ઈમરાન ખાન હિટ વિકેટ, હવે શાહબાઝ બનશે ‘કેપ્ટન’, જાણો પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલની ભારત પર શું થશે અસર
Pakistan Political Turmoil : પાકિસ્તાનમાં ઈમરાન ખાને સત્તા ગુમાવ્યા બાદ ભારત સહીત આસપાસના દેશ ઉપર આની શું અસર થશે ? આગામી દિવસોમાં બંને દેશોના સંબંધોમાં થોડો સુધારો થઈ શકે છે. આવો જાણીએ આ વિશે.
Pakistan political crisis:પાકિસ્તાનમાં (Pakistan) રાજકીય ઉથલપાથલ વચ્ચે આખરે ઈમરાન ખાનની (Imran Khan) ખુરશી ગઈ છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ડ્રામા બાદ આખરે આજે ઈમરાનની સરકાર પડી. હવે વિપક્ષના નેતા શાહબાઝ શરીફનું (Shehbaz Sharif) નામ વડાપ્રધાન બનવાની રેસમાં સૌથી આગળ છે. ઈમરાન ખાને પોતાની ખુરશી બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. ઈમરાન વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર 3 એપ્રિલે મતદાન થવાનું હતું. પરંતુ નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આ પછી, સુપ્રીમ કોર્ટે, કાસિમ સૂરીના નિર્ણયને રદ કરી દીધો અને અવિશ્વાસ પ્રસ્તાવ પર ફરીથી મતદાન માટે આદેશ કર્યો હતો.
બીજી તરફ પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પડોશી દેશો સહિત વિશ્વ પર તેની શું અસર થવાની છે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. અફઘાનિસ્તાન અને ઈરાન 220 મિલિયનની વસ્તી સાથે પાકિસ્તાનના પશ્ચિમમાં છે, ચીન ઉત્તર-પૂર્વમાં છે અને ભારત પૂર્વમાં છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનું વ્યૂહાત્મક મહત્વ ઘણું વધી જાય છે. અહીં સૌથી વધુ ચર્ચા એ છે કે ઈમરાનની સત્તા ગુમાવ્યા બાદ તેની ભારત પર શું અસર થવાની છે અને આવનારા દિવસોમાં બંને દેશોના સંબંધોમાં થોડો સુધારો થઈ શકે છે કે કેમ ? આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પાકિસ્તાનના રાજકીય સંકટની ભારત પર શું અસર થશે
ભારત પર શું થશે અસર?
આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ યુદ્ધો થયા છે. આમાંના બે યુદ્ધોનું કારણ કાશ્મીર રહ્યું છે. પાકિસ્તાનમાં સેના પાસે સંવેદનશીલ વિસ્તારો માટે નીતિ બનાવવાની જવાબદારી છે. 2021 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદથી બંને દેશો વચ્ચે સરહદ પર શાંતિ છે. જો કે સરહદ પર શાંતિનો સંબંધ રાજદ્વારી મંત્રણા સાથે નથી. વાસ્તવમાં, ઈમરાન ખાન ભારતમાં મુસ્લિમ લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી રહ્યા છે.
આ સિવાય પણ ઘણા એવા મુદ્દા છે જેના પર બંને પક્ષો વચ્ચે વિશ્વાસનો અભાવ છે. આ બધાનું પરિણામ એ છે કે અત્યાર સુધી બંને દેશો વચ્ચે કોઈ ઔપચારિક વાતચીત થઈ નથી. અત્રે નોંધનીય છે કે હવે પાકિસ્તાન સેના નવી સરકાર પર કાશ્મીરમાં યુદ્ધવિરામ જાળવી રાખવા માટે દબાણ બનાવી શકે છે. પાકિસ્તાનના શક્તિશાળી સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ તાજેતરમાં કહ્યું હતું કે જો ભારત સંમત થાય તો તેમનો દેશ કાશ્મીર પર આગળ વધવા માટે તૈયાર છે. બીજી તરફ જો શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બને છે તો ભારત સાથેના સંબંધો સુધરી શકે છે. શરીફનો પરિવાર ભારત તરફ ઝુકાવ માટે જાણીતો છે.
આ પણ વાંચોઃ
શાહબાઝ શરીફ સંભાળી શકે છે પાકિસ્તાનનું સુકાન, સોમવારે લઈ શકે છે પીએમ પદના શપથ
આ પણ વાંચોઃ