ્યાર્થીઓની અવરજવર સરળ બને તે માટે મફત શટલ સેવાની સુવિધા પણ આપવામાં આવશે.
આ ઇન્ટર્નશિપ માટે જાપાનીઝ ભાષા જાણવી ફરજિયાત નથી. OISTમાં સંશોધન સંબંધિત તમામ કામગીરી અને દૈનિક સંવાદ અંગ્રેજી ભાષામાં થાય છે. એટલું જ નહીં, અરજી કરવા માટે IELTS કે TOEFL જેવી અંગ્રેજી ભાષાની પરીક્ષા આપવી પણ ફરજિયાત નથી. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વિઝા પ્રક્રિયામાં પણ સંસ્થા તરફથી માર્ગદર્શન અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. આ માટે OISTની વહીવટી ટીમ Certificate of Eligibility (CoE) મેળવવાની પ્રક્રિયામાં પણ મદદ કરશે.
કોણ કરી શકશે OIST ઇન્ટર્નશિપ માટે અરજી?
આ ઇન્ટર્નશિપ ખાસ કરીને STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે. તેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ન્યુરોસાયન્સ, મરીન સાયન્સ, ગણિત, કમ્પ્યુટેશનલ સાયન્સ અને ક્વોન્ટમ સાયન્સ જેવા વિષયોનો સમાવેશ થાય છે.
જે વિદ્યાર્થીઓએ સ્નાતક અભ્યાસક્રમનું બીજું વર્ષ પૂર્ણ કર્યું છે તેઓ આ કાર્યક્રમ માટે અરજી કરી શકે છે. તેમાં B.Tech, B.E. અને B.S. જેવા અભ્યાસક્રમના ત્રીજા કે ચોથા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્રણ વર્ષના B.Sc. અભ્યાસક્રમના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરવા પાત્ર છે.
આ ઉપરાંત, હાલમાં M.Sc. અથવા M.Tech. જેવી માસ્ટર ડિગ્રી મેળવી રહેલા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. જે વિદ્યાર્થીઓએ તાજેતરમાં સ્નાતક અથવા અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો છે તેઓ પણ પોતાની લાયકાત અને કાર્યક્રમની શરતો અનુસાર અરજી કરી શકે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
OIST રિસર્ચ ઇન્ટર્નશિપ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ, 2027 નક્કી કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પસંદગી પામેલા ઉમેદવારોને જૂન 2027ના મધ્ય સુધીમાં જાણ કરવામાં આવશે. આથી, જે વિદ્યાર્થીઓ જાપાનમાં સંશોધન ક્ષેત્રે કામ કરવાનો અનુભવ મેળવવા ઇચ્છે છે, તેમના માટે સમયસર અરજી કરવી જરૂરી છે.
કેવી રીતે કરશો અરજી? જાણો જરૂરી દસ્તાવેજો
આ ઇન્ટર્નશિપ માટે અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ OISTના સત્તાવાર ઓનલાઇન એપ્લિકેશન પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવા માટે 5,000 જાપાનીઝ યેનની નોન-રિફંડેબલ ફી ચૂકવવાની રહેશે.
અરજી કરતી વખતે વિદ્યાર્થીઓએ પોતાનું અપડેટેડ CV, શૈક્ષણિક ટ્રાન્સક્રિપ્ટ અને જો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તો ડિગ્રીનું પ્રમાણપત્ર તૈયાર રાખવું પડશે. આ ઉપરાંત, 250 શબ્દોથી ઓછું Statement of Purpose (SOP), પ્રોફેસર અથવા પ્રોજેક્ટ ગાઇડ તરફથી એકથી ત્રણ ભલામણ પત્રો (LOR), માન્ય પાસપોર્ટ અને ઓળખ માટેનો ફોટો પણ જરૂરી રહેશે.
અરજી કરવા માટે: OISTની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ Research Internship Programmeના ઓનલાઇન એપ્લિકેશન પોર્ટલની મુલાકાત લો અને તમામ જરૂરી વિગતો તથા દસ્તાવેજો સાથે અરજી પૂર્ણ કરો. વિદેશમાં સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ એક સારી તક બની શકે છે. ખાસ કરીને જાપાન જેવી ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે અગ્રણી ગણાતી જગ્યાએ કામ કરવાનો અનુભવ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
રશિયન મિસાઇલો પોલેન્ડમાં પડી, શું NATO આપશે જવાબ!
