હવે રશિયા કરશે પરમાણુ પરીક્ષણ, પુતિને આપ્યા સૈન્ય-અધિકારીઓને આદેશ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને, સૈન્ય અધિકારીઓને પરમાણુ પરીક્ષણ માટે તૈયારી કરવાનો આદેશ આપ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, પરમાણુ પરીક્ષણ કર્યાની આજે જાહેરાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયાએ નોવાયા ઝેમલ્યા સ્થળને સંભવિત અણું પરીક્ષણ સ્થળ તરીકે પસંદ કર્યું છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે તેમના સૈન્ય અધિકારીઓને પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ ફરીથી શરૂ કરવા માટે પ્રસ્તાવ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ પગલું યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અણુ મિસાઈલના પરિક્ષણ કર્યાની જાહેરાત બાદ આવ્યું છે કે, હવે રશિયા પણ અમેરિકાની માફક પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરશે.
પુતિને કહ્યું કે, રશિયા હંમેશા વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ (CTBT) નું પાલન કરે છે, જે પરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધ મૂકતો આંતરરાષ્ટ્રીય કરાર છે. પરંતુ જો અમેરિકા કે અન્ય કોઈ પરમાણુ શક્તિ ધરાવતા દેશ જો પરીક્ષણ કરે છે, તો રશિયા પણ તેમ જ કરશે. પુતિને અમેરિકાના અણુ પરિક્ષણને રશિયાની રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગંભીર મુદ્દો ગણાવ્યો.
રશિયાએ પરીક્ષણ સ્થળ પસંદ કર્યું
રશિયન સંરક્ષણ પ્રધાન આન્દ્રે બેલોસોવે પુતિનને માહિતી આપી કે અમેરિકા તાજેતરના સમયમાં તેની પરમાણુ શક્તિમાં વધારો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ સ્થિતિમાં, રશિયા માટે તાત્કાલિક પૂર્ણ-સ્તરના પરમાણુ પરીક્ષણ માટે તૈયારીઓ શરૂ કરવી જરૂરી છે. બેલોસોવે સમજાવ્યું કે, રશિયાના આર્કટિક ક્ષેત્ર નોવાયા ઝેમલ્યામાં પરીક્ષણ સ્થળ ખૂબ જ ઓછા સમયમાં પરીક્ષણ માટે તૈયાર થઈ શકે છે.
પુતિને અધિકારીઓ પાસેથી સૂચનો માંગ્યા
પુતિને વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, ગુપ્તચર એજન્સીઓ અને અન્ય વિભાગોને યુએસ યોજનાઓ વિશે વધુ માહિતી એકત્રિત કરવા, આ માહિતીનું વિશ્લેષણ કરવા અને પરમાણુ પરીક્ષણની તૈયારી માટે રશિયન સુરક્ષા પરિષદને સૂચનો સબમિટ કરવાનો આદેશ આપ્યો.
પુતિને જણાવ્યું હતું કે ટ્રમ્પના નિવેદનથી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ગંભીર અને ખતરનાક બની છે. જો યુએસ પરમાણુ પરીક્ષણ કરતુ હોય, તો રશિયા પણ તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે સમાન પગલાં લેશે. અમેરિકાએ છેલ્લે 1992 માં, ચીન અને ફ્રાન્સે 1996 માં અને સોવિયેત સંઘે 1990 માં પરમાણુ પરીક્ષણો કર્યા હતા. સોવિયેત સંઘના વિસર્જન પછી રશિયાએ કોઈ અણુ પરીક્ષણો કર્યા નથી.
આ પણ વાંચોઃ Breaking News : અમેરિકાનું ‘શક્તિ પ્રદર્શન’ ! પરમાણુ મિસાઈલ ‘મિનિટમેન’નું પરીક્ષણ કર્યું, શું આ લોહિયાળ યુદ્ધની તૈયારી છે?