અમેરિકાના દબાણ વચ્ચે પણ ન ઝુક્યા આ ગુજરાતી બિઝનેસમેન, જાણો કેવી કરી કમાલ ?
અમેરિકી દબાણ અને પ્રતિબંધો છતાં, ભારતની કંપનીએ ફરી રશિયન ક્રૂડ તેલની ખરીદી શરૂ કરી છે. 2.2 મિલિયન બેરલ તેલ સાથે ત્રણ ટેન્કર ગુજરાતની રિફાઇનરી તરફ રવાના થયા છે.

અમેરિકાના દબાણ અને રશિયા પર લાદાયેલા પ્રતિબંધો વચ્ચે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફરી એકવાર રશિયન ક્રૂડ તેલની ખરીદી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, આશરે 2.2 મિલિયન બેરલ રશિયન તેલ વહન કરતા ત્રણ ઓઇલ ટેન્કર ભારત તરફ રવાના થયા છે, જે રિલાયન્સના જામનગર રિફાઇનરી સંકુલ સુધી પહોંચવાના છે. આ ટેન્કરની ડિલિવરી આ મહિનાની શરૂઆતમાં થવાની શક્યતા છે.
રિલાયન્સે અસ્થાયી રીતે રશિયન તેલની ખરીદી રોકી
ડેટા એનાલિટિક્સ કંપની કેપ્લરના જણાવ્યા અનુસાર, આ તેલ યુરલ્સ ગ્રેડનું છે, જેને નિકાસ માટે નહીં પરંતુ ભારતની અંદર બળતણ ઉત્પન્ન કરવા માટે રિફાઇન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં અમેરિકા દ્વારા રશિયાની મુખ્ય તેલ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલને બ્લેકલિસ્ટ કર્યા બાદ રિલાયન્સે અસ્થાયી રીતે રશિયન તેલની ખરીદી રોકી હતી.
રોઝનેફ્ટ રિલાયન્સ માટે રશિયન તેલની સૌથી મોટી સપ્લાયર હતી અને બંને વચ્ચે દરરોજ આશરે 5 લાખ બેરલ તેલની લાંબા ગાળાની સપ્લાય ડીલ હતી. જો કે, હવે રિલાયન્સે અન્ય સપ્લાયર્સ મારફતે રશિયન તેલ ખરીદવાનું ફરી શરૂ કર્યું છે. આ સપ્લાયર્સમાં અલ્ઘાફ મરીન, રેડવુડ ગ્લોબલ સપ્લાય, રૂસએક્સપોર્ટ અને એથોસ એનર્જી જેવી ટ્રેડિંગ કંપનીઓનો સમાવેશ થાય છે, જેમાંથી કેટલીક યુકેના પ્રતિબંધો હેઠળ પણ છે.
ભારતની અનેક રિફાઇનરીઓએ રશિયન તેલની ખરીદી ઘટાડી
રશિયન તેલ ખરીદવા બદલ ભારતને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્ર તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો છે. આ અનિશ્ચિત પરિસ્થિતિને કારણે, તાજેતરના મહિનાઓમાં ભારતની અનેક રિફાઇનરીઓએ રશિયન તેલની ખરીદી ઘટાડેલી છે, જેના પરિણામે ગયા મહિને ભારતની આયાત ત્રણ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી હતી.
કેપ્લરના આંકડાઓ અનુસાર, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2024 અને 2025 દરમિયાન મોટા ભાગના સમયગાળામાં વિશ્વમાં રશિયન ક્રૂડ તેલનો સૌથી મોટો ખરીદદાર રહી છે. યુક્રેન યુદ્ધ બાદ ઘણા દેશોએ રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઘટાડ્યું છે, જેના કારણે ભારત અને ચીન રશિયન તેલના મુખ્ય ખરીદદારો તરીકે સામે આવ્યા છે.
રશિયન તેલનો હિસ્સો 40 ટકા કરતાં વધુ હતો
ડિસેમ્બર મહિનામાં જામનગર રિફાઇનરીમાં રશિયન તેલનો પુરવઠો ઘટીને લગભગ 2.7 લાખ બેરલ પ્રતિ દિવસ રહ્યો હતો, જે રિલાયન્સની કુલ આયાતના 20 ટકા કરતાં ઓછો છે. જ્યારે અગાઉ જાન્યુઆરીથી નવેમ્બર વચ્ચે રશિયન તેલનો હિસ્સો 40 ટકા કરતાં વધુ હતો.
રિલાયન્સ ઉપરાંત, સરકારી કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન પણ બિન-પ્રતિબંધિત સપ્લાયર્સ પાસેથી રશિયન ક્રૂડ તેલની ખરીદી કરી રહી છે. ઊંડી છૂટ, ઓછો ખર્ચ અને અમેરિકા સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટોને લઈને અનિશ્ચિતતા વચ્ચે રશિયન તેલ ભારતીય રિફાઇનરીઓ માટે હજી પણ આકર્ષક વિકલ્પ બની રહ્યું છે.
ચીન લાખો રૂપિયા આપીને ખરીદી રહ્યું છે વાંદરા, કરવામાં આવી રહ્યું છે આ પરીક્ષણ
