હિંદ મહાસાગરમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ, ક્વાડ નેતાઓએ પીએમ મોદીની કરી પ્રશંસા
ક્વાડ સમિટમાં ક્વાડ નેતાઓએ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. ક્વાડ નેતાઓએ, કહ્યું કે હિંદ મહાસાગરમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયન પીએમએ કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં તે હિંદ મહાસાગરમાં એક મહાસત્તા તરીકે ઉભરી આવી છે.
અમેરિકાના ડેલાવેરમાં યોજાયેલી ક્વાડ સમિટમાં, ક્વાડના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતા. હિંદ મહાસાગરમાં ભારતની ભૂમિકા માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં તે હિંદ મહાસાગરમાં એક મહાસત્તા તરીકે ઉભરી આવી છે. તે જ સમયે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે અમેરિકાએ પણ ભારતના અનુભવોમાંથી ઘણું શીખવાની જરૂર છે. જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે, તેઓ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના સંગઠનને સમર્થન આપશે.
સમિટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ક્વાડ કોઈની વિરુદ્ધ નથી પરંતુ તે નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને સાર્વભૌમત્વના પક્ષમાં છે. મુક્ત, ખુલ્લું, સર્વસમાવેશક અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક અમારી પ્રાથમિકતા છે. અમે બધા નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને તમામ મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના સમર્થનમાં છીએ. અમે સાથે મળીને આરોગ્ય સુરક્ષા, નિર્ણાયક અને ઉભરતી તકનીકો, આબોહવા પરિવર્તન, ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં ઘણી સકારાત્મક અને સમાવિષ્ટ પહેલ કરી છે.
ક્વાડ અકબંધ રહેશે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, ક્વાડના નેતાઓ અહીં એવા સમયે એકઠા થયા છે જ્યારે સમગ્ર વિશ્વ તણાવ અને સંઘર્ષથી ઘેરાયેલું છે. આવા સમયે, ક્વાડ માટે તેના લોકતાંત્રિક મૂલ્યો સાથે મળીને કામ કરવું સૌથી મહત્વપૂર્ણ છે. અમારો સંદેશ સ્પષ્ટ છે કે ક્વાડ રહેશે. વાસ્તવમાં પીએમ મોદીનો આખો ઈશારો ચીન તરફ હતો. ચીન સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર સાર્વભૌમત્વનો દાવો કરે છે, જ્યારે વિયેતનામ, મલેશિયા, ફિલિપાઈન્સ, બ્રુનેઈ અને તાઈવાન પણ તેનો દાવો કરે છે.
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસ પર છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. QUAD સમિટમાં ભાગ લીધા બાદ PM મોદી ન્યૂયોર્ક પહોંચ્યા. તેઓ આજે ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ પછી, આવતીકાલે તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ કાર્યક્રમને સંબોધિત કરશે.
QUAD શું છે અને તેનું કાર્ય શું છે?
ક્વાડ એ ચાર દેશોનો સમૂહ છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા અને જાપાનનો સમાવેશ થાય છે. ક્વાડ દેશોનો ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવાનો છે. આ સંસ્થા 2007માં શરૂ કરવામાં આવી હતી. પરંતુ 2008માં ઓસ્ટ્રેલિયાની પીછેહઠ બાદ તે બંધ થઈ ગયું. તે 2017 માં ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ચીન આ સંગઠનથી નારાજ છે. તેનુ માનવું છે કે, ક્વાડની રચના માત્ર ચીનને જવાબ આપવા માટે કરવામાં આવી છે.
ક્વાડનું કાર્ય નેવિગેશનની સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય કાયદાઓને માન આપીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે નિયમ આધારિત સિસ્ટમ બનાવવાનું છે.